નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીની આજે સવારથી હાથ ધરાયેલી મતગણતરીના પરિણામો ભાજપ માટે ઉત્સાહજનક છે તો કોંગ્રેસ માટે નિરાશાજનક છે. ભાજપે આસામમાં ઝળહળતો દેખાવ કરીને પૂર્વોત્તર ભારતમાં ભગવો લહેરાવ્યો છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને તામિલનાડુમાં જયલલિતા સરકારના પુનરાગમન નિશ્ચિત મનાય છે. આસામ અને કેરળમાં સત્તા ગુમાવનાર કોંગ્રેસે ૩૦ બેઠકો ધરાવતા પોંડિચેરીમાં ડીએમકેના સહયોગમાં સરકાર રચીને સંતોષ માનવો પડશે. પાંચ રાજ્યોની કુલ ૮૨૪ બેઠકો માટે મતદાન થયું હતું.
૧૨૬ વિધાનસભા બેઠકો ધરાવતા આસામમાં ભાજપ અને સાથી પક્ષોએ ૮૮ બેઠકો કબ્જે કરી છે, જ્યારે શાસક કોંગ્રેસની જીત માત્ર ૨૩ બેઠકો પૂરતી મર્યાદિત રહી છે. આસામમાં ભવ્ય વિજય સાથે જ ભાજપ પૂર્વોત્તર ભારતમાં પહેલી વખત વખત સરકારની રચના કરશે. રાજકીય વિશ્લેષકોએ આ વિજયને ભાજપ માટે ખૂબ જ મહત્ત્વનો ગણાવે છે. ઉલ્લેખનીય છે લોકસભામાં જ્વલંત વિજય બાદ યોજાયેલી દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો.
પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકના વિધાનસભા ગૃહમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે ૨૧૬ બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસ અને ડાબેરી યુતિનો વિજય ૭૦ બેઠકો પર સીમિત રહી ગયો છે. અલગ અલગ તમામ એક્ઝિટ પોલમાં પણ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ફરી સત્તારૂઢ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી.
તામિલનાડુમાં જયલલિતાના એઆઇએડીએમકે પક્ષે કુલ ૨૩૨ બેઠકોમાંથી ૧૩૧ બેઠકો પર વિજય મેળવીને સત્તાના સિંહાસને પુનરાગમન કર્યું છે. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કરુણાનિધિના ડીએમકેને ૮૮ બેઠકો મળી છે. ૨૩૪ સભ્યોનું ગૃહ ધરાવતા રાજ્યમાં બે બેઠકો પર ચૂંટણી મુલત્વી રાખવામાં આવી છે.
તામિલનાડુમાં જયલલિતાની સત્તાવાપસી સાથે જ ૨૭ વર્ષ બાદ ઈતિહાસ રચાશે કારણ કે સત્તારૂઢ પાર્ટી ફરી સત્તા પર આવશે. અલગ અલગ એક્ઝિટ પોલમાં જયલલિતાના પક્ષના વિજય અંગે મિશ્ર તારણ રજૂ થયા હતા.
આસામમાં સત્તા પરિવર્તન થઈને ભાજપ આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી તો કેરળમાં પણ પરિવર્તનનો વાયરો ફૂંકાવવાની શક્યતા દર્શાવાઇ હતી. બન્ને રાજ્યોમાં સત્તાપરિવર્તન સાથે જ એક્ઝિટ પોલના તારણો સાચા પુરવાર થયા છે. પાંચ રાજ્યોની કુલ ૮૨૪ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ ગઈ હતી.
કોંગ્રેસના મુખ્ય પ્રધાન ઓમાન ચાંડીના નેતૃત્વ હેઠળના કેરળમાં ૧૪૦ બેઠકો માટે મતદાન થયું હતું. જેમાંથી ૯૧ બેઠકો એલડીએફને જ્યારે યુડીએફને ૪૭ બેઠકો જ મળી છે.
પોંડીચેરીમાં ૩૦ સભ્યોના ગૃહમાં કોંગ્રેસ-ડીએમકે ૧૭ બેઠકો જીતી છે. જ્યારે ચાર બેઠકો એઆઇએડીએમકેને મળી છે.
સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી, તે પૂરી થયાના અડધા કલાક બાદ ઈવીએમની મતગણતરીનો પ્રારંભ થયો હતો. એક વાર પરિણામો જાહેર થઈ ગયા બાદ વિજેતા ઉમેદવારોનાં નામ ગેઝેટમાં પ્રસિદ્ધ કરાશે. ગેઝેટનાં જાહેરનામા બાદ રાજ્યોમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થશે. આજે જે મતગણતરી હાથ ધરાઈ છે તેમાં ૮૩૦૦ જેટલા ઉમેદવારોનું ભાગ્ય નક્કી થયું છે. જેમાં આસામના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈ અને તેમના ભાજપના પ્રતિસ્પર્ધી અને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર સર્બાનંદ સોનોવાલનું ભાવિ પણ સામેલ હતું. આ ઉપરાંત તામિલનાડુમાં મુખ્ય પ્રધાન જયલલિતા અને તેમના હરીફ કરુણાનિધિ ઉપરાંત કેરળમાં મુખ્ય પ્રધાન ઓમન ચાંડી, માકપા નેતા વી. એસ. અચ્યુતાનંદ અને પિનારાઈ વિજયનના ભાગ્યનો પણ ફેંસલો થયો છે.