સરમુખત્યાર ઇદી અમીને એક જ આદેશ જારી કરીને હજારો એશિયનોના પગ નીચેની ધરતી છીનવી લીધાના 50 વર્ષ પૂરા થવા આવ્યા છે પરંતુ તે સમયની ભયાવહતા યુગાન્ડાથી બ્રિટન આવેલા એશિયનો અને વિશેષ કરીને ભારતીયોના મનમાંથી જરાપણ ઓઝલ થઇ રહી નથી. પોતાના અનુભવોને યાદ કરીને આજે પણ તેઓ ધ્રુજી ઉઠે છે.
હું યુગાન્ડાથી નાસી છૂટી ત્યારે મારી પાસે ફક્ત 50 પાઉન્ડ હતાં – નીલા રાજા
બોલ્ટનમાં રહેતા નીલા રાજા ભયાનક યાદોને વાગોળતાં કહે છે કે હું મારા 3 બાળકો સાથે નાસી છૂટી ત્યારે મારી પાસે ફક્ત 50 પાઉન્ડ હતાં. તેમનો પુત્ર શેલ્લી રાજા કહે છે કે હું અને મારા ભાઇબહેનો બ્રિટનની ઠંડી સહન ન થવાના કારણે 6 મહિના સુધી રડતાં રહ્યાં હતાં. મારા દાદા યુગાન્ડામાં બીયર ફેક્ટરીના મેનેજર હતાં. અમારી પાસે વિશાળ મકાન અને નોકરચાકર હતાં. શેલ્લીની બહેન શિતલ રાજા અર્જન કહે છે કે મને ભાંગ્યુ તૂટ્યું અંગ્રેજી આવડતું હતું. હું અંગ્રેજી શીખવા માટે ટોચના પોપ કલાકારો અને કોરોનેશન સ્ટ્રીટ જોતી હતી. આજે રાજા પરિવાર બોલ્ટનમાં પોતાનો કોમ્પ્યુટર બિઝનેસ, એકાઉન્ટન્સી કંપની અને નર્સિંગ હોમ્સ ધરાવે છે. રાજા પરિવાર કહે છે કે બોલ્ટનમાં અમને સારો આવકાર મળ્યો હતો. સ્થાનિક લોકોએ અમને ઘણી સહાય કરી જેના કારણે અમે ફરી એકવાર સારી રીતે સેટલ થઇ શક્યાં.
નદીઓમાં લાશો તરતી હતી અને સૈનિકો એશિયનોની શોધ ચલાવતા હતા – ભાવના પટણી
યુગાન્ડાથી બ્રિટન આવ્યા ત્યારે ભાવના પટણીની ઉંમર ફક્ત 13 વર્ષની હતી. તેઓ કહે છે કે નદીઓમાં લાશો તરતી હતી અને ઇદી અમીનના સૈનિકો એશિયનોની શોધ ચલાવતા હતા. ઇદી અમીને આદેશ જારી કર્યો ત્યારે હું કમ્પાલાની સ્કૂલમાંથી પિકનિક પર ગઇ હતી. ભાવના પટણીનો પરિવાર ટોરોરોમાં ઓઇલ અને શોપ ફેક્ટરી ચલાવતો હતો. ભાવના કહે છે કે અમે ઘરની થોડી વસ્તુઓ પેક કરીને વાયા કેન્યા પરિવારને મોકલવાની તૈયારી કરી હતી પરંતુ રેલવે સ્ટેશન પર અમારી જડતી લેવામાં આવી હતી. અમારા માટે તે અનુભવ અત્યંત ભયાનક હતો. ભાવના પટણી કહે છે કે ઇદી અમીને 90 દિવસના એ સમયગાળામાં એવી જાહેરાત કરી હતી કે એશિયન યુવતીઓને દેશ બહાર જવા દેવામાં નહીં આવે. જેના કારણે એશિયન સમુદાયમાં વ્યાપક ભય ફેલાયો હતો. હાલ કોવેન્ટ્રીમાં સ્થાયી થયેલો પટણી પરિવાર સ્પ્રિંગડેલ યોગર્ટ ફેક્ટરીનું સંચાલન કરે છે.
મારા પિતાને ઇદી અમીનના સૈનિકોએ બેફામ માર માર્યો હતો – ઝાક્યુ બેદાની
નુનિઆટોનમાં સેટલ થયેલા ઝાક્યુ બેદાની કહે છે કે શરૂઆતમાં તો અમે ઇદી અમીનની જાહેરાતને મજાકમાં લીધી હતી પરંતુ નવેમ્બર 1972માં અમારા પરિવારે મસાકા ટાઉન છોડી દીધું હતું. મસાકામાં ઇદી અમીનના સૈનિકોએ મારા પિતાને બેફામ માર માર્યો હતો કારણ કે તેમણે મિલિટરીના એક વાહનને ઓવરટેક કર્યું હતું. અમે નુનિઆટોનમાં આવનારા પહેલા યુગાન્ડન એશિયન હતા.
અમને અમારું સર્વસ્વ અને એક સુંદર દેશ છોડવાની ફરજ પડી હતી – સુરેશ શાહ
યુગાન્ડાના મસાકાથી બ્રિટનના કોવેન્ટ્રીમાં સ્થાયી થયેલા સુરેશ શાહ કહે છે કે અમારા ગ્રોસરી બિઝનેસ અને યુગાન્ડાને છોડવાનું દુઃખ આજે પણ વિસરાતું નથી. અમને અમારું સર્વસ્વ અને એક સુંદર દેશ છોડી દેવાની ફરજ પડાઇ હતી. કોવેન્ટ્રીમાં અમે પાંચ જ વર્ષમાં ઇન્ડિયન ગૂડ્સની શોપ શરૂ કરી અને આજે પણ હું તે ચલાવવામાં મદદ કરી રહ્યો છું.
હું ગર્ભવતી હતી અને મારે મારા પતિને મૂકીને યુગાન્ડા છોડવો પડ્યો હતો – સુધા વ્યાસ
સુધા વ્યાસ અને તેમના પતિ સુનિલ 1969થી યુગાન્ડાના કમ્પાલા શહેરમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. ઇદી અમીને ફતવો જારી કર્યો ત્યારે તેમની દીકરી સપના 20 મહિનાની હતી અને સુધા વ્યાસ ગર્ભવતી હતાં. તેઓ કહે છે કે મારી આરોગ્ય સ્થિતિને જોતાં મારા પતિએ મને સપનાની સાથે દેશ છોડી દેવા જણાવ્યું હતું. મારા માટે તે મુસાફરી અત્યંત ભયાનક સાબિત થઇ હતી. એરપોર્ટ જતા સુધીમાં ઇદી અમીનના સૈનિકોએ મને 3 વાર અટકાવીને મારી જડતી લીધી હતી. તેમણે મારો કેટલોક સામાન પણ લૂટી લીધો હતો. મને ભય હતો કે હું મારા પતિને ફરીવાર જોઇ શકીશ કે નહીં. મારી પાસે એકપણ પૈસો નહોતો. એરપોર્ટના ટોઇલેટનો ઉપયોગ કરવા માટે કે મારી દીકરી માટે પાણી ખરીદવા બે પેન્સ પણ મારી પાસે નહોતા.