આખરે પી.જી. પટેલ અને SPMSએ માફી તો મગી, પરંતુ...

- કમલ રાવ Saturday 15th November 2014 12:36 EST
 
SPMSના ચેરમેન શ્રી પી.જી. પટેલ
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના ગત તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના અંકમાં મેં જે લખ્યુ તે ભારે હૃદયથી લખાયું હતું. ૧૦ સપ્તાહથી મેં જોયું હતું કે સીબીની વિનંતીઓ બહેરાં કાને જ અથડાતી હતી. મેં સીબીને કહ્યું હતું કે ભારતના મહાન સપૂતના સંદેશાના પ્રસારનો દાવો કરતી સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS)એ વિવેક અને ઔચિત્યના લઘુતમ માપદંડો જાળવવા જ જોઈએ. સરદારશ્રીએ મૂલ્યોનું એટલી બારીકાઈથી જતન કર્યું છે કે વધુ અને વધુ ભારતીયો ભારતમાં તેમના કાયમી વારસાના પ્રશંસક બની રહ્યા છે. જો SPMS, સીબી જેવી વ્યક્તિ સાથે આવું ગેરબંધારણીય અને સામંતશાહી રીતે વર્તન કરી શકે તો સમાજના અથવા સંસ્થાના સામાન્ય સદસ્યની હાલત તો શું થાય?

હું વાચક બિરાદરોને એ જણાવવા ઈચ્છું છે કે SPMSના ચેરમેન શ્રી પી.જી. પટેલે તેમના તા. ૨૧ જુલાઇના પ્રથમ પત્રમાં જે ભારપૂર્વક દાવો કર્યો હતો તે હકીકતોની દૃષ્ટિએ તદ્દન ખોટો હતો. તેમનો સર્વસંમતિપૂર્ણ મતનો દાવો તો ગેરમાર્ગે દોરનારો જ હતો. એક ટ્રસ્ટી (શ્રી જીતુભાઈ)એ તો કોઈ કારણદર્શક નોટિસ આપ્યા વિના આ રીતે આજીવન સભ્યને દૂર કરવાના પગલાને નકાર્યું હતું. બીજા ટ્રસ્ટી (શ્રી જે.એફ. પટેલ)એ કહ્યું હતું કે સીબીને આ પ્રકારે પત્રો લખી શકાય નહિ, પરંતુ આપણે બધાએ સાથે બેસીને પરિસ્થીતિની ચર્ચા કરવી જોઈએ અને કોઈ ગેરસમજ હોય તો દૂર કરવી જોઈએ.

દુઃખદ બીના તો એ છે કે પાંચ નવેમ્બર સુધી એક્ઝીક્યુટિવ કમિટીના કોઈ પણ સભ્ય તરફથી લેખિત પ્રતિભાવ અપાયો નહિ. SPMSના EC સભ્યો પોતાની જવાબદારીથી સંપૂર્ણ માહિતગાર હોવાં જોઈએ. કેટલાંક એકાઉન્ટન્ટ્સ, તો કેટલાંક પૂર્વ સ્થાનિક કાઉન્સિલર હોવાના દાવા કરે છે, જ્યારે અન્યો સુશિક્ષિત તેમ જ જાહેર સેવા સંસ્થાઓ સાથે સંકળાયા હોવાનો દાવો કરે છે. આમાંથી કોઈએ પણ સીબીની વિનંતી અનુસાર છેક તા. ૩૦ જુલાઈએ માગેલી મીટિંગની મિનિટ્સ અને બંધારણની નકલ તેમ જ તમામ કમિટી સદસ્યોને અને ખાસ તો તેના ચેરમેન શ્રી પી.જી. પટેલને સહેલાઈથી પ્રાપ્ય બને તેવી અન્ય સુસંગત વિગતો સીબીને પૂરી પાડી ન હતી.

મને હવે એ બાબતની જાણ થઈ છે કે તા. ૨૪ જૂનની એ મીટિંગમાં હાજર (કેટલાંક હાજર પણ ન હતા) કોઈ કમિટી સભ્યે ખુદ બંધારણની માગણી કરી ન હતી, જે મીટિંગમાં લવાયું જ ન હતું. હવે હું એ જાણવા માગું છું કે શ્રી પી.જી. પટેલ દ્વારા લખાયેલા પત્રવ્યવહારની જાણકારી કમિટી સભ્યોને શા માટે ન હતી? મનને એ ખૂંચી રહ્યું છે કે આવી સંસ્થાના પ્રતિષ્ઠિત કમિટી સભ્યો આવી દરબારી પદ્ધતિએ કેમ વર્તી શકે?

પ્રિય વાચકો, 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના તા. ૧૧ ઓક્ટોબરના અંકમાં મારા લેખ પછી કેટલાક વાચકોએ પત્રો લખ્યા હતા. સર્વશ્રી લાલુભાઈ પારેખ, ચુનીલાલ ચાવડા, બલ્લુભાઈ પટેલ, ભરતભાઈ સચાણીયા, જગદીશ ગણાત્રા દ્વારા લખાયેલા પત્રો અમે પ્રસિદ્ધ કરી શક્યા હતા. હું એ પણ જાણું છું કે શ્રી સી.જે. રાભેરુએ ચેરમેન શ્રી પી.જી. પટેલને વિગતવાર પત્ર લખી સ્થાપક સભ્યનું સભ્યપદ રદ કરવાની ગેરબંધારણીય અને મલિન ઈરાદા સાથેની કાર્યવાહી દ્વારા કેટલો ભારે અન્યાય થઈ રહ્યો છે તે સમજાવ્યું હતું. આ જ પ્રમાણે કાન્તિભાઈ નાગડા, ધીરુભાઈ વડેરા, પ્રવીણભાઈ અમીન સહિત અન્ય લોકોએ ચેરમેન શ્રી પી.જી. પટેલને પત્રો લખી તેમણે અને તેમની કમિટીએ કરેલા અન્યાયને સુધારવા અને SPMSની પ્રતિષ્ઠા બચાવવા વિનંતી કરી હતી.

આખરે જાહેર અભિપ્રાયના ભીષણ આક્રમણ હેઠળ રવિવાર તા. ૨૬ ઓક્ટોબરે SPMSની તાકીદની બેઠક (મૂળ ઘટનાના ચાર મહિના પછી) યોજાઈ હતી, જેમાં આ બાબતનો નિવેડો લાવવા તેમજ સીબીની ક્ષમા યાચવા સર્વશ્રી મહેન્દ્રભાઈ સી. જાડેજા (ચેરમેન), કૃષ્ણાબહેન પૂજારા, જીતુભાઈ પટેલ, જે.એફ. પટેલ, જી.પી. દેસાઈ અને અંજનાબહેન પટેલની બનેલી છ સભ્યોની વિશેષ કમિટી રચવામાં આવી હતી. આ સમિતિએ તે પછી પાંચમી નવેમ્બરે સી.બી.પટેલને પત્ર પાઠવી જણાવ્યું હતું કે,‘તમામ પત્રવ્યવહાર તપાસી ગયા પછી અમે 'મેન્ડેટેડ કમિટી'ના સદસ્યો માનીએ છીએ કે તમને મોકલવામાં આવેલી મેમ્બરશિપ ટર્મિનેશન નોટિસ SPMSના બંધારણ હેઠળ કાયદેસર નથી, આથી ૨૧ જુલાઈ, ૨૦૧૪નો ચેરમેનનો ઈમેઈલ ગેરબંધારણીય છે. અમે, મેન્ડેટેડ કમિટી, અમારી SPMS ECદ્વારા આપનું સભ્યપદ રદ કરવાની ગેરબંધારણીય અને કઠોર કાર્યવાહી ખોટી હતી, જે માટે સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુકે) વતી નિખાલસપણે ક્ષમાયાચના કરીએ છીએ. આ સાથે ભારે દિલગીરી સાથે નોટિસ ઓફ મેમ્બરશિપ ટર્મિનેશન પાછી ખેંચવામાં આવે છે. આપના ૩૦ જુલાઈ ૨૦૧૪ના ઈમેઈલ અનુસાર માગવામાં આવેલી માહિતી પૂરી પાડવામાં ECની અક્ષમતા બદલ પણ અમે ઊંડો ખેદ વ્યક્ત કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે હવે આ બાબતનો અહીં અંત આવે છે અને આપના તરફથી વધુ કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે.'

મેન્ડેટેડ કમિટીના ઉપરોક્ત છ સભ્યોની સહી સાથેનો પત્ર આઠમી નવેમ્બરે તમામ છ સભ્યો તેમ જ શ્રી સી.જે રાભેરુ અને શ્રી કાન્તિભાઈ નાગડાની હાજરીમાં શ્રી સી.બી. પટેલને સુપરત કરાયો હતો. સીબી અને આ આઠ મિત્રોએ બંધારણના ધ્યેયો અને હેતુઓમાં સમાવિષ્ટ ફરજોને માન આપવા સોસાયટીએ કેવી રીતે કામ કરવું જોઈએ તેની ચર્ચા કરી હતી. સીબીએ જણાવ્યું હતું કે 'આ ક્ષમાયાચના કોઈનો પરાજય નથી, પરંતુ તમામ માટે વિજય છે અને સામાન્ય વિવેકનો વિજય છે. આ ઘણાં સમય પહેલા થવું જોઈતું હતુ, પરંતુ હવે આપણે સાથે મળીને સરદાર પટેલના વારસાની સેવા કરવા તમામ કરી છૂટીશું.'

