નવી દિલ્હીઃ ભારતના આંગણે યોજાયેલી જી-20 સમિટએ ઇતિહાસ રચ્યો છે. ભારતે એક વર્ષ પૂર્વે ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20નું અધ્યક્ષપદ સંભાળ્યું ત્યારે સૂત્ર આપ્યું હતું - વસુધૈવ કુટુંબકમ્ઃ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. જી-20નું નેતૃત્વ કરવાની ભારતની સજ્જતા-ક્ષમતા અંગે એક સમયે આશંકા સેવાતી હતી. જોકે બે દિવસની સમિટના અંતે, સબકા સાથ - સબકા વિકાસના ભારતીય અભિગમ પર વિશ્વભરમાંથી પ્રશંસાના ફૂલ વરસી રહ્યા છે. શાનદાર આયોજન, ઉષ્માભર્યું આતિથ્ય અને કૂનેહપૂર્ણ ડિપ્લોમસીએ વિશ્વતખતે ભારતનું વજન અને વ્યાપ બન્ને વધાર્યા છે.
આફ્રિકન યુનિયનને જી-20માં સ્થાનની વાત હોય કે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની વાત હોય કે ભારત-મિડલ ઇસ્ટ-યુરોપને જોડતા કોરિડોરની વાત હોય કે પછી સમિટના સિમાચિહ્ન જેવા દિલ્હી ડેકલેરેશનને સર્વસંમતિથી બહાલીની વાત હોય, ભારતની કૂટનીતિનો વિજય થયો છે.
અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રાઝિલ સહિતના દેશોએ ભારતીય અધ્યક્ષતામાં સમિટના નિષ્કર્ષોની પ્રશંસા કરી છે. અમેરિકી પ્રમુખ જો બાઇડેને કહ્યું કે નવી દિલ્હી સમિટે સાબિત કર્યું છે કે આ ગ્રૂપ હજુ પણ તેના સૌથી જટિલ મુદ્દાઓનું નિરાકરણ લાવી શકે છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ કહે છે કે ભારતના પ્રમુખપદ હેઠળની જી-20 સમિટ ઘણી રીતે એક સફળ કોન્ક્લેવ હતી, કારણ કે તેના પરિણામોએ વિશ્વને સંખ્યાબંધ પડકારોથી આગળ વધવાનો માર્ગ બતાવ્યો છે અને ગ્લોબલ સાઉથની તાકાત અને મહત્વ દર્શાવ્યું છે. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પછી ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ કહ્યું હતું કે આજના વિભાજિત વિશ્વમાં ભારતે જી-20 અધ્યક્ષ તરીકે ખૂબ સારું કામ કર્યું છે. (વિશેષ અહેવાલ પાનઃ 16-17-18)