મુંબઈ,કમ્પાલા, લંડનઃ ઇલા પોપટ છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી ભારતમાં રહે છે. અહીં જ તેમના લગ્ન થયાં, બાળકો પણ પ્રાપ્ત કર્યાં. તેમની પાસે ભારતનું ડ્રાઇવિંગ લાયસન્સ અને મતદાર ઓળખપત્ર પણ છે પરંતુ પાસપોર્ટ ન હોવાના કારણે તેઓ વિદેશ પ્રવાસ કરી શક્તાં નથી. જે તેમને સ્ટેટલેસ બનાવે છે. ઇલા પોપટે હવે પાસપોર્ટ મેળવવા માટે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી છે.
66 વર્ષીય ઇલા પોપટનો જન્મ 1955માં યુગાન્ડામાં થયો હતો અને 10 વર્ષની ઉંમરે તે માતાના પાસપોર્ટ પર જહાજ દ્વારા ભારત આવ્યા હતાં. તેઓ છેલ્લા ઘણા દાયકાઓથી પાસપોર્ટ હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ ભારત, યુગાન્ડા અને બ્રિટનમાંથી કોઇ દેશ તેમને પાસપોર્ટ જારી કરવા તૈયાર નથી. તેના કારણે તેઓ આ ત્રણે દેશ માટે સ્ટેટલેસ બની રહ્યાં છે. ઇલા પોપટ કહે છે કે જ્યારે પણ મેં મારા પાસપોર્ટ માટે અરજી કરી ત્યારે આ દેશો મારી નાગરિકતા પર સવાલો કરી રહ્યાં છે અને અહીં જ મારા પાસપોર્ટનો મામલો અટવાતો આવ્યો છે.
ઇલા પોપટના પિતાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો અને તેઓ 1952માં યુગાન્ડા રોજગાર માટે પહોંચ્યા હતા. થોડા વર્ષો પછી તેમના પિતાએ બ્રિટિશ પાસપોર્ટ હાંસલ કર્યો હતો. ઇલા પોપટનો જન્મ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળ્યાના 7 વર્ષ પહેલાં યુગાન્ડાના કામુલી ટાઉનમાં 1955માં થયો હતો. યુગાન્ડામાં પ્રવર્તતી રાજકીય અંધાધૂંધી,બંધારણ નાબૂદી અને કટોકટીના કારણે ઇલા પોપટ તેમની માતા અને નાના ભાઇ સાથે ભારત આવી પહોંચ્યા હતા. ઇલા પોપટ કહે છે કે હું માઇનોર તરીકે ભારત આવી હતી અને મારું નામ મારી માતાના પાસપોર્ટમાં નોંધાયેલું હતું. મારી માતાના પાસપોર્ટમાં British Protected Person લખેલું હતું.
ભારતમાં ઇલા પોપટનો પરિવાર પહેલાં પોરબંદરમાં રહેતો હતો પરંતુ 1972માં મુંબઇ સ્થળાંતર કરી ગયો હતો. 1977માં ઇલા પોપટના લગ્ન થયાં હતાં. 1997માં ઇલા પોપટે ભારતની નાગરિકતા માટે અરજી કરી હતી. તેમણે સિટિઝન એક્ટ 1955 અંતર્ગત ભારતીય નાગરિક સાથે લગ્ન અને ભારતમાં વસવાટના 7 વર્ષ પૂરા થયા હોવાની દલીલ કરીને નાગરિકતાની માગ કરી હતી પરંતુ તેમની અરજી ભારત સરકાર દ્વારા નકારી કઢાઇ હતી. ઇલા પોપટના માતાપિતા બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હતા તેથી તેમણે મુંબઇ સ્થિત બ્રિટિશ હાઇકમિશનનો સંપર્ક કર્યો હતો પરંતુ બ્રિટિશ હાઇકમિશને તેમની બ્રિટિશ પાસપોર્ટ માટેની અરજી નકારી કાઢતા જણાવ્યું હતું કે, તેમના પિતા કે દાદા 1962 પછી બ્રિટન અથવા તો તેની કોલોનીઓમાં જનમ્યા નથી. ઇલા પોપટ યુગાન્ડાના નાગરિક બની શકે છે પરંતુ જો યુગાન્ડાની સરકાર તેમની અરજી નકારી કાઢે તો તેઓ સ્ટેટલેસ પર્સન ગણાશે. આટલા પ્રયાસોમાં પહેલીવાર ઇલા પોપટને સ્ટેટલેસ પર્સન ગણાવાયા હતા. ત્યાર પછીના દાયકાઓમાં ઇલા પોપટે ભારતીય પાસપોર્ટ મેળવવા માટે બે વાર અરજી કરી પરંતુ સત્તાવાળાઓ દ્વારા તેને નકારી કાઢવામાં આવી હતી.
