પણજીઃ ભારતના યજમાન પદે ગોવાના બેનોલિમમાં યોજાયેલી સમિટમાં ‘બ્રિક્સ’ સંગઠને આતંક સામે એકસંપ થઇને લડત ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. પાંચ રાષ્ટ્રો ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકાના બનેલા સંગઠનની આ આઠમી વાર્ષિક બેઠક હતી. સંમેલનના અંતે જારી સંયુક્ત ઘોષણાપત્રનો દરેક દેશોએ સ્વીકાર કર્યો છે. જેમાં જણાવાયું છે કે આતંકવાદને કોઇ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય અને તેનો સફાયો કરવા માટે દરેક દેશો મક્કમપણે તૈયાર રહેશે. ‘બ્રિક્સ’ દેશોએ ભારતમાં પઠાણકોટ એરબેઝ તેમજ ઉરી આર્મી કેમ્પ પર થયેલા હુમલાને પણ એકઅવાજે વખોડ્યો હતો.
ભારતનો પાડોશી દેશ આતંકવાદની જનેતા: મોદી
ઉરી આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામેનાં કૂટનીતિક યુદ્ધને વધુ તેજ બનાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘બ્રિક્સ’ મંચનાં માધ્યમથી પાકિસ્તાન પર આક્રમણ કર્યું હતું. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, કરુણતા એ છે કે ભારતની પાડોશમાં આવેલો એક દેશ જ આતંકવાદની જનેતા છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા આતંકવાદી સંગઠનો સાથે તેની સંડોવણી છે. આ દેશ માત્ર આતંકવાદીઓને આશ્રય જ નથી આપતો, પરંતુ આતંકવાદી માનસિકતાનું પોષણ પણ કરે છે. આ એક એવી માનસિકતા છે જે દાવો કરે છે કે રાજકીય લાભ માટે આતંકવાદ ઉચિત છે. આતંકવાદીઓ અને આતંકવાદને પ્રોત્સાહન અને આશ્રય આપનાર પણ આતંકવાદી જ છે. ‘બ્રિક્સ’ નેતાઓ પણ એ મુદ્દે સંમત થયા છે કે આતંકવાદનું પોષણ કરનાર, શરણ આપનાર અને પ્રાયોજિત કરનાર આતંકવાદી જેટલા જ ખતરનાક છે.
આતંકવાદના અજગર સામે લાલ બત્તી ધરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અથવા આતંકી સંગઠનોને અટકાવવા માટેનું પસંદગીનું વલણ નિષ્ફળતા લાવશે. તેના દ્વારા પ્રતિકૂળ પરિણામ મળી શકે છે. આજે આતંકવાદ સમગ્ર વિશ્વમાં પ્રસરી ગયો છે. આતંકવાદીઓને આર્થિક સહાય, શસ્ત્રોની સહાય, તાલીમ અને રાજકીય સમર્થન આપતા દેશોને એકલા પાડી દેવા જોઇએ. આતંકવાદને આપણે જવાબ આપવો જ જોઇએ. આપણે સામૂહિક રીતે તેની સામે લડવું પડશે.
વડા પ્રધાન મોદીએ ‘બ્રિક્સ’ નેતાઓને આતંકવાદ સામે આકરું વલણ અપનાવવાની અપીલ કરી હતી. ‘બ્રિક્સ’ સંગઠને યુનાઇટેડ નેશન્સમાં આતંકવાદ પર ભારતે મુકેલા ઠરાવને પસાર કરાવવા આવાહન કર્યું હતું.
મોદીએ તેમનાં સમાપન સંબોધનમાં જણાવ્યું હતું કે, આતંકવાદનાં દૂષણનો અંત લાવવા ‘બ્રિક્સ’ દેશો એકજૂથ થઈ નિર્ણાયક કામગીરી કરે. ‘બ્રિક્સ’ નેતાઓએ આતંકવાદને વૈશ્વિક ખતરો ગણાવ્યો છે.
તેમણે કહ્યું હતું કે અમે તમામ દેશો એ વાતે સંમત થયા છીએ કે, હિંસા અને આતંકનાં પરિબળોને પ્રાયોજિત કરનારાં લોકો પણ અમારા માટે આતંકવાદી જ છે. અમે આતંકવાદીઓને મળતી આર્થિક સહાય શોધી કાઢવા ચાંપતી નજરની જરૂરિયાત પર સંમત થયા છીએ. ‘બ્રિક્સ’ દેશો આતંકવાદીઓને મળતી શસ્ત્રસહાય, તાલીમ અને અન્ય સહાયને લક્ષ્યાંક બનાવવા પણ પ્રતિબદ્ધ છે.
