નવી દિલ્હી: ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા બાદ રામનાથ કોવિંદે એવી લાગણી વ્યક્ત કરી હતી કે આપણે સહુ એક છીએ. હિંદીમાં પ્રાસંગિક પ્રવચન કરતાં તેમણે કહ્યું હતું કે, 'ડો. રાધાકૃષ્ણન્, ડો. અબ્દુલ કલામ અને પ્રણવ’દાના માર્ગે ચાલવાનું મને ગૌરવ છે. આપણે બધા એક છીએ અને એક જ રહીશું.' કોવિંદનું સંબોધન પૂરું થતાં જ સંસદનો સેન્ટ્રલ હોલ ‘જય શ્રીરામ’ના નારાથી ગાજી ઉઠ્યો હતો.
કોવિંદ રાષ્ટ્રપતિ નિવાસેથી તેમના પૂરોગામી પ્રણવ મુખર્જી સાથે શાહી બગ્ગીમાં બેસીને સંસદ ભવન પહોંચ્યા હતા. અહીં સેન્ટ્રલ હોલમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે. એસ. ખેહરે તેમને હોદ્દાની ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ કરતા પૂર્વે કોવિંદે તેમના પત્ની સાથે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
‘દરેક નાગરિક રાષ્ટ્ર નિર્માતા’
શપથ ગ્રહણ વિધિ બાદ તેમણે જણાવ્યું કે, ‘હું દેશના ૧૨૫ કરોડ નાગરિકોને નમન કરું છું. દેશનો દરેક નાગરિક રાષ્ટ્ર નિર્માતા છે. દેશની સંસ્કૃતિ, પરંપરા અને અધ્યાત્મ પર ગર્વ છે. ૨૧મી સદીનું ભારત શ્રેષ્ઠ ભારત હશે. એકબીજાના વિચારોનું સન્માન કરવું લોકતંત્રની ગરિમા છે. ડો. રાધાકૃષ્ણન્, ડો. અબ્દુલ કલામ અને પ્રણવ’દાના માર્ગે ચાલવાનું મને ગૌરવ છે. આપણે બધા એક છીએ અને એક જ રહીશું. વિવિધતા આપણા દેશની તાકાત છે. ડિજિટલ રાષ્ટ્ર આપણને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જશે. આજે સમગ્ર વિશ્વમાં ભારતનું આગવું મહત્વ છે. આજે વિશ્વના દેશો આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ માટે આપણી તરફ આશાભરી નજર માંડે છે.’
આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, પ્રધાનમંડળના સભ્યો, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિતના વિવિધ પક્ષના નેતાઓ, વિવિધ રાજ્યોના ગવર્નર, મુખ્ય પ્રધાન, વિદેશી રાજદૂતો, સંસદ સભ્યો અને ભારત સરકારના વરિષ્ઠ સિવિલ અને મિલિટરી અધિકારીઓ તેમજ કોવિંદના પરિવારજનો હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ બાદ કોવિંદે અડવાણી અને મુરલી મનોહર જોશીને ઝૂકીને નમસ્કાર કર્યા હતા.
૬૫ ટકા કરતાં વધુ મત
૨૦ જુલાઇએ જાહેર થયેલા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામમાં એનડીએના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાજ્યપાલ રામનાથ કોવિંદે ૬૫ ટકા કરતાં પણ વધુ મતો મેળવીને જ્વલંત વિજય મેળવ્યો હતો. તેમના એકમાત્ર પ્રતિસ્પર્ધી યુપીએના ઉમેદવાર મીરા કુમારને ૩૪ ટકા મત મેળવ્યા હતા. સૌપ્રથમ સાંસદોના મતોની ગણતરી કરાઇ હતી. જેમાં રાજ્યસભા અને લોકસભાના ૫૫૨ સાંસદોએ કોવિંદની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે ૨૨૫ સાંસદોએ મીરા કુમારને મત આપ્યા હતા. સાંસદોના મતોની ગણતરી બાદ રાજ્યોના વિધાનસગૃહોમાં ચૂંટાયેલા સભ્યોએ આપેલા મતોની ગણતરી હાથ ધરાઇ હતી. એબીસીડીની સિરીઝ પ્રમાણે દરેક રાજ્યના ધારાસભ્યોના મતની ગણતરી કરાઇ હતી. સંસદ અને વિધાનગૃહોના પ્રતિનિધિઓના કુલ ૧૦,૬૯,૩૫૮ મતોમાંથી કોવિંદે ૭,૦૨,૦૪૪ જ્યારે તેમના પ્રતિસ્પર્ધી મીરા કુમારે ૩,૬૭,૩૧૪ મત મેળવ્યા હતા.
છતાં સૌથી ઓછી ટકાવારી
ભલે રામનાથ કોવિંદ વિજેતા થયા હોય, પરંતુ તેમનો મત હિસ્સો ચાર દાયકામાં સૌથી ઓછો નોંધાયો છે. ચૂંટણી પંચે આપેલા આંકડા પ્રમાણે કોવિંદને ૬૫.૬૫ ટકા મત મળ્યા છે. કોવિંદને કુલ ૭,૦૨,૦૪૪ જ્યારે મીરાં કુમારને ૩,૬૭,૩૧૪ મત મળ્યા છે. બહુમતી છતાં મતની ટકાવારીની દૃષ્ટિએ કોવિંદ પાછા પડે છે. મુખર્જીને ૬૯.૩૧ જ્યારે પ્રતિભા પાટિલને ૬૫.૮૨ ટકા મત મળ્યાં હતા. કે. આર. નારાયણનને સૌથી વધુ ૯૪.૯૭ ટકા જ્યારે અબ્દુલ કલામને ૮૯.૫૭ ટકા મત મળ્યા હતા. એ સિવાયના બધા રાષ્ટ્રપતિઓને મળેલા મતની ટકાવારી પણ ઊંચી હતી. ઈતિહાસમાં સૌથી ઓછા ૪૮ ટકા મત વી. વી. ગિરિને ૧૯૬૯માં મળ્યા હતા. જોકે એ વખતે કુલ ૧૫ ઉમેદવાર હતા અને એ બધામાં સૌથી વધુ મત ગિરિને મળ્યા હતા.
જનપ્રતિનિધિને મતાધિકાર
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય નાગરિકો સીધા ભાગ લઈ શકતા નથી, પરંતુ તેમણે ચૂંટેલા પ્રતિનિધિ એટલે કે સંસદસભ્યો અને વિધાનસભ્યો મતદાન કરે છે.
દેશમાં અત્યારે વિવિધ રાજ્યોના મળીને કુલ ૪૧૨૦ વિધાનસભ્યો તથા ૭૭૬ ચૂંટાયેલા સાંસદો છે. સાંસદોમાં લોકસભાના ૫૪૩ જ્યારે રાજ્યસભાના ૨૩૩ સભ્યોનો સમાવેશ થાય છે.
આમ કુલ ૪૮૯૬ નિર્ણાયક મતો હતા, જેણે રાષ્ટ્રપતિની પસંદગીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ૧૯૭૧ની વસતી પ્રમાણે દરેક સભ્યના મતનું ચોક્કસ મૂલ્ય હોય છે. બધા સભ્યોના મતનું કુલ મૂલ્ય ૧૦,૯૮,૯૦૩ થાય છે. તેમાંથી અડધા ઉપરાંત મતો મેળવનાર ઉમેદવાર રાષ્ટ્રપતિ જાહેર થાય છે.
આ વખતની ચૂંટણીમાં વિક્રમજનક ૯૯ ટકા કરતાં વધુ મતદાન થયું હતું.
આગમન અને વિદાય
નવનિર્વાચિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સવારે મિલિટરી સેક્રેટરી સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને આવકાર્યા હતા. બાદમાં બન્ને મહાનુભાવો રાષ્ટ્રપતિ ભવનથી સાથે જ સંસદ ભવન પહોંચ્યા હતા. અહીં તેમને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને રાજ્યસભાના અધ્યક્ષ હામિદ અન્સારીએ આવકાર્યા હતા અને સેન્ટ્રલ હોલમાં દોરી ગયા હતા.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ખેહરે કોવિંદને શપથ લેવડાવ્યા હતા. કલમ ૫૬ મુજબ જે દિવસે રાષ્ટ્રપતિ શપથ લે છે તે દિવસથી તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. આ પછી તેમને ૨૧ તોપોની સલામી અપાઇ હતી.
શપથ વિધિ સમારોહ બાદ નવા રાષ્ટ્રપતિ બોડીગાર્ડ્સ અને સેરેમોનિયલ યુનિટ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં પ્રોટોકોલ મુજબ, વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ મુખર્જી તેમના અનુગામી કોવિંદને રાષ્ટ્રપતિ ભવનના સ્ટડી રૂમમાં લઈ ગયા હતા અને ખુરશી પર બેસાડ્યા હતા. બાદમાં કોવિંદ અને મુખર્જી એક જ કારમાં મુખર્જીના નવા સત્તાવાર રેસિડેન્સ ૧૦ રાજાજી માર્ગ ગયા હતા. આ ઘરમાં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ પણ રહેતા હતા. મુખર્જીને તેમના નવા નિવાસસ્થાને મૂકીને કોવિંદ એકલા જ રાષ્ટ્રપતિ ભવન પરત ફર્યા હતા.