શ્રીનગરઃ કાશ્મીરમાં છેલ્લા પખવાડિયાથી બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓ પર આતંકી હુમલાનું પ્રમાણ વધ્યું છે. ખુલ્લેઆમ નિર્દોષ નાગરિકોનું લોહી વહાવી રહેલા આતંકી સંગઠનોએ હવે ધમકી ઉચ્ચારી છે કે અહીં રહેતા બિનકાશ્મીરીઓ રાજ્ય છોડી જાય નહીં તો ભારે પડશે. અમે હુમલા કરતા રહીશું. આ ધમકી તાજેતરમાં જ રચાયેલા આતંકી સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ (યુએલએફ) દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
આતંકવાદીઓના ભયને કારણે મોટાપાયે હિજરત શરૂ થતાં શ્રીનગરથી જમ્મુ જતી ટેક્સીઓ, બસોમાં ટ્રાફિક વધ્યો છે. સામાન્યપણે શ્રીનગરથી જમ્મુ દરરોજ સરેરાશ ૧૨થી ૧૫ ટેક્સી જતી હતી. જ્યારે હાલ આ સંખ્યા ૩૬થી ૪૦ સુધી થઇ ગઇ છે. જમ્મુ જતી બસોમાં અન્ય રાજ્યોના શ્રમિકોનું પ્રમાણ વધ્યું છે. સોમવારે શ્રીનગરના રસ્તાઓ પર માઇગ્રેટેડ લેબર્સની પાંખી સંખ્યા જોવા મળી હતી. રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ તથા ચાર રસ્તે મજૂરો ગ્રૂપ બનાવીને પાછા ફરી રહેલા જોવા મળ્યા હતા. નૌગામ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરો બનિહાલની ટ્રેન પકડવા માટે કતારમાં ઉભા હતા.
તાજેતરના દિવસોમાં શ્રીનગરમાં ઉત્તર પ્રદેશ અને બિહારના નવ મજૂરોની હત્યા કરવામાં આવી છે. આ હત્યાની જવાબદારી યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટે લીધી છે અને હવે બધા બિનકાશ્મીરીઓને કાશ્મીર છોડી દેવાની ધમકી આપી છે. લિબરેશન ફ્રન્ટ આ પ્રકારના હુમલા કરીને કાશ્મીરમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહ્યું છે અને દાવો કરી રહ્યું છે કે બિહારમાં અનેક મુસ્લિમોની હત્યા કરાઇ રહી છે જેનો બદલો લેવા માટે તેઓ કાશ્મીરમાં વસતા બિહારીઓને નિશાન બનાવશે.
આ આતંકી સંગઠનના પ્રવક્તા ઉમર વાનીએ કહ્યું હતું કે અમે પહેલા જ ચેતવણી આપી હતી કે બહારના લોકો અમારી ધરતી પરથી જતા રહે. નહીં તો તેઓએ પરિણામ ભોગવવું પડશે. બીજી તરફ આ હુમલાઓને પગલે કાશ્મીરમાંથી અગાઉ પંડિતો દ્વારા પલાયન કરવામાં આવ્યું હતું હવે બિહારીઓ અને અન્ય રાજ્યના લોકો પણ કાશ્મીર છોડવા લાગ્યા છે જ્યારે કેટલાક જમ્મુ વિસ્તારમાં જઇ રહ્યા છે.
સેનાની સ્પેશિયલ ઓપરેશન ટીમ
બીજી તરફ, આવી ધમકીઓ આપનારા અને હુમલા કરનારા આતંકીઓની શાન ઠેકાણે લાવવા માટે કાશ્મીરમાં સ્પેશિયલ ઓપરેશન ટીમ પહોંચી છે. અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ હુમલાખોર આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. જે મજૂરો કાશ્મીરમાંથી પલાયન કરવા લાગ્યા છે તેમાંથી મોટા ભાગના બિહાર અને ઉત્તર પ્રદેશના છે. ખાસ કરીને શ્રીનગરમાં રોજગાર માટે ગયેલા આ મજૂરો હવે પોતાના વતન પરત ફરવા લાગ્યા છે. આતંકીઓ તેમનામાં ડરનો માહોલ પેદા કરી રહ્યા છે.