ઘોષણાપત્રના કેન્દ્રસ્થાને આતંકવાદનો મુદ્દો
ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘બ્રિક્સ’ દેશોમાં થયેલા આતંકી હુમલાને અમે આકરા શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આતંકવાદને ધર્મ, કોઇ વિચારધારા, રાજકારણ, વંશીય કે આદર્શ અથવા તો કોઇ પણ કારણો આપીને માપવાની જરૂર નથી. આતંકવાદ એ આતંકવાદ છે અને તેના ખાત્મા માટે સમગ્ર વિશ્વએ એક થવું પડશે. પાકિસ્તાન જેવા આતંકી દેશો પર આ ઘોષણાપત્ર દ્વારા દબાણ લાવવામાં આવ્યું છે.
આતંકીઓને મળતા ફંડને રોકવા માટે ‘બ્રિક્સ’ દેશોએ ફાઇનાન્શિયલ એક્શન ફોર્સ (એફએટીએફ) પર દબાણ વધાર્યું હતું. આ સંગઠનની રચના ૧૯૮૯માં કરાઇ છે. જેની કામગીરી આતંકીઓને મળતું નાણાંભંડોળ અટકાવવાની છે. આતંકવાદ ઉપરાંત ડ્રગ ટ્રાફિકિંગ મામલે પણ ‘બ્રિક્સ’ દેશોએ હાથ મિલાવીને લડત ચલાવવા આહવાન કર્યું છે. ‘બ્રિક્સ’ દેશોમાં ભ્રષ્ટાચાર પણ એટલો જ વકર્યો છે, જેના પગલે ‘બ્રિક્સ’ એન્ટિ-કરપ્શન વર્કિંગ ગ્રૂપ દ્વારા ભ્રષ્ટાચાર રોકવા માટે કડક કાર્યવાહી કરવા માટે પણ પાંચેય દેશો સહમત થયા છે.
આ સંમેલનમાં ભારત માટે સૌથી મોટો ફાયદો રશિયા સાથેનો સંરક્ષણ સોદો રહ્યો છે. આ સિવાય કોઇ મોટી અને મહત્ત્વની જાહેરાત આ સંમેલન બાદ થઇ નથી. યુનાઇટેડ નેશન્સમાં પેન્ડિંગ પડેલો આતંકવાદવિરોધી ડ્રાફ્ટ પસાર કરવા માટે દબાણ કરવા આ પાંચ દેશોએ સંમેલનમાં હાથ મિલાવ્યા છે. બે દિવસીય સમિટમાં આતંકવાદનો મુદ્દો છવાયો હતો.
ભારતમાં અનેક આર્થિક સુધારા
‘બ્રિક્સ’ બિઝનેસ લીડરોની બેઠકને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં બિઝનેસ સરળ બનાવવા ભારતે છેલ્લાં બે વર્ષમાં સંખ્યાબંધ મહત્ત્વના આર્થિક સુધારા કર્યા છે. ‘બ્રિક્સ’ દેશો વચ્ચેના વેપારમાં આવતા અવરોધો સંબંધિત સરકારોએ દૂર કરવા જોઇએ. અમે ભારતને આજે વિશ્વના સૌથી મુક્ત અર્થતંત્રો પૈકીનો એક બનાવ્યો છે. અમે ઊંચો આર્થિક વૃદ્ધિદર જાળવવા પગલાં લઈ રહ્યા છીએ.
મોદીની અણધારી એન્ટ્રી!
‘બ્રિક્સ’ સંમેલનમાં ભોજન બાદ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને નેપાળના વડા પ્રધાન પ્રચંડા મંત્રણા કરી રહ્યા હતા ત્યાં અચાનક વડા પ્રધાન મોદી પહોંચી ગયા હતા. મોદી આ બંને નેતાઓ સાથે લગભગ ૨૦ મિનિટ રોકાતાં દ્વિપક્ષીય મંત્રણા ત્રિપક્ષીય બની ગઈ હતી. આને કારણે ‘બ્રિક્સ’ સમિટમાં ઘણાનાં ભવાં ખેંચાયાં હતાં. જોકે સૂત્રોએ આમાં કોઇ પ્રોટોકોલનો ભંગ થતો હોવાનું નકાર્યું હતું.
બ્રાઝિલનું ભારતને સમર્થન
‘બ્રિક્સ’ સભ્ય બ્રાઝિલે ભારતને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં સાથ આપવાની ખાતરી આપી છે. ભારત આ ગ્રૂપનું સભ્ય થવા માગે છે, પણ ચીન અને પાકિસ્તાન વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ બ્રાઝિલ જેવા દેશો સમર્થન આપી રહ્યા છે. બ્રાઝિલે વચન આપ્યું હતું કે તે ભારતને એનએસજીમાં સભ્ય થવા માટે સમર્થન આપશે. વડા પ્રધાન મોદીએ આ માટે બ્રાઝિલનો આભાર માન્યો હતો.