આફ્રિકામાં સૌથી ધનાઢ્ય ભારતીય વ્યાપારી સાહસિકોએ વિવિધ ઈન્ડસ્ટ્રીઝને આવરી લેતું વિશાળ વેપારી સામ્રાજ્ય જમાવ્યું છે એટલું જ નહિ, સમગ્ર આફ્રિકા ખંડમાં ઈન્ડસ્ટ્રીઝને નવું સ્વરૂપ આપ્યું છે. આ ઈમિગ્રન્ટ્સ આફ્રિકામાં આવ્યા ત્યારે તેમની પાસે મર્યાદિત સ્રોતો હતા તેમજ સાંસ્કૃતિક તફાવતો, ભાષાકીય અડચણો અને ઓછી મૂડીના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેઓએ મક્કમતા, મહેનત અને અવરોધોને પાર કરવાના મનોબળથી અપનાવેલા દેશોમાં નામના પ્રાપ્ત કરી હતી. ભારતીય ઈમિગ્રન્ટ્સે વેપાર, ઉત્પાદન, રીટેઈલ, રિઅલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી સેક્ટર્સમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હતી. તેમની દૂરંદેશી અને તક ઝડપી લેવાની કુશળતાએ મલ્ટિ-મિલિયન અને મલ્ટિ-બિલિયન બિઝનેસીસ સ્થાપવામાં અને તેમના દેશોના અર્થતંત્રોની વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ સાથે, આફ્રિકામાં સૌથી ધનાઢ્ય 10 ભારતીય ઉદ્યોગસાહસિકોની યાદી સામેલ કરી છે.
(1) મનુભાઈ ચંદેરીઆઃ આફ્રિકામાં સૌથી ધનાઢ્ય ભારતીયોમાં પ્રથમ સ્થાને રહેલા મનુ ચંદેરીઆની નેટવર્થ 1.7 બિલિયન ડોલર છે. કોમક્રાફ્ટ ગ્રૂપના ચેરમેન ચંદેરીઆના બિઝનેસીસ 40થી વધુ દેશોમાં વિસ્તરેલા છે અને સ્ટીલ, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે સંકળાયેલા છે. મનુ ચંદેરીઆ મોટા સખાવતી છે જેઓ સમગ્ર આફ્રિકામાં હેલ્થકેર, એજ્યુકેશન અને કોમ્યુનિટી પ્રોજેક્ટ્સમાં કાર્યરત રહે છે.
(2) સુધીરભાઈ રૂપારેલીઆઃ રૂપારેલીઆ ગ્રૂપના સ્થાપક સુધીર રૂપારેલીઆ 1.2 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવે છે યુગાન્ડામાં તેઓ ભારે પ્રભાવ ધરાવે છે. તેમના બિઝનેસીસ રિઅલ એસ્ટેટ, હોસ્પિટાલિટીથી માંડી એજ્યુકેશન અને ફાઈનાન્સ ક્ષેત્ર સુધી વિસ્તરેલા છે. માઈગ્રન્ટ વર્કરથી બિલિયોનેર ઉદ્યોગપતિ સુધીની સફર તેમની દીર્ઘદૃષ્ટિ, સ્થિતિસ્થાપકતા અને ઉદ્યોગસાહસિકતાના પુરાવા સમાન છે. તેઓ માત્ર યુગાન્ડાના સૌથી ધનવાનોમાં એક હોવાની સાથોસાથ ઈસ્ટ આફ્રિકાના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર વ્યક્તિત્વ છે.
(3) ભીમજીભાઈ દેપાર શાહઃ બિડકો આફ્રિકાના સ્થાપક ભીમજી દેપાર શાહની કુલ સંપત્તિ અંદાજે 900 મિલિયન ડોલર છે. તેઓ ઈસ્ટ આફ્રિકાની સૌથી મોટી કન્ઝ્યુમર ગુડ્ઝ કંપનીઓમાં એકનું સંચાલન કરે છે.ભીમજી દેપાર શાહની કંપની કૂકિંગ ઓઈલથી માંડી હાઈજીન પ્રોડક્ટ્સ સુધી જરૂરી હાઉસહોલ્ડ માલસામાનની ઉત્પાદક છે. શાહે ઈનોવેશન અને ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને બિડકોને બિલિયન ડોલર એન્ટરપ્રાઈઝ બનાવી છે જે રોજના લાખો ગ્રાહકોને સેવા આપે છે. તેઓ એજ્યુકેશન અને હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં સખાવતી કાર્યો માટે પણ જાણીતા છે.
(4) નરેન્દ્રભાઈ રાવલઃ ગુરુ તરીકે લોકપ્રિય બનેલા નરેન્દ્ર રાવલ અંદાજિત 800 મિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે. તેઓ ઈસ્ટ આફ્રિકામાં સૌથી મોટા સ્ટીલ અને સિમેન્ટ ઉત્પાદક દેવકી ગ્રૂપના સર્વેસર્વા છે. નાના પૂજારી તરીકે શરૂઆત કરનારા રાવલની બિઝનેસ મોગલ બનવા સુધીની સફર ભારે પ્રેરણાદાયી છે. કેન્યાના ઈન્ફ્રાસ્ટરક્ચરમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમની સઘન સખાવતી કામગીરીએ તેમને ઈસ્ટ આફ્રિકાના સૌથી વધુ સન્માનીય બિઝનેસમેન્સમાં સ્થાન અપાવ્યું છે.
