શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટયાને સોમવારે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાંથી કલમ નાબૂદ કર્યા બાદ રાજ્યને અપાયેલા વિશેષાધિકારો સમાપ્ત થઈ ગયા, અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરાયું. ત્યારે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે આ પગલાથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ-સમૃદ્ધિ આવશે. આ 10 મુદ્દાઓમાં સમજીએ કેન્દ્ર સરકાર ખરેખર તેના વચનોમાં કેટલી ખરી ઉતરી...
આ 5 વચન પૂરાં કર્યા...
• અલગતાવાદ: જમ્મુ-કાશ્મીર 2019 પહેલા જે અલગતાવાદ અને પથ્થરમારાની આગમાં સળગી રહ્યું હતું તે હવે ખતમ થઈ ગયું છે. પથ્થરબાજીમાં 99 ટકા ઘટાડો.
• મનોરંજન: ફિલ્મ પોલિસી લાગુ. 2023માં 102 ફિલ્મો અને વેબસિરીઝ શૂટ કરાઈ. 3 વર્ષમાં 700 અરજીઓ મળી હતી, જે 2016 કરતા બમણી છે.
• પ્રવાસન ઉદ્યોગ: આ ઉદ્યોગ રાજ્યમાં રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત બન્યો. ગયા વર્ષે ભારત અને વિદેશમાંથી 2.1 કરોડ પ્રવાસી અહીં ફરવા આવ્યા હતા. 2024ના પ્રથમ 6 મહિનામાં 1 કરોડથી વધુ પ્રવાસી આવ્યા છે.
• વિકાસ પ્રોજેક્ટઃ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શ્રીનગર અને જમ્મુમાં વિકાસકાર્ય હાથ ધરાયા છે. દરરોજ 17.57 કિમીના રોડ બને છે.
• આંતરરાષ્ટ્રીય છબી સુધરીઃ 2-3 વર્ષમાં ઘણી આંતરરાષ્ટ્રીય ઘટના બની. જી-20 સમિટ પણ અહીં યોજાઈ હતી. તેનાથી વિશ્વમાં કાશ્મીરની છબી સુધરી છે.
આ 5 વચન આજેય અધૂરાં...
• કાશ્મીર પંડિતઃ તેના સંગઠનના ચેરમેન સતીશ મહાલદારે કહ્યું હતું કે આતંકને લીધે ખીણને છોડનાર 60 હજાર કાશ્મીરી પંડિતોમાંથી આજે એકની પણ વાપસી થઈ નથી. પાંચ વર્ષ પહેલાં અમે જ્યાં હતા ત્યાં આજે છીએ.
• બેરોજગારી: કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ બજેટ વધીને રૂ. 41 હજાર કરોડને પાર પહોંચ્યું છે, પરંતુ બેરોજગારોને તેનો લાભ મળ્યો નથી. 2005માં જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારીનો દર 21 ટકા હતો, જે 35 ટકા થયો છે.
• આતંકવાદ: આતંકની ગતિવિધિ ઘટી, પરંતુ સમાપ્ત થઈ નથી. બે વર્ષથી જમ્મુ વિસ્તારમાં આતંક વધી રહ્યો છે, જે 20 વર્ષથી આતંકમુક્ત હતું. 2024માં અત્યાર સુધીમાં 15 જવાન શહીદ થયા. શ્રદ્ધાળુ પર આતંકી હુમલાએ જમ્મુમાં નવો ડર ઊભો કર્યો છે.
• વિધાનસભા ચૂંટણી: છેલ્લે વિધાનસભા ચૂંટણી 2014માં યોજાઈ હતી. સુપ્રીમે કેન્દ્રને સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
• ઉદ્યોગ: કેન્દ્રની દલીલ હતી કે જંગી વિદેશી રોકાણ થશે. પછી કહ્યું કે 1 લાખ કરોડના રોકાણની દરખાસ્તો મળી છે, પરંતુ હજુ કોઈ મોટી કંપની સામેલ થઈ નથી.
કાશ્મીરની પ્રગતિ-સમૃદ્ધિની શરૂઆતઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 370 અને 354 હટાવવી એ દેશનાં ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી. કલમ 370 હટવાથી કાશ્મીરની પ્રગતિ અને સમૃદ્ધિની શરૂઆત થઈ છે. કેન્દ્ર સરકારે પાંચ વર્ષ પહેલાં પ ઓગસ્ટ 2019નાં રોજ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું મહત્ત્વનું હિંમતભર્યું પગલું લીધું હતું. આ સાથે જ કાશ્મીરને અપાયેલો સ્પેશિયલ રાજ્યનો દરજ્જો રદ થઈ ગયો હતો.
કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા પછી લોકોની જિંદગી બદલાઈ ગઈ છે. અહીં મહિલાઓ, યુવાનો, પછાતો, આદિવાસીઓ અને સમાજમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને હવે સુરક્ષા, સન્માન અને નવી તકો મળી છે. કાશ્મીરમાંથી ભ્રષ્ટાચાર દૂર થયો છે અને વિકાસની તકો ખૂલી છે. લદાખના લોકો માટે અમારી સરકાર કામ કરતી રહેશે અને આવનારા સમયમાં તેમની આકાંક્ષાઓ પૂરી કરાશે.