નવી દિલ્હીઃ એકવીસ દિવસથી લોકડાઉનમાં રહેલા ભારતમાં વધુ ૧૮ દિવસ માટે લોકડાઉન લંબાવાયું છે. કોરોના વાઇરસ મામલે ૨૬ દિવસમાં ચોથું રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ત્રીજી મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. વડા પ્રધાને લોકડાઉનથી ક્યા પ્રકારે કોરોના મહામારીને નાથી શકાઇ છે તેની જાણકારી આપતાં કહ્યું હતું કે રાજ્ય સરકારોથી માંડીને સામાન્ય નાગરિકોએ એકમતે કરેલી રજૂઆતોને ધ્યાને લઇને લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું હતું કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં ૨૦ એપ્રિલથી અમુક શરતો સાથે છૂટછાટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાં અપાયેલી શરતી મુક્તિ પણ રદ કરવામાં આવશે.
તેમણે કહ્યું છે કે, ભારતે કોરોનાને રોકવાના સમયસર પ્રયત્નો શરૂ કરી દીધા હતા તેથી જ દેશમાં ઈન્ફેક્શન પર ઘણી હદે કાબુ મેળવી શકાયો છે. જ્યારે દેશમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો તે પહેલાં જ ભારતે કોરોના પ્રભાવિત દેશોથી આવતા યાત્રીઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું. આ પછી દેશમાં ૧૦૦ દર્દીઓ હતા ત્યારે વિદેશથી આવેલા દરેક પ્રવાસીને ૧૪ દિવસ માટે આઈસોલેટ કરવાનો નિયમ લાગુ કરાયો હતો. આ પછી મોલ, થિયેટર, ક્લબ, જીમ બંધ કરવામાં આવ્યા હતા. અને જ્યારે ૫૫૦ કેસ હતા ત્યારે દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવાયું હતું.
વડા પ્રધાને તેમના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, નમસ્તે મારા પ્યારા દેશવાસીઓ, કોરોનાના વિરુદ્ધ ભારતની લડાઈ ઘણી મજબૂતાઈ સાથે આગળ વધી રહી છે. આપ તમામ દેશવાસીઓની તપસ્યા અને ત્યાગના કારણે ભારત અત્યાર સુધી કોરોનાથી થનારા નુકસાનને ઘણી હદ સુધી ટાળવામાં સફળ રહ્યો છે. તમે લોકોએ કષ્ટ સહન કરીને પણ આપણા દેશ અને ભારત વર્ષને બચાવ્યું છે. હું જાણું છું કે તમને કેટલી મુશ્કેલીઓ પડી છે. કોઈને જવા આવવાની તકલીફ, કોઈ ઘર-પરિવારથી દૂર છે.
પરંતુ તમે લોકો દેશ માટે એક અનુશાસિત સિપાહીની જેમ તમારું કર્તવ્ય નિભાવી રહ્યા છો. હું આપ સૌને આદરપૂર્વક નમન કરું છું. આપણા બંધારણમાં જે વી ધ પીપલ ઓફ ઈન્ડિયાની શક્તિની વાત કહેવામાં આવી છે, આ એ જ તો છે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતી પર આપણે ભારતવાસીઓ તરફથી આપણી સામૂહિક શક્તિનું પ્રદર્શન અને સંકલ્પએ જ બાબાસાહેબને શ્રદ્ધાજંલિ છે. બાબાસાહેબનું જીવન આપણને દરેક પડકારને પોતાની સંકલ્પ શક્તિ અને પરિશ્રમના આધારે પાર કરવાની નિરંતર પ્રેરણા આપે છે. હું તમામ દેશવાસી તરફથી બાબાસાહેબને નમન કરું છું.
ગરીબોને ધ્યાનમાં રાખી મુક્તિ
૨૦ એપ્રિલે નક્કી કરાયેલા વિસ્તારોમાં છૂટની જોગવાઈ આપણા ગરીબ ભાઈ-બહેનોની આજીવિકાને ધ્યાનમાં રાખીને કરાઇ છે, જેઓ રોજ કમાય છે અને ગુજરાન ચલાવે છે. મારી સૌથી મોટી પ્રાથમિકતા આ ગરીબોની મુશ્કેલી ઓછી કરવાની છે. વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના દ્વારા અમે દરેક શક્ય પ્રયાસ કર્યા છે. નવી ગાઈડલઈનમાં પણ તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હાલ આ વખતે રવી પાકની લણણીનું કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.
