પેટલાદ, લંડનઃ વિઝિટર વિઝા લઇને દસ દિવસ લંડન ફરવા પહોંચેલા આણંદ જિલ્લાના ભવાનીપુરના દંપતી માટે આ પ્રવાસ દુઃસ્વપ્નસમાન સાબિત થયો છે. બ્રિટનપ્રવાસના ઓફિશ્યલ વિઝા છતાં ઇમિગ્રેશન અધિકારીઓએ માત્ર શંકાના આધારે પિનાકીન પટેલ અને તેમના પત્ની ભાવિશાબહેનની અટકાયત કરીને બે મહિના સુધી ડિટેન્શન સેન્ટરમાં ગોંધી દીધા. અધિકારીઓએ તેમની રજૂઆત તો ન જ સાંભળી, પણ પિનાકીનભાઇ પર એટલો માનસિક ત્રાસ ગુજાર્યો કે તેમણે યાર્લ્સવુડ ઇમિગ્રેશન રિમુવલ સેન્ટરમાં જ અંતિમ શ્વાસ લીધા.
આ પછી પણ સંબંધિત અધિકારીઓ તો તેમને અટકાયતમાંથી છોડવા તૈયાર જ નહોતા. જોકે રોષે ભરાયેલા અન્ય અટકાયતીઓએ ભૂખ હડતાળના મંડાણ કરતાં સત્તાધીશોને ભાવિશાબહેનને અટકાયતમુક્ત કરવા ફરજ પડી હતી.
આ ઘટનાએ ભારતીય સમુદાયમાં ઘેરા આઘાત સાથે રોષની લાગણી ફેલાવી છે તો સાથોસાથ જવાબદાર અધિકારીઓ સામે આકરા પગલાં લેવાની માગણી પણ ઉઠાવી છે. સમગ્ર ઘટનાક્રમથી હતપ્રભ થઇ ગયેલા ભવાનીપુરમાં વસતાં પરિવારજનોએ બ્રિટન સરકાર સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી શરૂ કરી છે.
ભવાનીપુરા ગામે રહેતાં કલાપી પટેલના જણાવ્યા પ્રમાણે, ‘મારા ભાઇ પિનાકીન પટેલ અને તેમના પત્ની ભાવિશા ગત ૧૧ ફેબ્રુઆરીએ વિઝિટર વિઝા પર યુકે ફરવા ગયાં હતાં. લંડનના હિથ્રો એરપોર્ટ પર ફરજ બજાવતા ઇમિગ્રેશન અધિકારીઓએ આ લોકો ફરવા નહીં, પણ કાયમી વસવાટ માટે આવ્યા હોવાની શંકાના આધારે ડિટેઇન કરીને યાર્લ્સવુડ ઇમિગ્રેશન રિમુવલ સેન્ટરમાં મોકલી આપ્યા હતા.’
‘સેન્ટરમાં બન્નેની વારંવાર પૂછપરછ કરીને ભારે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સતત માનસિક તણાવના કારણે પિનાકીનભાઇને ગભરામણ થવા લાગી હતી અને શ્વાસ રુંધાવા લાગ્યો હતો. જોકે તેમને સમયસર સારવાર ન મળતાં ૨૦ એપ્રિલે મોત નીપજ્યું હતું. પતિનાં મૃત્યુ છતાં ભાવિશાબહેનને અટકાયતમાં રાખવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, તેમની પાસેથી મોબાઇલ ફોન પણ છીનવી લેવામાં આવ્યો હતો.’
‘પિનાકીનભાઇના મૃત્યુ છતાં ઇમિગ્રેશન અધિકારીઓએ ભાવિશાબહેનને અટકાયતમાંથી મુક્ત કરવાનો ઇન્કાર કરતાં આ ડિટેન્શન સેન્ટરમાં રખાયેલાં અન્ય અટકાયતીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. અટકાયતીઓએ તેમની મુક્તિની માગ સાથે ભૂખ હડતાળના મંડાણ કરતાં છેક ચાર દિવસ બાદ ભાવિશાબહેનને સેન્ટરમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં.’
તેમણે ભારે હૈયે વધુમાં જણાવ્યું હતું કે ‘પાંચમી મેના રોજ પિનાકીનભાઇનો મૃતદેહ સોંપવામાં આવતાં લંડનમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. કોઇ કારણ વિના ભાઇ-ભાભીને બે મહિના સુધી ડિટેન્શન સેન્ટરમાં ગોંધી રાખવામાં આવ્યાં હતાં. ભાઇના શંકાસ્પદ મોત માટે અમે લંડનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે બ્રિટન સરકારે કેસ ચાલે ત્યાં સુધી ભાવિશાબહેનને લંડનમાં રહેવાની મંજૂરી આપી છે.
