આઇએનએસ વિક્રાંતઃ સ્વદેશી - શક્તિસભર અને સ્વાભિમાનનું પ્રતીક

Tuesday 06th September 2022 15:33 EDT
 
 

કોચી: ભારતના સમુદ્રી ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા સ્વદેશી એરક્રાફ્ટ વોરશિપ ‘વિક્રાંત’નું કોચિ ખાતેથી હિંદ મહાસાગરમાં જલાવતરણ થયું છે. આ સાથે 4.50 કરોડ કિલોનો તરતો કિલ્લો ભારતીય નેવીમાં સામેલ થયો છે. સાથે સાથે જ ભારત સ્વદેશી વિમાનવાહક જહાજ બનાવવાની ક્ષમતા ધરાવતા વિકસિત દેશોની લીગમાં જોડાઈ ગયું છે. વડા પ્રધાન મોદીએ આ જહાજનું જલાવતરણ કર્યું તેની સાથે સાથે જ મહાન મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજ પ્રેરિત નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું. વડા પ્રધાને કહ્યું કે, ‘આજે અહીં કેરળના સમુદ્રતટ ઉપર દરેક ભારતવાસી નવા ભવિષ્યના સૂર્યોદયનો સાક્ષી બની રહ્યો છે. આઈએનએસ વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, વિહંગમ છે, તે વિશિષ્ટ છે અને વિશેષ પણ છે. વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ નથી પરંતુ તે 21મી સદીના ભારતના પરિશ્રમ, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આઈએનએસ વિક્રાંત વિશ્વ ક્ષિતિજ પર વધી રહેલા ભારતના બુલંદ ઉત્સાહનો હુંકાર છે.
પૂર્વીય દરિયાઇ સરહદનું પ્રહરી
અંદાજે રૂ. 20,000 કરોડના ખર્ચે બનાવાયેલ આઈએનએસ વિક્રાંત ભારતની પૂર્વીય દરિયાઈ સરહદનું પ્રહરી બનશે. પશ્ચિમી દરિયાઈ સરહદના પ્રહરી તરીકે આઈએનએસ વિક્રમાદિત્ય તૈનાત છે, જે રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું છે. સ્વદેશી બનાવટના વિમાનવાહક જહાજ વિક્રાંતનું નામ ભારતના સૌપ્રથમ એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતના નામ પર જ રખાયું છે, જેણે 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વદેશી જહાજ વિક્રાંતનું આદર્શ વાક્ય છે જયેમ સં યુધિસ્પૃધઃ સંસ્કૃત ભાષાના આ વાક્યનો અર્થ છે ‘હું તેને હરાવી દઈશ, જે મારી સામે ટકરાશે.’
દરિયામાં તરતું શહેર
ભારતીય સમુદ્રની સુરક્ષાને અભેદ્ય બનાવતા તરતા કિલ્લા અને તરતા શહેર સમાન આઈએનએસ વિક્રાંત 18 માળની ઈમારત જેટલું ઊંચુ છે. વિક્રાંત દેશનું પહેલું યુદ્ધ જહાજ છે, જે સીટી સ્કેન મશીન સાથે સંપૂર્ણ કાર્યરત હોસ્પિટલથી સજ્જ છે, જેમાં બે ઓપરેશન થિયેટર છે. આ જહાજના ડેક પર એક જ સમયે મીગ-29કે, કમોવ અને એમએચ-60આર ચોપર સહિત 32 ફાઈટર વિમાન અને હેલિકોપ્ટર તૈનાત કરાશે. જોકે, આ જહાજ પર અત્યાધુનિક રફાલ વિમાન અને બ્રહ્મોસ મિસાઈલ પણ તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. વિક્રાંતની વીજ ઉત્પાદન ક્ષમતા 24 મેગાવોટની છે, જે અંદાજે 5,000 ઘરોને વીજળી પૂરી પાડી શકવા સક્ષમ છે. 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું જહાજ અંદાજે 45,000 ટન (અંદાજે 4.50 કરોડ કિલો)નું વજન ધરાવે છે. વિક્રાંત મહત્તમ પ્રતિ કલાક 51.85 કિમી (28 નોટ્સ)ની ઝડપ ધરાવે છે તેમજ તેની ક્રુઝિંગ રેન્જ 7,500 નોટિકલ માઈલ છે. વિક્રાંતમાં ક્રૂ માટે 2,200થી વધુ કમ્પાર્ટમેન્ટ બનાવાયા છે.
વડા પ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, લક્ષ્ય દૂર છે, યાત્રાઓ દિગંત છે, સમુદ્ર તેમજ પડકારો પણ અનંત છે તો ભારતનો ઉત્તર છે વિક્રાંત. સ્વદેશી જહાજ વિક્રાંત અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત છે. વિક્રાંત આત્મનિર્ભર થઈ રહેલાં ભારતનું અદ્વિતીય પ્રતીક છે. આજે ભારત સ્વદેશી ટેક્નોલોજીથી વિમાનવાહક જહાજનું ઉત્પાદન કરતા દુનિયાના કેટલાક દેશોની લીગમાં જોડાઈ ગયું છે. આઈએનએસ વિક્રાંતે દેશમાં નવો આત્મવિશ્વાસ ભર્યો છે. વિક્રાંત સંરક્ષણ ક્ષેત્રમાં સ્વનિર્ભર બનવાની કેન્દ્ર સરકારની કટિબદ્ધતા દર્શાવે છે. વિક્રાંત આપણા સમુદ્રી ક્ષેત્રની સુરક્ષા માટે દરિયામાં ઉતર્યું છે ત્યારે તેના પર નૌકાદળની અનેક મહિલા સૈનિકો પણ તૈનાત રહેશે. સમુદ્રની અથાગ શક્તિની સાથે અસીમ મહિલા શક્તિ, આ ભારતની બુલંદ ઓળખ બની રહી છે.