દેશવ્યાપી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
સાથીઓ દેશમાં દવાથી માંડી રાશન સુધીનો પૂરતો ભંડાર છે. સપ્લાઈ ચેઈનની અડચણો સતત દૂર કરાઈ રહી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધી રહ્યું છે. જ્યાં માત્ર એક લેબ હતી. ત્યાં હવે ૨૨૦થી વધારે લેબ ટેસ્ટિંગનું કામ કરી રહી છે. વિશ્વનો અનુભવ કહે છે કે કોરોનાના ૧૦ હજાર દર્દી થશે તો ૧૫૦૦ બેડની જરૂર પડે છે. ભારતમાં આજે અમે એક લાખથી વધારે બેડની વ્યવસ્થા કરી દીધી છે. ૬૦૦થી વધારે હોસ્પિટલ કોવિડની સારવાર માટે કામ કરી રહ્યા છે. આ સુવિધાઓને ઝડપથી વધારાઈ રહી છે.
આપણે હકીકતને નકારી ન શકીએ
વડા પ્રધાને કહ્યું હતું કે આ એવું સંકટ છે જેમાં કોઈ દેશની અન્ય સાથે સરખામણી યોગ્ય નથી. તેમ છતાં આપણે અમુક હકીકતોને નકારી ન શકીએ. એ પણ સત્ય છે કે, મોટા - મજબૂત દેશોમાં કોરોનાના આંકડાઓ જોઈએ તો તેની સરખામણીએ ભારતની સ્થિતિ ઘણી સારી છે.
અન્ય દેશોમાં ૩૦ ગણા કેસ
વડા પ્રધાને કહ્યું, મહિના - દોઢ મહિના પહેલાં ઘણાં દેશ કોરોના ઈન્ફેક્શન મામલે ભારતની સમાંતર હતા, આજે તે દેશો ભારતની સરખામણીએ કોરોના મામલે ૨૫થી ૩૦ ગણાં વધી ગયા છે. તે દેશોમાં હજારો લોકોના દુખદ મૃત્યુ થઈ રહ્યા છે. ભારતે પોલીસિંગ અપ્રોચ ન રાખ્યો હોત તો, ઈન્ટિગ્રેટેડ અપ્રોચ ન રાખ્યો હોત, સમયસર આકરા નિર્ણય ન લીધા હોત તો આજે ભારતની સ્થિતિ કઈક અલગ જ હોત. તેની કલ્પના કરતાં પણ રુંવાડાં ઉભા થઈ જાય છે. જોકે પહેલાના અનુભવથી એ સ્પષ્ટ છે કે, આપણે જે રસ્તો પસંદ કર્યો છે તે આજની સ્થિતિમાં આપણાં માટે યોગ્ય છે.
અમેરિકામાં દર્દીઓની સંખ્યા ૨૦૦ ગણી
ભારત અત્યારે સ્ટેજ-થ્રી એટલે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કે પહોંચ્યું નથી. તેમાં કોરોના ફેલાવાના સોર્સ વિશે જાણકારી પણ મળતી નથી. દેશમાં લોકડાઉનના પહેલાં દિવસે ૬૫૯ દર્દીઓ હતા. ૨૦ દિવસમાં સંક્રમિત દર્દીની સંખ્યા ૧૫ ગણી વધી હતી. યુએસમાં ૨૦ દિવસમાં દર્દીની સંખ્યા ૨૦૦ ગણી વધી છે કેમ કે ત્યાં ટોટલ લોકડાઉન નથી.
તો આજે ૮ લાખ કરતાં વધુ કેસ હોત
સ્વાસ્થય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે દુનિયામાં ૪૧ ટકાના ગ્રોથ રેટથી કોરોના ઈન્ફેક્શન વધી રહ્યું છે. જો સરકાર તરફથી શરૂઆતમાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોત તો - ભારતમાં આ ગ્રોથ રેટ પ્રમાણે - ૧૫ એપ્રિલ સુધીમાં ૮.૨ લાખ લોકોને કોરોનાગ્રસ્ત થઇ ગયા હોત.
વડા પ્રધાને માગ્યા સાત વચન...
૧) ઘરના વડીલોની કાળજી અને અગાઉથી બીમાર વ્યક્તિઓની વિશેષ સંભાળ.
૨) લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન.
૩) રોગપ્રતિકાર શક્તિ વધારો.
૪) કોરોનાના ચેપને રોકવા આરોગ્ય સેતુ એપને મોબાઇલમાં ડાઉનલોડ કરો.
૫) ગરીબ પરિવારની મદદ કરો, જેમની પાસે ભોજન ન હોય તેમને ભોજન આપો.
૬) વ્યવસાય-ઉદ્યોગમાં સાથે કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખો. ઉદ્યોગપતિઓ કોઇને નોકરીમાંથી કાઢી મૂકે નહીં.
૭) કોરોના યોદ્ધાઓનું (ડોક્ટર્સ, નર્સ, પોલીસ જવાનો, સફાઇ કામદારોનું) સન્માન કરો.