કલાપીભાઇએ વધુમાં કહ્યું હતું કે ‘પિનાકીનભાઇનો આઠ વર્ષનો પુત્ર લંડન ફરવા ગયેલાં માતા-પિતાનાં પરત ફરવાની રાહ જોઇ રહ્યો હતો. જોકે બાળકે યુકે ઇમિગ્રેશન ઓથોરિટીના અમાનવીય વલણને કારણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જ્યારે પરિવારે આધારસ્તંભ સમાન પુત્ર ગુમાવ્યો છે.
અમારી સાથે આતંકવાદી જેવું વર્તનઃ ભાવિશાબેન
પતિના મોત બાદ માંડ માંડ કસ્ટડીમાંથી મુક્ત થયેલા ભાવિશાબેન પટેલે સમગ્ર ઘટના અંગે આક્રોશ સાથે આક્ષેપ કર્યો હતો કે સુરક્ષા અધિકારીઓ દ્વારા તેમની સાથે આતંકવાદી હોય એ રીતનું વર્તન કરાયું હતું. તેમણે એક માસ પૂર્વે ભારત પરત ફરવાની તૈયારી દર્શાવી હતી તેમ છતાં તેમને ભારત પરત ફરવાની મંજૂરી અપાઇ નહોતી. એટલું જ નહીં, તેમનો કેસ ચાલશે ત્યાં સુધી તેઓને અટકાયતી તરીકે રખાશે તેમ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું.
મૃતદેહ આપવામાં પણ વિલંબ
પરિવારજનોને પિનાકીનભાઇના મૃત્યુની જાણ થતાં જ આ ઘટના અંગે આણંદના સાંસદ દિલીપભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરતાં તેમણે વડા પ્રધાનને તેમ જ વિદેશ મંત્રાલયને રજૂઆત કરીને સત્વરે મૃતદેહ સોંપાય તે માટે હસ્તક્ષેપ કરવા માગણી કરી હતી. જોકે અનેક પ્રયાસો છતાં યોગ્ય મદદ મળી નહોતી અને મૃત્યુના ૧૫ દિવસ બાદ મંગળવારે પિનાકીનભાઇનો મૃતદેહ તેમના પત્ની ભાવિશાબહેન અને સગાસંબંધીને સુપ્રત કરાયો હતો. ત્યારબાદ યુકેમાં જ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
કુટુંબે આધારસ્તંભ ગુમાવ્યો
કલાપીભાઇએ કહ્યું હતું કે પિનાકિનભાઇના પિતા અને નાનો ભાઈ ખેતી કરે છે. પિનાકિનભાઇ તેમના પરિવારનો આધારસ્તંભ હતા ત્યારે તેમના મૃત્યુથી તેમના પત્ની, ૧૦ વર્ષનો પુત્ર રાધે, માતા-પિતા તેમ જ નાનો ભાઈ નિરાધાર બન્યા છે. કલાપીભાઇના જણાવ્યા પ્રમાણે તેમણે આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ એક પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે પિનાકીનભાઇના મૃત્યુ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે બ્રિટન સરકાર પર દબાણ કરવું જોઇએ.
બ્રિટન સરકાર માફી માગેઃ પરિવારજનો
પિનાકીનભાઇના પિતા ચીમનભાઈ પટેલ અને પરિવારજનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફેક્સ તેમ જ ઇમેલ દ્વારા પત્ર પાઠવીને બ્રિટન સરકાર આ ઘટના અંગે માફી માગે તેમ જ મૃતકનાં પરિવારજનોને વળતર ચૂકવે અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલા ભરે તેવી રજૂઆત કરી છે.
તટસ્થ તપાસ થશેઃ યુકે
બ્રિટનના ગૃહ વિભાગે આ અંગે નિવેદનમાં જણાવ્યું છે કે ઇમિગ્રેશન ડિટેન્શન એસ્ટેટમાં પિનાકિન પટેલનું મૃત્યુ નીપજ્યા બાદ નિયમ અનુસાર આ અંગે પોલીસને જાણ કરાઇ છે. આ ઉપરાંત પ્રિઝન્સ એન્ડ પ્રોબેશન એમ્બુડસમેન દ્વારા પણ આ ઘટનાની સંપૂર્ણ તટસ્થ તપાસ કરાશે.