ઇન્ડોનેશિયાના નાગરિકોને મફત વિઝાઃ સિંગાપોર સાથે ૧૪ કરાર

Wednesday 06th June 2018 05:59 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપુર, મલેશિયા અને ઇન્ડોનેશિયાની મુલાકાત લઇને બીજી જૂને ભારત પરત પહોંચી ગયા છે. જોકે ત્રણ દિવસમાં તેમણે ત્રણ દેશોની ઉડતી મુલાકાત લઇને ટોચના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
પ્રવાસ દરમિયાન ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુર સાથે કેટલાક કરારો પણ કરાયા હતા. ઇન્ડોનેશિયાના નાગરિકોને ભારતમાં આવવું હોય તો એક મહિનાના મફત વિઝાની પણ જાહેરાત કરાઇ છે. પ્રવાસના અંતિમ ચરણમાં તેમણે સિંગાપુર સાથે સંરક્ષણ અને શિક્ષણ સહિત ૧૪ કરારો કર્યા હતા.
સિંગાપુરમાં મોદી અમેરિકાના સંરક્ષણ પ્રધાન જિમ મેટ્ટીસને પણ મળ્યા હતા અને તેમની સાથે સુરક્ષા સંબંધી વિવિધ મુદ્દાની ચર્ચા કરી હતી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ પણ હાજર રહ્યા હતા. ચાર કલાક સુધી આ બેઠક ચાલી હતી.
સંબોધનમાં મોદીએ એશિયામાં ભારતના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો સાથે સાથે જ ચીન અને ભારત બન્ને મળીને વિશ્વનું ભવિષ્ય વધુ ઉજળુ બનાવવાની ક્ષમતા ધરાવતા હોવાનું પણ જણાવ્યું હતું. મેટ્ટીસે પણ જણાવ્યું હતું કે બન્ને દેશ સાથે મળીને મહત્વનાં પગલા લઇ રહ્યા છે.

દરિયાઇ માર્ગે પણ જોડાણ

મોદીએ સિંગાપુરના સંરક્ષણ પ્રધાન મેડ માલીકી ઓસ્માન સાથે ચાંગી નેવલ બેઝની મુલાકાત લીધી હતી. મોદીએ આ મુલાકાતની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સિંગાપુર અને ભારત માત્ર જમીન જ નહીં, સમુદ્રથી પણ એકબીજાની સાથે જોડાયેલા છે.
સિંગાપુરમાં મોદીએ ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી. અહીંના હિંદુ-બૌદ્ધ મંદિર તેમજ મસ્જિદની પણ તેમણે મુલાકાત લીધી હતી. અહીંના પ્રખ્યાત શ્રી મારીઅમ્મા મંદિરમાં ચાલતી પ્રાર્થનામાં પણ મોદીએ ભાગ લીધો હતો. સિંગાપુરનું આ સૌથી જૂનું હિંદુ મંદિર છે. મંદિરના પુજારીએ મોદીને સોનેરી ચાદર અર્પણ કરી હતી. ૧૮૨૭માં બનાવવામાં આવેલું આ મંદિર અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. મોદીએ સિંગાપુરમાં ગાંધીજીનું પ્લેકનું પણ અનાવરણ કર્યું હતું. દરમિયાન મોદીએ સિંગાપુરમાં આવેલા ચુલિયા મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. ૧૮૨૬માં બનાવાયેલી આ મસ્જિદને પણ ભારત સાથે સંબંધ છે. સિંગાપુર ગયેલા ભારતના મુસ્લિમ વ્યાપારીઓએ આ મસ્જિદ બનાવી હતી. અહીં મોદી લીલા કલરની ચાદર પહેરીને ગયા હતા. બાદમાં મોદી અહીં આવેલા બુદ્ધ મંદિર બુદ્ધા ટુથ કેલીકમાં ગયા હતા.