નેવીના છત્રપતિ શિવાજી પરથી પ્રેરિત નવા ધ્વજનું અનાવરણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઈએનએસ વિક્રાંત લોન્ચ કરવાની સાથે ભારતીય નૌકાદળ માટે નવા ધ્વજનું પણ અનાવરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે બીજી સપ્ટેમ્બર 2022થી ભારતીય નૌકાદળને નવો ધ્વજ મળ્યો છે. અત્યાર સુધી નૌકાદળના ધ્વજ પર ગુલામીના સંકેતો જોવા મળતા હતા. પરંતુ આજથી મહાન મરાઠા રાજા છત્રપતિ શિવાજી પરથી પ્રેરિત નૌકાદળનો નવો ધ્વજ દરિયા અને આકાશમાં લહેરાશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે હું નૌકાદળના જનક છત્રપતિ શિવાજી મહારાજને નવો ધ્વજ સમર્પિત કરું છું. નૌકાદળના ધ્વજમાંથી ક્રોસ હટાવી દેવાયો છે. સાથે જ નૌસૈનિક ક્રેસ્ટનો ફરીથી ધ્વજમાં સમાવેશ કરાયો છે. નવા ધ્વજમાં ઉપરની બાજુ ડાબા ખૂણામાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગા સાથે છે અને જમણી બાજુ મધ્યમાં સિંહોના ત્રિમૂર્તિના રાષ્ટ્રીય પ્રતીક સાથે નૌસૈનિક ક્રેસ્ટને સ્થાન અપાયું છે. ઉપરાંત તેના પર સંસ્કૃતમાં લખાયું છે: 'શં નો વરૂણઃ'. અગાઉ નૌકાદળે કહ્યું હતું કે તેનો નવો ધ્વજ ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનું પ્રતીક બનશે.

વિશેષતાઓ
• લંબાઈ: 262.5 મીટર • પહોળાઈ: 62.5 મીટર
• ઊંચાઈ: 18 માળની ઈમારત જેટલી
• વજન: 42,800 ટન
• ઝડપ: 28 નોટ્સ (પ્રતિ કલાક 51.85 કિમી)
• પાવર: 24 મેગાવોટ
• ડેકની લંબાઈ: ફૂટબોલના બે મેદાન જેટલી • કેબલિંગ: 2,500 કિમી કરતાં વધુ
• ક્રુઝિંગ રેન્જ: 7,500 નોટીકલ માઈલ
• કમ્પાર્ટમેન્ટ્સ: 2,200થી વધુ • ક્રૂ: 1600
• હાઇટેક હોસ્પિટલ અને 2 ઓપરેશન થિયેટર
• 35 યુદ્ધ વિમાન અને હેલિકોપ્ટર ગોઠવાશે
• રફાલ જેટ - બ્રહ્મોસ મિસાઇલ ગોઠવી શકાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter