આધુનિક યુગનું બ્રહ્માસ્ત્રઃ ભારતે 1500 કિમીની રેન્જ ધરાવતી હાઇપરસોનિક મિસાઇલ વિકસાવી

Wednesday 20th November 2024 05:56 EST
 
 

નવી દિલ્હીઃ ચીન જેવા સુપરપાવર દુશ્મનથી ઘેરાયેલા ભારતે હાઇપરસોનિક મિસાઈલની દુનિયામાં મોટી સફળતા હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ શનિવારે ઓડિશાના દરિયાકાંઠે ડો. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી તેની લાંબા અંતર (1500 કિમીની રેન્જ)ની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
અવાજ કરતાં પાંચ ગણી ઝડપે ત્રાટકતી આ મિસાઈલની સૌથી ખાસ વાત એ છે કે તે સંપૂર્ણ સ્વદેશી છે. આનો સમગ્ર શ્રેય હૈદરાબાદના અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સને જાય છે. આ સાથે જ ભારત હવે રશિયા, ચીન અને અમેરિકાની એલિટ ક્લબમાં સામેલ થઈ ગયું છે જેની પાસે આ ‘આધુનિક યુગનું બ્રહ્માસ્ત્ર’ છે.
અવાજ કરતાં પાંચ ગણી ઝડપ
આ હાઇપરસોનિક મિસાઇલ મેક-5 એટલે કે 6174 કિમી પ્રતિ કલાક કે તેથી વધુની ઝડપે હુમલો કરે છે. તે હવામાં પોતાનો રસ્તો બદલવામાં પણ માહિર છે. આ કારણે, કોઈ પણ આધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીથી તેમને મારવાનું લગભગ અશક્ય છે. તાજેતરના સમયમાં, રશિયાએ યુક્રેન યુદ્ધમાં મોટા પાયા પર હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે અને ઘણો વિનાશ વેર્યો છે. આ ભીષણ યુદ્ધમાં યુક્રેને અમેરિકાની પેટ્રિયોટ મિસાઈલો સાથે અનેક રશિયન હાઇપરસોનિક મિસાઈલોને તોડી પાડવાનો દાવો કર્યો છે. હાઈપરસોનિક મિસાઈલની આ શક્તિને કારણે તેને ‘આધુનિક યુગનું બ્રહ્માસ્ત્ર’ કહેવામાં આવે છે અને દુનિયાનો દરેક શક્તિશાળી દેશ તેને બનાવવામાં વ્યસ્ત છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના ડીઆરડીઓએ 2008થી હાઇપરસોનિક મિસાઇલો પર કામ કરવાનું શરૂ કર્યું હતું. ભારતે જૂન 2019માં પ્રથમ વખત હાઇપરસોનિક હથિયારનું પરીક્ષણ કર્યું હતું. આ હથિયારની ઝડપ મેક-6 હતી. ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે જે હાઇપરસોનિક હથિયારો બનાવવાની શક્તિ ધરાવે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સિદ્ધિની પ્રશંસા કરતાં આને દેશ માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. આ સાથે તેમણે આ ઐતિહાસિક સફળતામાં અસાધારણ યોગદાન માટે ડીઆરડીઓ ટીમ, સશસ્ત્ર દળો અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન પાઠવ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter