નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના હૈદરબાદ હાઉસમાં ઇટાલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે આતંકવાદ અને અલગતાવાદ સામેની લડાઇમાં ભારત અને ઇટાલી ખભેખભા મિલાવીને સાથે ચાલી રહ્યા છે. અમે આ સહકાર વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી.
અમે ભારત-ઇટાલી સંબંધોની 75મી વર્ષગાંઠ મનાવવા માટે એક એક્શન પ્લાન ઘડવાનો સંરક્ષણ સહકાર પણ નિર્ણય લીધો છે. તેનાથી આપણે બંને દેશોની વિવિધતા, ઇતિહાસ, વિજ્ઞાન-ટેકનોલોજી, ઇનોવેશન, સ્પોર્ટ્સ તથા અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિઓને વૈશ્વિક મંચ પર રજૂ કરી શકીશું.
મોદીએ એમ પણ જણાવ્યું કે 'મેક ઇન ઈન્ડિયા’ અને 'આત્મનિર્ભર ભારત’ અભિયાનોથી દેશમાં રોકાણની અપાર તકો ખૂલી રહી છે અને રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, આઇટી, સેમિકંડક્ટર, ટેલિકોમ અને સ્પેસ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર વિશેષ ભાર મૂક્યો. આજે ભારત-ઇટાલી વચ્ચે એક સ્ટાર્ટઅપ બ્રિજની સ્થાપનાની જાહેરાતને અમે આવકારીએ છીએ. સંરક્ષણ સહકારના ક્ષેત્રમાં પણ બંને દેશ એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે. ભારતમાં સંરક્ષણ નિર્માણ ક્ષેત્રમાં ઉત્પાદન અને સહવિકાસની તકો ઊભી થઇ રહી છે. જે બંને દેશ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઇન્ડો-પેસિફિકમાં ઇટાલીની ભાગીદારીનું સ્વાગત
પીએમ મોદીએ કહ્યું કે અમે ઇન્ડો-પેસિફિકમાં ઇટાલીનો સક્રિય ભાગીદારીનું પણ સ્વાગત કરીએ છીએ. ઇટાલીએ ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિનમાં જોડાવાનું નક્કી કર્યું છે તે ઘણી ખુશીની વાત છે, અને બંને દેશોના સૈન્ય વચ્ચે નિયમિતપણે સંયુક્ત કવાયત્ત અને ટ્રેનિંગ કોર્સ યોજવાનો પણ નિર્ણય લીધો છે.
મેલોનીએ મોદીનો અને ભારતનો આભાર માન્યો
ઇટાલીનાં વડા પ્રધાન જયોર્જિયા મેલોનીએ કહ્યું કે ભવ્ય સ્વાગત માટે હું વડા પ્રધાન મોદી અને ભારતનો આભાર માનું છું આપણે દ્વિપક્ષી સંબધોની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યા છીએ એ આપણી મિત્રતાનો પુરાવો છે. અમે દ્વિપક્ષી સંબંધો આગળ
વધારવા માટે દ્વીપક્ષી ભાગીદારીને વ્યુહાત્મક ભાગીદારીમા ફેરવવાનું નક્કી કર્યું છે.