બે સપ્તાહમાં આઠ હુમલાઃ નવની હત્યા
કાશ્મીરમાં આતંકીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગનું પ્રમાણ વધતું જાય છે. જેમાં માત્ર બિનમુસ્લિમો જ નહીં બિનકાશ્મીરીઓને પણ નિશાન બનાવાઈ રહ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં જ નવ નાગરિકોની હત્યા કરવામાં આવી છે. તેમના પર આતંકીઓ દ્વારા આઠ જેટલા હુમલા કરવામાં આવ્યા છે. જે લોકોની હત્યા કરાઇ છે તેમાં ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરો સિવાય જે પીડિતોનો સમાવેશ થાય છે તેમાં શ્રીનગરની સ્કૂલના આચાર્યા અને શિક્ષક કે જેઓ જમ્મુના રહેવાસી હતા. તેમને અને શ્રીનગરના એક જાણીતા મેડિકલ સ્ટોરના માલિક અને બંદીપોરાના સ્થાનિક ટેક્સી ઓપરેટરનો સમાવેશ થાય છે.
બુદ્ધિજીવીઓના મોંએ તાળા કેમ?
નવી દિલ્હીઃ કાશ્મીરમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટિયું રળી ખાતા મજૂરોની છેલ્લા બે સપ્તાહથી થઇ રહેલી હત્યાઓ બાબતે દેશના કહેવાતા બુદ્ધિજીવીઓએ કેમ હોઠ સીવી લીધા છે એવો પ્રશ્ન આજે દેશના સામાન્ય નાગરિકોને થઇ રહ્યો છે. ભારતમાં એવા બુદ્ધિજીવીઓની એક આખી જમાત છે જેઓએ ભૂતકાળમાં ત્રાસવાદીઓના માનવાધિકારોની પણ માંગ કરી હતી, પરંતુ આજે કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની અને વિશેષ કરીને ગરીબ હિંદુ મજૂરોની થઇ રહેલી હત્યાઓ તેમને દેખાતી નથી અથવા તો તેઓ આ હત્યાઓને જોવા માગતા નથી.
બોલિવૂડમાં જેમને સન્માનીય ગણવામાં આવે છે એવા મહેશ ભટ્ટ, આમીર ખાન, જાવેદ અખ્તર, શબાના આઝમી નસીરુદ્દીન શાહ ઉપરાંત કેટલાંક ડાબેરી નેતાઓએ ભૂતકાળમાં છાશવારે માનવ અધિકારોની દુહાઇ આપીને જે તે સમયની સરકારોને બદનામ કરવાની એક પણ તક જતી કરી નહોતી.
કાશ્મીરમાં આજકાલ ત્રાસવાદીઓ ખુલ્લેઆમ ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે, એટલે કે તેઓને પરપ્રાંતિય લોકો અને હિંદુઓ કાશ્મીરના ખીણ પ્રદેશમાં ખપતા નથી. રવિવારે તો કેટલાંક ત્રાસવાદીઓએ બિહારના મજૂરોના ઘરોમાં ઘૂસીને એકે-૪૭ રાઇફલ્સથી તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
કાશ્મીરમાં જ વારંવાર સશસ્ત્ર દળો દ્વારા અત્યાચાર ગુજારાતો હોવાનું બહાનું આગળ ધરીને સતત પોતાનો રાજકીય રોટલો શેકી ખાનારા તમામ રાજકારણીઓએ નિર્દોષ નાગરિકોની થઇ રહેલી હત્યા મુદ્દે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી જે તેઓનો દંભ અને દંગી રાજરમતને ખુલ્લી પાડે છે.