આ દરમિયાન, પાચમી નવેમ્બરે જ ચેરમેન શ્રી પી.જી. પટેલે અલાયદી ક્ષમાયાચના પાઠવી હતી જે અત્રે પ્રસ્તુત છે

 'ડીઅર સીબી, તમારા સભ્યપદને રદ કરવા બાબતે તમારા તાજેતરના પત્રવ્યવહાર સંદર્ભમાં મને હવે SPMSસબકમિટી દ્વારા સલાહ અપાઈ છે કે EC કાઉન્સિલ દ્વારા તમારા સભ્યપદ રદ કરવા બાબતે લેવાયેલા નિર્ણયમાં બંધારણનું પાલન કરાયું નથી. હું SPMSવતી ક્ષમા યાચુ છું કારણ કે હું એક્ઝીક્યુટિવ કાઉન્સિલ દ્વારા દોરવાયો હતો. આનાથી સર્જાયેલી અસુવિધા બદલ ક્ષમા પ્રાર્થુ છું. હું અંગત રીતે પણ આપની માફી માગું છું અને આપના માર્ગદર્શન હેઠળ SPMSના વિકાસના તબક્કામાં આગળ વધવા ઈચ્છું છું. હું એ ખાતરી આપવા માગું છું કે આપ હજુ પણ SPMSના સ્થાપક સભ્ય છો અને નિકટના ભવિષ્યમાં આપની સાથે કામ કરવા ઈચ્છુક છું.'

હું એ સમજી શકતો નથી કે ચેરમેન શ્રી પી.જી. પટેલે અલગ ક્ષમાયાચના પત્ર પાઠવ્યો હતો, જે હવે મુખ્ય દોષનો ટોપલો એક્ઝીક્યુટિવ કાઉન્સિલ (EC)ના શિરે ઢોળે છે. આ જરા વિચિત્ર હોવા સાથે પ્રતિષ્ઠાજનક લાગતું નથી. ખેર, આ જીવનની રીત છે અને આપણે તેની સાથે જીવવું પડે છે. હજુ પણ સોસાયટી ૨૪ જૂનની તે દુર્ભાગ્યપૂર્ણ મીટિંગની યોગ્ય મિનિટ્સ સીબીને પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. શા માટે? તેમના માટે છુપાવવાનું શું રહ્યું છે? સમિતિના પ્રત્યેક સદસ્યે તેમની ફરજને યાદ રાખવી જોઈએ અને તેમના અંતરાત્માના અવાજને અનુસરવું જોઈએ. જો મેં ૧૧ ઓક્ટોબરે આ વૃતાન્ત પ્રસિદ્ધ કર્યું ન હોત તો SPMSના નેજા હેઠળ શું ચાલી રહ્યું છે તેની જાણ સમાજને થઈ ન હોત અને કદાચ કેટલાક સામાન્ય સદસ્યો હંમેશના માટે શોષિત બન્યા હોત.

પૂ. સરદાર પટેલની ૧૩૯મી જન્મજંયતીની ૩૧ ઓક્ટોબરની ઊજવણીમાં આલ્કોહોલ / વાઈન પીરસવા અંગે અનેક ફરિયાદો કરવામાં આવી છે. ડો. સુબ્રમણ્યમ સ્વામીએ SPMSના ૩૧ ઓક્ટોબરના કાર્યક્રમમાં હાજરી આપવા લંડન આવી શકવાની પોતાની અશક્તિનો પત્ર એક સપ્તાહ અગાઉ ચેરમેન શ્રી પી.જી. પટેલને પાઠવ્યો હતો. શ્રી પી.જી. પટેલે ECને નિખાલસ અને યોગ્ય માહિતી પૂરી પાડી ન હતી. શુક્રવાર, ૩૧ ઓક્ટોબરની સવારના ૧૧ વાગ્યે પણ લંડનના એશિયન રેડિયો બ્રોડકાસ્ટમાં ડો. સ્વામી સાંજે SPMSના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશેની પુનઃ જાહેરાત કરાઈ હતી. આમ શા માટે?

અંતમાં હું તમામ સંસ્થાઓના અગ્રણીઓને એક નાની વિનંતી કરવા માગું છું. તમારી જાહેર ફરજ બજાવવા માટે તમારી પાસે સમય, શક્તિ, બુદ્ધિ, તમારી ભૂમિકા તેમ જ જવાબદારી વિશે યોગ્ય સમજ હોવી જોઈએ. નેતાગીરીએ છીછરી, મૂર્ખ અથવા કિન્નાખોરીની પદ્ધતિએ વર્તવું ન જોઈએ, જે શ્રી સી.જે. રાભેરુએ ૩૧ ઓક્ટોબરના કાર્યક્રમમાં તેમની સાથે કરાયેલા વર્તન અપમાનજનક અંગે ચેરમેન શ્રી પી.જી. પટેલને ૪ નવેમ્બરે પાઠવેલા પત્રમાં સ્પષ્ટપણે કળી શકાય છે. દુઃખની બાબત એ છે કે શ્રી સી.જે. રાભેરુના અરણ્યરૂદન તરફ કમિટીના એક પણ સભ્યે પ્રતિસાદ આપ્યો ન હતો. હું માનું છું કે સામાન્ય લાગણી અને ન્યાયના હિતમાં અવાજ ઉઠાવવા બદલ તેમની સાથે વેરવૃત્તિ દર્શાવાઈ હતી.

ભવિષ્યમાં આપણી કોમ્યુનિટીમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી જ આશા હું રાખું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter