નવી દિલ્હી: પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના વડા અને અલગતાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડિંગના બે કેસમાં એનઆઇએ કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. મલિકને 9 વિવિધ કલમો હેઠળ 25 મેના રોજ આ સજા ફટકારવામાં આવી છે. મલિકને એનઆઈએ કોર્ટ પહેલા જ દોષિત જાહેર કરી ચૂકી હતી.
યાસીન મલિકને સજા ફરમાવાઇ તે દરમિયાન અશાંતિ સર્જાવાની દહેશતથી શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં મોબાઈલ અને ઇન્ટરનેટ સર્વિસ પણ બંધ કરી દેવાઈ હતી. અલગતાવાદી તત્વોએ બંધનું પણ એલાન આપ્યું હતું, અને શ્રીનગરમાં પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી, પરંતુ સુરક્ષા દળોએ તરત જ સ્થિતિ નિયંત્રણમાં લઇ લીધી હતી. ટેરર ફડિંગ કેસમાં યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવ્યા પછી દેશની ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીને એનસીઆરમાં હાઇ એલર્ટ જારી કર્યું હતું. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે યાસીન મલિકની સજાના વિરોધમાં રાજધાની દિલ્હીમાં ત્રાસવાદી હુમલો થઈ શકે છે. સુરક્ષા એજન્સીઓ ઉપરાંત દિલ્હી પોલીસને આ સંદર્ભમાં છથી સાત સંવેદનશીલ એલર્ટ મળી ચૂક્યા છે.
એડવોકેટ ઉમેશ શર્માના જણાવ્યા પ્રમાણે અલગતાવાદી નેતા યાસીન મલિકને બે આજીવન કારાવાસની સજા, 10 કેસમાં 10 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ તમામ સજાઓ તેણે એકસાથે ભોગવવાની રહેશે. આ સજા આતંકવાદ વિરોધી ધારા હેઠળ થઇ હોવાથી સજા દરમિયાન તેને પેરોલ પણ નહીં મળે. મતલબ કે તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ જ પસાર થશે. યાસીન મલિક છેલ્લા લાંબા સમયથી દિલ્હીની હાઇ સિક્યુરિટી તિહાર જેલમાં કેદ છે.
યાસીન મલિક પર પાકિસ્તાનના સમર્થનથી કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ માટે ફન્ડિંગ ઉપલબ્ધ કરાવવાનો અને આતંકવાદીઓને શસ્ત્ર-સરંજામ પૂરો પાડવા બદલ વિવિધ કેસ નોંધાયા હતા. વિશેષ ન્યાયાધીશે મલિકને ઇંડિયન પીનલ કોડ (આઇપીસી)ની કલમ 120 બી હેઠળ 10 વર્ષની સજા, રૂ. 10 હજારનો દંડ, કલમ 121-એ હેઠળ 10 વર્ષની સજા તથા રૂ. 10 હજારનો દંડ, જ્યારે કલમ 17 UAPA હેઠળ આજીવન કારાવાસ અને રૂ. 10 લાખના દંડની સજા ફટકારી છે. UAPAની કલમ 13 હેઠળ 5 વર્ષની સજા, UAPAની કલમ 15 હેઠળ 10 વર્ષની સજા, કલમ 18 હેઠળ 10 વર્ષની સજા અને રૂ. 10 હજારનો દંડ, તેમજ UAPAની કલમ 20 હેઠળ 10 વર્ષની કેદ અને રૂ. 10 હજારનો દંડ, કલમ 38 અને 39 હેઠળ 5વર્ષની જેલ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે.
યાસીને ચુકાદા પૂર્વે જ ગુનો કબૂલ્યો
એનઆઈએએ યાસીન મલિક માટે ફાંસીની માગ કરી હતી. જ્યારે યાસીનના વકીલે તેના માટે આજીવન કારાવાસની સજાની માગ કરી હતી. મલિક ગત 19 મેના રોજ થયેલી સુનાવણી સમયે જ પોતાનો ગુનો કબૂલી ચૂક્યો હતો. એનઆઈએ કોર્ટના વિશેષ જજ પ્રવીણ સિંઘે કહ્યું હતું કે વિશ્લેષણથી જાણવા મળે છે કે સાક્ષીઓના નિવેદન અને પુરાવાઓ અનુસાર લગભગ તમામ આરોપી એકબીજા સાથે સંપર્ક હતા તેમજ પાકિસ્તાન તરફથી ફન્ડિંગ પ્રાપ્ત થતું હતું.
સજા સામે અપીલ કરવાનો ઇનકાર
કોર્ટે યાસીનને દોષિત જાહેર કર્યો તે પછી તેણે વિશેષ કોર્ટને કહ્યું હતું કે તે UAPAની વિવિધ કલમો અને ઇંડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ તેની વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોને પડકારવા માગતો નથી. યાસીન મલિક 2019થી જ દિલ્હીની તિહાર જેલમાં ગોંધાયેલો છે.
જોકે ચુકાદા પહેલા યાસીને કહ્યું હતું કે, જો હું પાછલા 28 વર્ષ દરમિયાન કોઈ આતંકવાદી ગતિવિધિ અથવા હિંસામાં સંડોવાયેલો હોઉં અથવા તો જાસૂસી એજન્સીઓ આ વાત સાબિત કરી દેશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ. મને ફાંસીની સજા મંજૂર રહેશે. મેં સાત - વડા પ્રધાનો સાથે કામ કર્યું છે. હું મારા માટે કોઈ માગ નહીં કરું. મારી કિસ્મતનો નિર્ણય હું કોર્ટના માથે છોડું છું.
સલાહુદ્દીન અને સઇદ ભાગેડુ જાહેર
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા અને પાકિસ્તાનમાં રહેલા તેના સંસ્થાપક આતંકવાદી હાફિઝ સઈદ તથા હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ પણ આરોપ લગાવવામાં આવ્યા છે. આ બન્નેને ભાગેડુ જાહેર કરાયા છે. ટેરર ફંડિગના કેસમાં કોર્ટે 20 અલગતાવાદી નેતાઓ વિરુદ્ધ આરોપ ઘડ્યા હતા.