લંડનઃ વિશ્વના તમામ ખંડ કોરોના વાઈરસનો શિકાર બન્યા છે અને હજારો લોકોનાં મોત થયાં છે ત્યારે રોગચાળાનો પ્રસાર અટકાવી નહિ શકાય તો આફ્રિકા નવું એપિસેન્ટર બની શકે તેવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા અપાઈ છે. યુએન ઈકોનોમિક કમિશન ફોર આફ્રિકા (UNECA)એ આગાહી કરી છે કે કોરોના મહામારીથી ૩૦૦,૦૦૦ થી ૩.૩ મિલિયન આફ્રિકન્સના મોત થઈ શકે છે. અલગ અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે જૂન મહિના સુધીમાં ૯૮.૪ મિલિયન આફ્રિકાવાસીઓ સંક્રમિત થઈ શકે છે. મૃત્યુના પ્રમાણનો આધાર સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ અને હેલ્થકેર પર રહેશે. વધુ શહેરી વિસ્તારના દેશોમાં કોરોના વાઈરસનું ઝડપી સંક્રમણ જોવા મળશે અને નબળી આરોગ્ય સંભાળ સાથેના દેશો વાઈરસના આક્રમણનો સામનો કરી શકશે નહિ. આફ્રિકામાં કોવિડ-૧૯નો સૌપ્રથમ પોઝિટિવ કેસ ઈજિપ્તમાં ૧૪ ફેબ્રુઆરીએ જોવાયો હતો. આફ્રિકામાં આશરે ૧૮,૦૦૦ કેસ છે અને ૧૦૦૦ જેટલાં મોત થયાં છે.
યુએન ઈકોનોમિક કમિશન ફોર આફ્રિકા અનુસાર વાઈરસના ફેલાવાને અટકાવવાના પગલાં નહિ લેવાય તો કુલ સંક્રમણ કાબુ બહાર નીકળી જશે અને ૧.૨ બિલિયનના આંકડે પહોંચી જશે. જો સામાજિક સંપર્ક ટાળવાના સઘન પગલાં લેવાશે તો પણ મહામારીના અંત સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૨૨ મિલિયન જેટલી હશે. આફ્રિકામાં આશરે ૧૮,૦૦૦ કેસ છે અને ૧૦૦૦ જેટલાં મોત થયાં છે. અલ્જિરિયા ૩૪૮ મૃત્યુ સાથે પ્રથમ છે અને પછી ઈજિપ્ત, મોરોક્કો અને સાઉથ આફ્રિકાની હાલત સૌથી ખરાબ છે.
યુએન સંસ્થાની આગાહી ઈમ્પિરિયલ કોલેજ ઓફ લંડન દ્વારા અનેક અભ્યાસ પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય સંશોધકોની અન્ય ટીમના અન્ય અભ્યાસમાં જણાયું છે કે જૂન મહિનાના અંત સુધીમાં ૧૬ મિલિયનથી વધુ આફ્રિકન્સ ચેપગ્રસ્ત થવાનું જોખમ છે. તેમનું ગાણિતિક મોડેલ કહે છે કે આગામી ૧૦ સપ્તાહમાં જ આફ્રિકા ખંડના ૨૦,૦૦૦થી વધુ લોકો કોવિડ-૧૯નો શિકાર બની જશે.
જોકે, વિજ્ઞાનીઓના મતે આંકડા ભારે અચોક્કસ છે અને જૂન ૨૦૨૦ના અંત સુધીમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા જાણી શકાશે. આફ્રિકા ખંડ રોગચાળા સામે કેવો પ્રતિભાવ આપે છે તેના આધારે આ સંખ્યા ૨.૭ મિલિયન જેટલી નીચી અથવા ૯૮.૪ મિલિયન જેટલી અતિ ઊંચી હોઈ શકે છે. ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં મૃતક અને સંક્રમિતોની અંદાજિત સંખ્યા અનુક્રમે ૩,૫૦૦ અને ૧૨૬,૦૦૦ની હોવાનું જોખમ છે.