ગાઝા: દસકાઓ જૂના દુશ્મન ઇઝરાયલ અને હમાસ વચ્ચે આખરે ૨૦ મેના રોજ સંઘર્ષવિરામ થયો છે. બંનેએ આને પોતપોતાની જીત ગણાવે છે. સંઘર્ષવિરામ લાગુ થતાં જ મોટી સંખ્યામાં પેલેસ્ટિની લોકો ગાઝામાં માર્ગો પર ઉજવણી કરવા નીકળી પડ્યા હતા. સાથોસાથ જ હમાસે ચેતવણી ઉચ્ચારી હતી કે તેમના હાથ ટ્રિગરથી હટ્યાં નથી. હુમલાના સંજોગોમાં જવાબ આપવા તૈયાર જ છે. જોકે બન્ને પક્ષોએ ૧૧ દિવસના સંઘર્ષ પછી પરસ્પર સંમતિ બાદ સંઘર્ષવિરામનો નિર્ણય કર્યો છે તે આવકાર્ય છે.
ઇઝરાયલી કેબિનેટે આ જાહેરાતના કેટલાક કલાક પહેલા જ પરસ્પર સંમતિ સાથે યુદ્વવિરામના નિર્ણય પર મહોર મારી હતી. અમેરિકી પ્રમુખ જો બાઇડેને સંઘર્ષવિરામ પછી વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલી વડા પ્રધાનની પ્રશંસા કરી હતી. પ્રમુખ બાઇડેને કહ્યું કે અમેરિકા ગાઝાથી હમાસ અને બીજા કટ્ટરપંથી સમૂહો તરફથી થનાર રોકેટ હુમલાથી સુરક્ષા માટે ઇઝરાયલના અધિકારીનું સમર્થન કરે છે. આવા હુમલાથી ઇઝરાયલમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે.
ઇઝરાયલી વડા પ્રધાને તેમના દેશની મિસાઇલવિરોધી સિસ્ટમ આયર્ન ડોમની પ્રશંસા કરી હતી. આ સિસ્ટમ ઇઝરાયલ-અમેરિકા બંને દેશોએ સાથે વિકસિત કરી છે અને તેના લીધે અનેક લોકોના જીવ બચી ગયા છે.
પડદા પાછળના ત્રણ પાત્રોઃ
ઇજિપ્ત, કતાર, અમેરિકા
અમેરિકાના પ્રમુખ જો બાઇડેન સત્તાવાર કાર્યક્રમોમાં વ્યસ્ત જરૂર હતા, પરંતુ ૨૦ મેના રોજ તેઓ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂના ફોનની રાહ જોઇ રહ્યા હતા.
• ઇજિપ્તઃ ઇઝરાયલ-હમાસ બંને સાથે વાત કરી. રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ સીસીએ યુદ્વ-વિરામ માટે બંને સ્થળે સુરક્ષા પ્રતિનિધિ મંડળ મોકલ્યા, અમેરિકી પ્રમુખ સાથે પણ ચર્ચા કરી.
• કતારઃ દોહામાં કતારના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાને હમાસના રાજકીય પ્રમુખ ડો. ઇસ્માઇલ હનાયા સાથે વાત કરી. કતારે જલ્દી યુદ્વવિરામનો વાત કરી સાથે જ દુનિયાભરથી પણ અપીલ કરી.
• અમેરિકાઃ પ્રમુખ બાઇડેને પરદાં પાછળથી કામ કર્યું. બે દિવસ સતત ઇઝરાયલના વડા પ્રધાન સાથે વાત કરી. બીજી તરફ, હમાસના રોકેટ હુમલા પણ જારી હતા. બાઇડેન દરેક ક્ષણની ખબર મેળવતા રહ્યા અને નેતાન્યાહૂના ફોનની રાહ જોતા રહ્યા.
પ્રચંડ નુકસાનઃ ૧૧ લાખ લોકો પાણી, વીજળી જેવી પાયાની સુવિધાથી વંચિત
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ૧૧ દિવસ સુધી ચાલેલા ભીષણ સંઘર્ષના પરિણામ એ આવ્યા કે ગાઝાના ૧૧ લાખ લોકો પાસે પીવાનું પાણી. વીજળી અને ટોયલેટ જેવી પાયાની સુવિધાઓ પણ નથી. વીજળી સપ્લાય છે. મોટા ભાગની સ્કૂલો પણ ધ્વસ્ત છે કે પછી બોમ્બમારાને કારણે બંધ થઇ ગઇ છે. ૬ લાખ બાળકો શિક્ષણથી વંચિત છે અને ઘરોમાં કેદ છે.
ગાઝા એ ખરેખર તો ગાઝા પટ્ટી કહેવાય છે એટલા માટે કેમ કે તે જમીનનો એક ટુકડો જ છે. કુલ મિલાવીને તે ૪૦ કિલોમીટર લાંબો અને ૮-૧૦ કિમી પહોળો છે. તેની વસ્તી ૨૦ લાખ છે. અને વસ્તીની ગીચતા લંડન, શાંઘાઇ જેવા શહેરોથી પણ વધારે છે.
એકમેક પર મિસાઇલોનો પ્રચંડ મારો
હમાસે ૧૧ દિવસમાં ઇઝરાયલ પર ૪ હજાર મિસાઇલો ઝીકીં. જેની કિંમત ૨૨ હજારથી ૫૫ હજાર રૂપિયા જેટલી હતી. જ્યારે ઇઝરાયલે હમાસની આ મિસાઇલોનો જવાબ ૪૦થી ૮૦ લાખ રૂપિયાવાળી મિસાઇલથી આપ્યો હતો. મિસાઇલ એક્સપર્ટ્સ કહે છે કે હમાસ સૌથી વધુ કસાબ રોકેટનો ઉપયોગ કરે છે, અને તે એક સાથે જ ઝીકે છે. ઇઝરાયલ આ રોકેટ હુમલાનો સામનો કરવા આયરન હડોમ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ ડિફેન્સ સિસ્ટમની મિસાઇલો જાતે ઊડીને રોકેટને નષ્ટ કરે છે. ફિરા ઇન્સ્ટિટ્યૂટમાં સ્પેસ રિસર્ચ સેન્ટરના પૂર્વ અધ્યક્ષ તાલ ઇનબર અનુસાર તેનાથી ઇઝરાયલને દરરોજ કરોડોનું નુકસાન થયું છે.
હવે શું? સંઘર્ષવિરામ આવકાર્ય, પણ તે લાંબુ ખેંચે તેમ જણાતું નથી
ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઇ હવે સામાન્ય થઇ ચૂકી છે. ૨૦૦૭માં ગાઝા પર હમાસના કબજા બાદ બન્ને વચ્ચે ૪ મોટી અને સેંકડો નાની-નાની અથડામણો થઇ ચુકી છે, પણ કંઇ પરિણામ નથી. આમાં વધુ નુકસાન પેલેસ્ટિનીનું થયું છે. ઇઝરાયલ અને હમાસ યુદ્વના એવા તર્ક અને સંકટમાં ફસાયા છે જે નક્કી કરે છે બધું એવું જ ચાલતું રહે. હમાસના હુમલા વ્યર્થ છે. તેના રોકેટ ઓછું નુકસાન કરે છે પણ ઇઝરાયલને જવાબ આપવો જરૂરી લાગે છે. આ અથડામણમાં કોઇને કાંઇ મળ્યું નથી. અને તેઓ ફરી આવું જ કરી શકે છે.