જોધપુરઃ રાજસ્થાનના મણાઇ આશ્રમમાં ગુરુકુળની સગીર શિષ્યા પર બળાત્કાર ગુજારવાના કેસમાં જોધપુરની એસસી-એસટી કોર્ટે જાતે બની બેઠેલા સંત આસારામ ઉર્ફે આસુમલ સિરુમલાણી (૭૭)ને દોષિત ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે. શાહજહાંપુરની વતની અને આસારામના છિંદવાડાનાં ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય કિશોરીએ ૨૦૧૩માં આરોપ મૂક્યો હતો કે, ૧૫ ઓગસ્ટની રાત્રે આસારામે જોધપુર નજીકના આશ્રમમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ફરિયાદ બાદ આસારામ ઉપરાંત તેના આ કુકૃત્યમાં સાથ આપનાર સંચિતા ઉર્ફે શિલ્પી, શરદચંદ્ર ઉર્ફે શરતચંદ્ર, પ્રકાશ અને શિવા ઉર્ફે સવારામ હેઠવાડિયાની ધરપકડ કરાઈ હતી.
લગભગ ૫૬ માસ કેસની સુનાવણી કર્યા બાદ કોર્ટે આસારામની સાથે સાથે શિલ્પી અને શરદચંદ્રને દોષિત ઠેરવ્યા છે. બન્નેને ૨૦-૨૦ વર્ષની કેદ અને એક-એક લાખ રૂપિયાનો દંડ કરાયો છે. જ્યારે પ્રકાશ અને શિવાને નિર્દોષ છોડી મૂક્યા છે. શિલ્પી ગર્લ્સ હોસ્ટેલની વોર્ડન હતી જ્યારે શરદચંદ્ર ગુરુકુળનો પ્રિન્સિપાલ હતો. આસારામને ‘પોક્સો’ તેમજ એસસી-એસટી એક્ટ સહિત ૧૪ કલમ અંતર્ગત કસૂરવાર ઠેરવતાં ૩ લાખ ૨ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જજે દંડની કુલ પાંચ લાખ રૂપિયાની રકમ પીડિતાને ચૂકવવાનો આદેશ આપ્યો છે.
બુધવારે જોધપુરની સેન્ટ્રલ જેલમાં જ તૈયાર કરાયેલા કોર્ટરૂમમાં સ્પેશિયલ એસસી-એસટી જજ મધુસૂદન શર્માએ ૪૫૩ પાનનો ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો હતો. જજે ચુકાદામાં જણાવ્યું હતું કે આસારામ સંત કહેવાય છે, પરંતુ તેણે જાપ કરવાના બહાને પીડિતાને પોતાના ઓરડામાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો. આસારામે માત્ર પીડિતાનો વિશ્વાસ નથી તોડ્યો, પણ આમ જનતામાં સંતોની છબિને પણ નુકસાન પહોંચાડ્યું છે.
સજાની સુનાવણી પછી આસારામના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને હાઇ કોર્ટમાં પડકારશું. આસારામના વકીલોએ જણાવ્યું હતું કે, અમે ગુરુવારે રાજસ્થાન હાઇ કોર્ટમાં આસારામ માટે જામીનઅરજી દાખલ કરીશું. અગાઉ તેઓ કાચા કામના કેદી હોવાના કારણે જામીન મેળવવા મુશ્કેલ બન્યા હતા, હવે કેસનો ચુકાદો આવી ગયો છે તેથી અમે આસારામના જામીન માટે આકરા પ્રયાસો કરીશું.
અંતિમ શ્વાસ સુધી કારાવાસ
સુપ્રીમ કોર્ટે ૨૦૧૨માં સ્પષ્ટતા કરી હતી કે, આજીવન કેદનો અર્થ છે ગુનેગારનું મોત થાય ત્યાં સુધીનો કારાવાસ. કોર્ટે જણાવ્યું હતું કે, એક એવી ગેરસમજ પ્રવર્તે છે કે, આજીવન કેદ એટલે ગુનેગારને ૧૪ અથવા તો ૨૦ વર્ષ કેદ ભોગવ્યા પછી મુક્તિનો અધિકાર છે. કેદીને આ પ્રકારનો કોઈ અધિકાર હોતો નથી. જો સરકાર કેદીને છૂટછાટ આપે તો પણ તેણે ઓછામાં ઓછાં ૧૪ વર્ષ તો કેદમાં રહેવું જ પડે છે. સશ્રમ કારાવાસ એટલે કેદીએ જેલમાં તેને સોંપાતાં દરેક કામ ચોક્કસ કલાકો માટે કરવાનાં રહે છે.
હવે કેદીનો ડ્રેસ ને જેલનું ભોજન
જોધપુર જેલમાં કેદ આસારામને કેદી નંબર ૧૩૦ આપવામાં આવ્યો છે. જેલ ડીઆઈજી વિક્રમસિંહે જણાવ્યું હતું કે, હાલમાં આસારામને બેરેક નં. બેમાં રાખવામાં આવશે. અત્યાર સુધી આસારામ કાચા કામનો કેદી હોવાથી તેને જોધપુર સેન્ટ્રલ જેલમાં આશ્રમનું જમવાનું મળતું હતું. હવે તેણે જેલનું ભોજન જ જમવું પડશે. આ ઉપરાંત અત્યાર સુધી તે જેલમાં પોતાની પસંદગીના વસ્ત્રો પહેરી શકતો હતો પરંતુ હવે તે સજા ભોગવી રહેલો ગુનેગાર હોવાથી જેલનાં કેદીઓ માટે નક્કી કરેલો ડ્રેસ પહેરવો પડશે.
દેશમાં આઝાદીની ઉજવણી અને...
આસારામે સારવારનાં નામે ૧૪ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ પીડિતા અને તેનાં માતા-પિતાને આશ્રમ ખાતે બોલાવ્યાં હતાં. આસારામે કિશોરીના મા-બાપના મનમાં ઠસાવ્યું હતું કે કિશોરીના શરીરમાં ભૂત વસે છે, તે કાઢવું પડશે. આ પછી બીજા દિવસે ૧૫ ઓગસ્ટે તેણે મંત્રતંત્રના નામે સારવાર કરવાના બહાને પીડિતાને પોતાની કુટિયામાં બોલાવી હતી. તેણે પીડિતાનાં માતા-પિતાને બહાર બેસાડી રાખ્યા હતા અને તેમને ધ્યાન ધરવા કહ્યું હતું. જ્યારે પોતાની કુટિયામાં બોલાવેલી કિશોરી પર તેણે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત તેણે ઓરલ સેક્સ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પછી તેણે સગીર બાળાને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી રવાના કરી દીધી. આમ એક તરફ દેશ આઝાદી પર્વને ઊજવતો હતો ત્યાં બીજી તરફ આસારામ બળાત્કાર ગુજારતો હતો.