નવી દિલ્હીઃ વિશ્વભરમાં વસતાં ભારતીયો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ચંદ્ર-સ્પર્શની ઐતિહાસિક ક્ષણ સાકાર થવામાં હાથવેંતનું છેટું રહી ગયું છે. જોકે નિષ્ણાતો માને છે કે આશા હજુ અમર છે, કેમ કે ‘વિક્રમ’ અખંડ છે.
‘ઇસરો’એ અંતરિક્ષમાં લાપત્તા થઇ ગયેલા મનાતા ચંદ્રયાન-૨ના લેન્ડર ‘વિક્રમ’ની ભાળ મેળવી લીધી છે, અને હવે તેની સાથે સંપર્ક સાધવા પ્રયાસ થઇ રહ્યા છે. ભારતના અંતરિક્ષ વિજ્ઞાનીઓ માને છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની અજાણ ભોમકાને સ્પર્શીને ઇતિહાસ સર્જવાનું સ્વપ્ન વિલંબમાં જરૂર પડ્યું છે, પરંતુ તે સાવ ચકનાચૂર થઇ ગયું નથી.
ચંદ્રયાન-૨ અંતર્ગત અંતરિક્ષમાં પહોંચેલા લેન્ડર ‘વિક્રમ’એ ગયા શુક્રવારે મધરાતે ૧.૪૦ કલાકે ઓર્બિટરથી અલગ પડીને ચંદ્રની સપાટી ભણી પ્રવાસ શરૂ કર્યો હતો. છેલ્લી મિનિટો સુધી બધું પૂર્વનિર્ધારિત આયોજન મુજબ ચાલ્યું હતું.
જોકે લેન્ડર અને ચંદ્ર વચ્ચે માત્ર ૨.૧ કિલોમીટરનું અંતર હતું ત્યારે ‘ઇસરો’નો લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ સાથે જ કન્ટ્રોલ રૂમથી માંડીને આ ઐતિહાસિક ઘટનાનું લાઇવ ટેલિકાસ્ટ નિહાળી રહેલા ભારતીયોમાં ગમગીની ફરી વળી હતી.
નોંધનીય છે કે ૪૭ દિવસ પહેલા - ૨૨ જુલાઇએ ભારતે દુનિયાનું આ સૌથી સસ્તું અવકાશી અભિયાન ‘ચંદ્રયાન-૨’ લોન્ચ કર્યું હતું. ભારતીય વિજ્ઞાનીઓએ આ અભિયાન ફક્ત ૯૭૮ કરોડ રૂપિયામાં આ પ્રોજેક્ટ સાકાર કર્યો છે. હોલિવૂડની વિજ્ઞાન આધારિત ફિલ્મોનું બજેટ પણ આના કરતાં વધુ હોય છે.
ચંદ્રયાન-૨ પૃથ્વીના ચાર ચક્કર કાપીને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન આ ગરબડ થઇ હતી. ચંદ્રના આ ભાગમાં બરફ અને પાણીની શક્યતાઓ ચકાસવા તેમજ માનવ વસવાટની શક્યતાઓ ચકાસવા માટે આ અભિયાન અત્યંત મહત્ત્વનું ગણાય છે. ધરતી પર જ નહીં, અંતરિક્ષમાં પણ રાજ કરી રહેલી મહાસત્તાઓએ પણ ભારતની આ ક્ષમતાને સ્વિકારીને વિજ્ઞાનીઓની સિદ્ધિને બિરદાવી હતી.
ચંદ્રની સપાટી પર ત્રાંસુ પડ્યું છે
ચંદ્રયાન-૨નાં ઓર્બિટરથી છુટા પડ્યા પછી ચંદ્ર પર ઉતરાણ કરતી વખતે લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટી પર ઝૂકીને ત્રાસું પડ્યું છે, પણ તૂટી પડ્યું નથી. તેની સાથે સંપર્ક સાધવાનાં તમામ પ્રયાસો કરાઇ રહ્યા છે તેમ ‘ઇસરો’એ જણાવ્યું હતું. ઓર્બિટર દ્વારા મળેલી તસવીર સંકેતો આપે છે કે વિક્રમ તૂટી પડ્યું નથી કે નાશ પામ્યું નથી. તે ચંદ્રની સપાટી પર ઝૂકીને આડું પડ્યું છે. આવા સંજોગોમાં ‘ઇસરો’નાં પૂર્વ ચીફ માધવન નાયરનાં માનવા મુજબ સંપર્ક થવાની ૬૦થી ૭૦ ટકા સંભાવના હજી જીવંત છે. વિક્રમનો સંપર્ક કરવા માટે ‘ઇસરો’ની ટીમ દિવસ-રાત મહેનત કરી રહી છે.
સંપૂર્ણ સુરક્ષિત છે, કોઇ તૂટફૂટ નથી
‘ઇસરો’નાં અધિકારીએ જણાવ્યું હતું કે લેન્ડર ‘વિક્રમ’ તૂટી ગયું નથી. તેમાં કોઈ તૂટફૂટ થઈ નથી, તે સલામત રીતે ચંદ્રની સપાટી પર થોડું ત્રાસું પડ્યું છે. ‘વિક્રમ’ને સોફ્ટ લેન્ડિંગ કરાવવાનું હતું, પણ તેનું હાર્ડ લેન્ડિંગ થયું છે. ઓર્બિટરનાં કેમેરાએ મોકલેલી તસવીરો દર્શાવે છે કે તે લેન્ડિંગનાં નિર્ધારીત સ્થળની આસપાસ જ પડ્યું છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ડીઆરડીઓનાં પૂર્વ સંયુક્ત નિયામક વી. એન. ઝાએ કહ્યું છે કે વિક્રમનો ગમે ત્યારે સંપર્ક થઈ શકે છે. ઇસરોના એક અધિકારીએ કહ્યું હતું કે, જો વિક્રમનું એકપણ ઉપકરણ ખરાબ થઈ ગયું હશે તો તેની સાથે સંપર્ક સાધવાનું મુશ્કેલ બનશે. જો કે, અત્યાર સુધીની સ્થિતિ સારી જણાઈ રહી છે. આથી સંપર્ક સાધવાની આશાએ જીવંત છે.
ઉલ્લેખનીય છે કે ૭ સપ્ટેમ્બરે મધરાતે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરી રહ્યું હતું. ત્યારે સપાટીથી ૨.૧ કિ.મી દૂર હતુ ત્યાં જ તેનો સંપર્ક કપાઈ ગયો હતો. ત્યારથી અત્યાર સુધી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. રવિવારે ઓર્બિટરે સંદેશો આપ્યો હતો કે, લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટી ઉપર જ છે અને સુરક્ષિત છે.
એન્ટેનાની સ્થિતિ પર ઘણો મદાર
એક અધિકારીએ કહ્યું કે લેન્ડરના એન્ટેનાની સ્થિતિ પર બધો આધાર છે. આપણને જિયોસ્ટેશનરી ઓર્બિટમાં ગૂમ થયેલા સ્પેસક્રાફટને શોધવાનો અનુભવ છે, પણ ચંદ્રની જમીન પર આવી સ્થિતિમાં ઓપરેશન કરવાની ફ્લેક્સિબિલિટી નથી. તે ચંદ્ર પર પડ્યું હોવાથી તેને હલાવવાનું મુશ્કેલ છે. એન્ટેના જો ગ્રાઉન્ડ તરફ હશે કે ઓર્બિટરની તરફ હશે તો સંપર્કનું કામ આસાન બનશે. ‘વિક્રમ’માં સૌર પેનલ હોવાથી તેની ઊર્જાની ચિંતા નથી, વળી તેની બેટરીનો પણ વપરાશ થયો નથી.
જોકે ‘ઇસરો’ના જણાવ્યા મુજબ તે જાતે સીધું થઈ શકે તેવા સાધનો અને ટેકનોલોજી તેમાં ફિટ થયેલા છે. અલબત્ત, આ માટે કોમ્યુનિકેશન સિસ્ટમથી સંપર્ક થવો જરૂરી છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ સિગ્નલ મળવાની સંભાવના ઘટી રહી છે. ‘વિક્રમ’માં નીચે પાંચ થ્રસ્ટર્સ જોડેલા છે. લેન્ડરનું એન્ટેના જ્યાં દબાયેલું છે ત્યાં પણ થ્રસ્ટર્સ છે. પૃથ્વીનાં ગ્રાઉન્ડ સ્ટેશનથી મોકલેલા કમાન્ડ ઓન કરી શકાશે. થ્રસ્ટર્સ ઓન થતાં લેન્ડર તેના પાયા પર સીધું થઈ શકશે.
આ પૂર્વે ‘ઇસરો’ના વડા કે. સિવને રવિવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-૨ના લેન્ડર ‘વિક્રમ’નો પતો લાગી ગયો છે. તે લેન્ડિંગ સમયે પડી ગયું હતું. ચંદ્રની સપાટી પર લેન્ડિંગ પહેલા ૨.૧ કિમીની ઊંચાઈ પર તેનાથી સંપર્ક તૂટી ગયો હતો. સિવને જણાવ્યું કે ‘ઓર્બિટરના કેમેરાએ તેનો પતો લગાવ્યો છે.
કેટલીક તસવીરો પણ મોકલી છે. પ્રજ્ઞાન (રોવર) તેની અંદર છે. તે બહાર નીકળ્યું નથી.’ ‘ઇસરો’ના વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે ‘લેન્ડર ચંદ્રની સપાટીને ટકરાયું અને પલટી ગયું. કદાચ તે ઉંધું પડ્યું છે. તેની તૂટી જવાની પણ આશંકા છે. ડેટાનું વિશ્લેષણ કરી ચકાસી રહ્યાં છે કે તેને કેટલું નુકસાન પહોંચ્યું છે.’
વૈશ્વિક મીડિયાએ વરસાવ્યા પ્રશંસાના ફૂલ
વોશિંગ્ટન, લંડનઃ ભારતનું ઐતિહાસિક મિશન ચંદ્રયાન-૨ તેનાં લેન્ડર ‘વિક્રમ’ને ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરાવતી વખતે ભલે સંપર્ક ગુમાવી બેઠું, પણ વિશ્વ મીડિયા ભારતનાં આ મિશનને નિષ્ફ્ળ ગણાવતું નથી. વિશ્વ મીડિયાએ ભારતનાં મિશનનાં ભરપેટ વખાણ કર્યા છે અને ભારતે હજી કશું ગુમાવ્યું નથી કે તેનું સપનું તૂટી ગયું નથી તેવા પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા છે. અવકાશ સંશોધન ક્ષેત્રે ઈસરોની કામગીરીની ભરપેટ પ્રશંસા કરાઇ છે.
• ન્યૂ યોર્ક ટાઈમ્સઃ ચંદ્રની સપાટી પર ઉતરાણનો ભારતનો પહેલો પ્રયાસ ભલે સફળ ન રહ્યો, પણ ભારતની ઈજનેરીક્ષમતા અને દાયકાઓનો સ્પેસ વિકાસ કાર્યક્રમ બુલંદ છે, જે અવકાશમાં સર્વોપરિતા સ્થાપવાની તેની મહત્વકાંક્ષા દર્શાવે છે.
• વોશિંગ્ટન પોસ્ટઃ ચંદ્ર પર ઊતરવાનો ભારતનો પહેલો પ્રયાસ ભલે નિષ્ફળ ગયો, પણ મિશને ભારતને ગૌરવ પ્રદાન કર્યું છે. પીછેહઠ છતાં ભારતનું સોશિયલ મીડિયા ‘ઇસરો’ અને તેના વૈજ્ઞાનિકોની પડખે ઊભું છે. મિશન માટે સૌથી ઓછો ૧૪.૧ કરોડ ડોલરનો ખર્ચ એ તેનો મોટો પ્લસ પોઈન્ટ છે.
• ધ ગાર્ડિયનઃ ભારત એવા સ્થળે પહોંચી રહ્યું છે જ્યાં ૨૦ વર્ષે, ૫૦ વર્ષે, ૧૦૦ વર્ષે માનવીનાં વસવાટની ભાવિ સંભાવનાઓ રહેલી છે.
• બીબીસીઃ ભારતનું મિશન મૂન ચંદ્રયાન- ૨ સસ્તું હોવાથી ગ્લોબલ હેડલાઈન બન્યું છે. ૨૦૧૪નું તેનું માર્સ મિશન પણ ઓછા ખર્ચનું ૭.૪ કરોડ ડોલરનું જ હતું.