ભારત-ચીન સાથે કામ કરે

વડા પ્રધાન મોદીએ શાંગરી-લા ડાયલોગમાં ભારત-ચીનને સાથે મળીને કામ કરવાનો અનુરોધ કર્યો હતો. શાંગરી-લા ડાયલોગમાં ભાષણ કરનાર મોદી પહેલા ભારતીય વડા પ્રધાન છે. મોદીએ કહ્યું કે ભારત અને ચીન એકબીજા પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે કામ કરે તો એશિયા અને દુનિયાનું ભવિષ્ય ઉજ્જ્વળ અને સુખમય હશે. મોદીની ચીનના વડા શી જિનપિંગ સાથેની વાતચીત પછી તેમનું આ નિવેદન મહત્ત્વનું અને સૂચક મનાઈ રહ્યું છે.
મોદીએ રોબોટ મહિલા સાથે વાતચીત કરી હતી. મોદીએ દરિયાઈ વેપારનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે ભારતની દરિયાઈ પહોંચ હવે સેશલ્સથી ઇન્ડોનેશિયા સુધી મહત્ત્વનાં ૪ બંદરો સુધી પહોંચી છે. ૨૧મી સદી એશિયાની હશે અને આ માટે ઉદ્યોગોએ મહત્ત્વની કામગીરી કરીને તેમનું યોગદાન આપવું પડશે. ભારતીય કંપનીઓ વેપારને વિકસાવવા માટે સિંગાપુરનો સ્પ્રિંગની જેમ ઉપયોગ કરે છે તેમ મોદીએ કહ્યું હતું.

મોદીએ ખરીદી કરી

મોદીએ સિંગાપુરમાં આવેલા ભારતીય હેરિટેજ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાંથી તેમણે પ્રખ્યાત મધુબાની પેઇન્ટિંગની ખરીદી કરી હતી. આ પેઇન્ટિંગની ખરીદી કરવા માટે મોદીએ રુપે કાર્ડનો ઉપયોગ કર્યો હતો. ભારત-નેપાળમાં મધુબાની કળા બહુ જ પ્રખ્યાત છે. સિંગાપુરમાં રુપેની મદદથી દરેક યુઝર્સ પોતાની ખરીદીનું બિલ ચુકવી શકે છે.

એક ફુલને મોદીનું નામ

સિંગાપુરમાં મોદીને સન્માનિત કરવા માટે એક સુગંધિત ફુલને ‘નરેન્દ્ર મોદી’ નામ અપાયું હતું. આ અંગે સિંગાપુર સરકારે સત્તાવાર જાહેરાત કરી છે. આમ હવે અહીંનું પ્રખ્યાત ઓર્કિડને મોદી નામે ઓળખાશે. મોદીએ સિંગાપુરમાં આવેલા રાષ્ટ્રીય ઓર્કિડ ગાર્ડનની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતની યાદમાં ફુલને મોદીનું નામ અપાયું હતું.

કુંભ મેળામાં આવવા આમંત્રણ

ઇન્ડોનેશિયાની રાજધાનીમાં જકાર્તાના કન્વેન્શન સેન્ટરમાં સંબોધન કરતી વેળાએ મોદીએ ઇન્ડોનેશિયન નાગરિકો માટે ભારતના મફત વિઝાની જાહેરાત કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે તમારામાંથી ઘણા લોકોને ભારત વિશે ઓછી માહિતી હશે, હું તમને આમંત્રિત કરુ છું કે તમે પણ ભારત આવો અને ન્યૂ ઇન્ડિયા વિશે વધુ જાણકારી મેળવો.
મોદીએ વક્તવ્યમાં કુંભ મેળા અંગે પણ જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આગામી વર્ષે પ્રયાગમાં શરૂ થનારા કુંભ મેળામાં પણ ઇન્ડોનેશિયાના નાગરિકો જોડાઇ શકે છે હું તમને આમંત્રણ પણ આપી રહ્યો છું. બન્ને દેશો વચ્ચે આશરે ૧૫ જેટલા કરારો પણ થયા છે. જેમાં એકબીજાની સાથે સંરક્ષણ સંબંધોને વધુ મજબુત બનાવવા, વ્યાપારનો વ્યાપ વધારવો વગેરેનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter