નવી દિલ્હી: ભારતમાં મોદી સરકારે મંગળવારે તેના બીજા કાર્યકાળનું ચોથું બજેટ રજૂ કરતાં ઇન્ડિયા એટ ૧૦૦ એટલે કે ૨૦૪૭માં સંપુર્ણ આત્મનિર્ભર ભારતનો રોડમેપ રજૂ કર્યો હતો. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટથી ભારતના અમૃતકાળના પ્રારંભની ઘોષણા કરી હતી. ૨૫ વર્ષની આત્મનિર્ભર બનવાની દિશામાં આગામી ૨૫ વર્ષની યોજનાઓ તેમણે સંસદના પટલ પર મૂકી હતી. સીતારામને જણાવ્યું હતું કે, હાલ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ અને હવે અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યાં છીએ. હવે પછીના ૨૫ વર્ષ ભારતને ઇન્ડિયા એટ ૧૦૦ સુધી લઇ જશે. ચોક્કસ લક્ષ્યાંકો હાંસલ કરીને સરકાર પીએમ મોદીનું ઇન્ડિયાએટ ૧૦૦નું વિઝન સાકાર કરવા માગે છે.
તેમણે જણાવ્યું હતું કે, તમામનું કલ્યાણ ધ્યાનમાં રાખીને માઇક્રો-ઇકોનોમિક લેવલ પર ધ્યાન કેન્દ્રિત કરીને મેક્રો ઇકોનોમિક લેવલ હાંસલ કરાશે. ડિજિટલ ઇકોનોમી અને ફિનટેક, વિકાસ, એનર્જી ટ્રાન્ઝિશન અને ક્લાઇમેટ એક્શનને પ્રોત્સાહન આપીને લક્ષ્યાંકો હાંસલ કરાશે. તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ ભારતની આઝાદીને ૧૦૦ વર્ષ પૂરા થા ત્યાં સુધીના આગામી ૨૫ વર્ષા અમૃતકાળમાં અર્થતંત્રને વેગ આપવાનો પાયો નાખે છે.
બજેટ ઊડતી નજરે
ઇન્કમટેક્સ
- ઇન્કમટેક્સના સ્લેબમાં કોઇ બદલાવ નહીં
- આઇટીઆરની ભૂલ બે વર્ષમાં સુધારી શકાશે
- અઘોષિત આવક પર સેટ ઓફ રદ
- રાજ્ય સરકારના કર્મીઓને એનપીએસમાં 14 ટકા યોગદાન
રોજગાર
- ૧૪ ક્ષેત્રમાં શરૂ કરાયેલી પીએલઆઇ સ્કીમ વધારાશે
- ૬૦ લાખ નવી નોકરીઓ આપવાનો પ્રયાસ
- આગામી ૧૦ વર્ષમાં ૩૦ લાખ નવી નોકરી મળશે
સંરક્ષણ
- ૫.૨૫ લાખ કરોડનું બજેટ
- ૬૮ ટકા હિસ્સો ઘરેલુ ઉત્પાદન પાછળ ખર્ચાશે
- ૨૫ ટકા હિસ્સો પ્રાઇવેટ કંપનીઓને રિસર્ચ માટે અપાશે
જીએસટી અને જીડીપી
- ઇકોનોમી ૯.૨ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ
- જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન ૧ લાખ ૪૦,૦૦૦ કરોડને પાર
એજયુકેશન
- એક ક્લાસ-એક ટીવી, ચેનલ ૧૨થી વધારી ૨૦૦ કરાશે
- વ્યાવસાયિક શિક્ષણ માટે ડિજિટલ યુનિવર્સિટી
- બે લાખ આંગણવાડીમાં સોલર એનર્જીનો ઉપયોગ થશે
રેલવે
- ૩ વર્ષમાં ૧૦૦ કાર્ગો ટર્મિનલ
- ૩ વર્ષમાં ૪૦૦ વંદે ભારત ટ્રેન
- ૨૦૦૦ કિમી રેલ નેટવર્ક કવચ ટેકનોલોજીમાં સમાવાશે
આમ આદમી
- ૪૮,૦૦૦ કરોડના ખર્ચે ૮૦ લાખ મકાન
- ૧.૫ લાખ ટપાલ કચેરીમાં કોર બેંકિંગ અને એટીએમ