ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ફરી એક વખત આમનેસામને છે. શનિવારે સવારે પેલેસ્ટાઇનના આતંકીઓએ ઇઝરાયલ પર અંદાજે 5000 રોકેટ ઝીંક્યા બાદ ચોતરફ વિનાશ સર્જાયો છે. આ હુમલા બાદ ઇઝરાયલે હમાસને નેસ્તનાબૂદ કરી નાંખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. બન્ને દેશ વચ્ચેનો વિખવાદ આજકાલનો નથી. ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે.
ઇઝરાયલ યહૂદી દેશ છે જ્યારે પેલેસ્ટાઇન મુસ્લિમ દેશ છે જ્યાં હમાસ સત્તારૂઢ છે. આ જંગ ઇઝરાયલની સ્થાપના પૂર્વેથી જારી છે. પેલેસ્ટાઇન તથા અન્ય પડોશી મુસ્લિમ દેશો ઇઝરાયલને યહૂદી રાષ્ટ્ર તરીકે માન્યતાનો વિરોધ કરે છે. વળી, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને જેરુસલેમને પોતાની રાજધાની માને છે. જેરુસલેમ અને ગાઝા પર કબજા માટે બંને દેશો વચ્ચે દાયકાઓથી લડાઇ જારી છે. ભલે દુશ્મનીની તલવારો ઇસ્લામિક ઉદય સાથે તણાઇ હોય પણ મૂળ વિવાદ ઓટોમન સામ્રાજ્ય ખતમ થઇ રહ્યું હતું ત્યારે શરૂ થયો હતો.
જેરુસલેમ કેમ બંને દેશો માટે ખાસ
પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઓટોમન સામ્રાજ્યની થઇ ચૂકી હતી. મધ્ય-પૂર્વની સમગ્ર તસવીર બદલાઇ ગઇ. યુદ્ધ બાદ લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગી વિશ્વયુદ્ધ બાદ આ સમગ્ર વિસ્તાર બ્રિટનના હિસ્સામાં આવી ગયો પણ સ્વતંત્ર દેશની યહૂદીઓની માગે જોર પકડ્યું તો એવી પણ માગ ઊઠી કે જેરુસલેમમાં યહૂદીઓ માટે અલાયદા ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવે, જેને માત્ર યહૂદીઓ પોતાનું ઘર કહી શકે. જેરુસલેમ ઇઝરાયલીઓ અને પેલેસ્ટિનીઓ બંનેનું પવિત્ર શહેર છે. આ શહેર ઇસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી ધર્મોમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પયગંબર ઇબ્રાહિમ સાહેબને પોતાના ઇતિહાસ સાથે જોડતા આ ત્રણેય ધર્મ જેરુસાલેમને પોતાનું પવિત્ર સ્થાન માને છે.
અલ-અક્સા મસ્જિદ વિવાદ શું છે?
અલ-અક્સા મસ્જિદ ઇસ્લામમાં ત્રીજું સૌથી પવિત્ર સ્થળ ગણાય છે. યહૂદીઓ પણ તેને પવિત્ર સ્થળ માને છે. યહૂદીઓ ટેમ્પલ ટાઉન કહે છે જ્યારે ખ્રિસ્તીઓનું માનવું છે કે ઇસુ ખ્રિસ્તનું આ સ્થળે જ અવતરણ થયું હતું અને અહીં જ તેમને વધસ્તંભ પર રાઢાવાયા હતા. અહીં ચર્ચ ઓફ ધ હોલી સેપક્કર છે. જેની
અંદર ઇસુ ખ્રિસ્તનો મકબરો છે. જોકે પયગંબર સાહેબ સાથે જોડાયેલો હોવાના કારણે ડોમ ઓફ ધ રોકમાં મુસ્લિમો પણ આસ્થા ધરાવે છે.
ઇઝરાયલ ક્યારે અસ્તિત્વમાં આવ્યું?
14 મે 1948ના રોજ યુનો અને વિશ્વની નજરમાં પહેલી વાર ઇઝરાયલનો જન્મ થયો અને તે દિવસે જ ઇતિહાસનું પહેલું આરબ-ઇઝરાયલી યુદ્ધ પણ શરૂ થઇ ગયું. આ યુદ્ધ લગભગ એક વર્ષ બાદ 1949માં પૂરું થયું. જેમાં ઇઝરાયલની જીત થઇ અને અંદાજે 7.5 લાખ પેલેસ્ટિનીઓએ પોતાનો વિસ્તાર છોડવો પડ્યો. છેવટે બ્રિટિશ રાજવાળો આ સમગ્ર વિસ્તાર ત્રણ ભાગમાં વહેંચાયો - ઇઝરાયલ, વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી.
યહૂદીઓ અને આરબો વચ્ચે જમીન વહેંચાઇ
બીજા વિશ્વયુદ્ધ બાદ યુનોએ (હાલનું યુએન) એક પ્રસ્તાવ રજૂ કરીને બંને દેશોને અલગ કર્યા ત્યાર બાદ ઇઝરાયલ સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું. 1947માં બ્રિટિશ રાજવાળા આ વિસ્તારને બે ભાગમાં વહેંચી દેવાયો, તેમાથી એક આરબ વિસ્તાર અને બીજો યહૂદીઓનો વિસ્તાર ગણાયો. જ્યાં યહૂદીઓની વસ્તી વધુ હતી તે વિસ્તારો ઇઝરાયલમાં ગયા અને જ્યાં આરબો બહુમતીમાં હતા તે વિસ્તારો પેલેસ્ટાઇનમાં ગયા. ત્રીજું હતું જેરુસલેમ, જેને લઇને ઘણા મતભેદો હતા.
બંને દેશો વચ્ચે જમીનનો જંગ
1948માં ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યા બાદથી જ બંને દેશો વચ્ચે કટુતા પણ વધી ગઇ હતી. આ જંગના લગભગ બે દાયકા બાદ ઇઝરાયલ અને પડોશી દેશો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ છ દિવસ ચાલ્યું હતું, જેમાં પણ ઇઝરાયલની જીત થઇ. 1948ના યુદ્ધમાં આરબ દેશોએ ઇઝરાયલ પાસેથી કેટલીક જમીન છીનવી લીધી હતી. ઇઝરાયલ બદલો લેવાની ફિરાકમાં હતું પણ તેને તક મળી 1966-67ના યુદ્ધમાં. આ યુદ્ધ ઇઝરાયલ-સીરિયા વચ્ચે હતું પણ સીરિયા સાથે ઇજિપ્ત, જોર્ડન, ઇરાક અને લેબનોન પણ જોડાયા હતા. ઇઝરાયલે પાંચેય દેશોને હરાવ્યા હતા. જમીન માટેના આ યુદ્ધના અંતે ઇઝરાયલે ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંક પર ફરી કબજો જમાવ્યો, જેને પેલેસ્ટાઇન પોતાનો હિસ્સો ગણાવે છે.