(5) મયૂરભાઈ માધવાણીઃ માધવાણી ગ્રૂપના મયૂર માધવાણીની સંપત્તિ 700 મિલિયન ડોલર છે. મયૂર માધવાણી ગ્રૂપના સહસંચાલક છે. માધવાણી ગ્રૂપ યુગાન્ડાની સુગર ઈન્ડસ્ટ્રીમાં વર્ચસ્વ ધરાવે છે તેમજ એનર્જી, ટુરિઝમ અને એગ્રીકલ્ચરમાં બહોળું ઈન્વેસ્ટમેન્ટ ધરાવે છે. માધવાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની કાકિરા સુગર વર્ક્સ ઈસ્ટ આફ્રિકાના સુગર માર્કેટમાં મુખ્ય ખેલાડી છે. મયૂર માધવાણીએ 1900ના પૂર્વાર્ધમાં આરંભ કરાયેલા બિઝનેસનો વારસો સફળતાપૂર્વક આગળ ધપાવ્યો છે.
(6) નૌશાદ મેરાલીઃ સમીર ગ્રૂપના સ્થાપક સ્વર્ગસ્થ નૌશાદ મેરાલીની નેટવર્થ આશરે 500 મિલિયન ડોલર હતી. તેઓ ટેલિકોમ્યુનિકેશન્સ, એગ્રીકલ્ચર અને રિઅલ એસ્ટેટ સેક્ટર્સમાં હિત ધરાવતા હતા. ધંધાકીય ચતુરાઈ માટે પ્રખ્યાત મેરાલી માત્ર એક કલાકમાં 20 મિલિયન ડોલરનો ટેલિકોમ સોદો પાર પાડીને સમાચારોમાં ચમક્યા હતા. તેઓ તેમના વિશાળ બિઝનેસીસ અને ચેરિટેબલ ઈનિશિયેટિવ્ઝ થકી અમીટ વારસો છોડી ગયા છે.
(7) અમીરઅલી કરમઅલીઃ માઝી મકવાણા તરીકે પણ ઓળખાતા અમીરઅલી કરમઅલીની નેટવર્થ આશરે 400 મિલિયન ડોલર છે. તેમનું મકવાણા ગ્રૂપ ઈસ્ટ આફ્રિકામાં હાઉસહોલ્ડ-ઘરવખરીના માલ સામાનના સૌથી મોટા ઉત્પાદકોમાં એક છે. મકવાણા ગ્રૂપ ઉત્પાદનથી માંડી રિઅલ એસ્ટેટ સુધી વિસ્તરેલું છે. કરમઅલીના અવસાન પછી પણ તેમનો વારસો યુગાન્ડાના અર્થતંત્રમાં સીમાચિહ્નરૂપ બની રહ્યો છે.
(8) વિવિયન રેડ્ડીઃ સાઉથ આફ્રિકન એન્ટ્રેપ્રીન્યોર વિવિયન રેડ્ડી 350 મિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે. એડિસન ગ્રૂપના સ્થાપક રેડ્ડીએ એનર્જી, કેસિનોઝ અને રિઅલ એસ્ટેટમાં બિઝનેસ સામ્રાજ્ય જમાવ્યું છે. તેઓ બિઝનેસીસ ઉપરાંત, તેમના સખાવતી-પરોપકારી કાર્યો માટે જાણીતા છે તેમજ સમગ્ર સાઉથ આફ્રિકામાં એજ્યુકેશન, હેલ્થકેર ઈનિશિયેટિવ્ઝને ભંડોળ આપે છે.
(9) વિનયભાઈ અને રતનભાઈ મટાણીઃ મટાણીબંધુ વિનય અને રતન મટાણીની સંયુક્ત સંપત્તિ અંદાજિત 350 મિલિયન ડોલર છે. તેઓ નાઈજિરિયાના અગ્રણી રિઅલ એસ્ટેટ ડવલપર્સમાં એક ચર્ચગેટ ગ્રૂપનું સંચાલન કરે છે. તેઓ અતિ વૈભવી અબુજા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નિર્માતા છે અને તેમણે કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ અને લીઝિંગ સેક્ટર્સમાં પણ હરણફાળ ભરી છે.
(10) રમેશભાઈ હાથીરામાણીઃ અંદાજિત 300 મિલિયન ડોલરની સંપત્તિ સાથે રમેશ હાથીરામાણી નાઈજિરિયામાં દાના ગ્રૂપનું વડપણ કરે છે જે એવિએશન, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઈલ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે કાર્યરત છે. દાના એર નાઈજિરિયામાં ટોપની ડોમેસ્ટિક એરલાઈન્સમાં એક છે અને હાથીરામાણીના બિઝનેસીસ વેસ્ટ આફ્રિકામાં મલ્ટિપલ સેક્ટર્સ સાથે સંકળાયેલા છે.
(નોંધઃ આ લેખ સોશિયલ મીડિયા પરથી પ્રાપ્ત માહિતીના આધારે લખાયો છે.)