ઇલા પોપટ કહે છે કે જો મને ઓછામાં ઓછો ટ્રાવેલ પાસપોર્ટ આપવામાં આવે તો હું બ્રિટનમાં વસવાટ કરતા મારા દાદાની મુલાકાત લઇ શકું. ઇલા પોપટના નાના ભાઇ પણ તેમના માતાપિતાની જેમ બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હતા. હાલ તેઓ વડોદરામાં રહે છે. જો આખો પરિવાર બ્રિટિશ પાસપોર્ટ ધરાવતો હોય તો ઇલા પોપટ કેમ નહીં? જવાબમાં તેઓ કહે છે કે અમે સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને વડીલો કહે તેમ જ પરિવારમાં થતું હતું. તેથી અમે કઇ ભૂલો કરી તે જાણવાની તક જ મળી નહોતી. 2015માં ઇલા પોપટની પાસપોર્ટ માટેની ત્રીજી અરજી નકારવામાં આવી ત્યારે ભારતીય સત્તાવાળાઓએ તેમને કહ્યું હતું કે તેમણે પહેલાં નાગરિકતા હાંસલ કરવી પડશે.
ઇલા પોપટ કહે છે કે અમને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું નહોતું. અમે વધુ જાણતા નહોતા અને એક પછી એક સરકારી કચેરીના ધક્કા ખાતા હતા. દરેક સ્થળે લોકો મને સ્ટેટલેસ કહેતાં અને મારા કેસને હોપલેસ ગણાવતા હતા. 2018માં ઇલા પોપટની દીકરીએ દિલ્હીસ્થિત યુગાન્ડન હાઇ કમિશન સમક્ષ તેમની માતાને નાગરિકતા કે પાસપોર્ટ આપવાની વિનંતી કરી હતી જેના આધારે તેઓ ભારતીય નાગરિકતા હાંસલ કરી શકે પરંતુ હાઇ કમિશને જણાવ્યું હતું કે, ભલે ઇલા પોપટનો જન્મ યુગાન્ડામાં થયો હોય પરંતુ તે ક્યારેય યુગાન્ડાના નાગરિક નહોતા. યુગાન્ડાના હાઇ કમિશને પણ ઇલા પોપટને સ્ટેટલેસ પર્સન તરીકે ભારતમાં નાગરિકતા માટે અરજી કરવાની સૂચના આપી હતી.
2019માં ઇલા પોપટે ફરી એકવાર ભારતની નાગરિકતા માટે અરજી કરી હતી પરંતુ તેને નકારી કઢાઇ હતી. સત્તાવાર આદેશમાં જણાવવામાં આવ્યુ હતું કે, ઇલા પોપટ યોગ્ય વિઝા અથવા તો પાસપોર્ટ વિના જ ભારતમાં વસવાટ કરી રહ્યાં છે જે 1955ના સિટિઝનશિપ એક્ટની શરતોનું પાલન કરતાં નથી. તેથી હવે ઇલા પોપટે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી છે. તેઓ કહે છે કે મારા પતિ, બાળકો અને પૌત્ર-પૌત્રીઓ ભારતીય છે. મારી પાસે આધાર સહિતના તમામ સરકારી દસ્તાવેજો છે. તેમ છતાં મને ભારતની નાગરિકતા અપાતી નથી.