ઇલોનનું વધુ એક અફેર: 4 સ્ત્રીઓ સાથે સંબંધોથી 13 સંતાન

Wednesday 19th February 2025 05:46 EST
 
 

આ ધરતી પરના સૌથી ધનાઢય વ્યક્તિનું બહુમાન ધરાવતા ઇલોન મસ્ક આમ તો વારંવાર સમાચારોમાં ચમકતા રહે છે, પરંતુ આજકાલ તેઓ અંગત કારણસર ચર્ચામાં છે. અમેરિકાની જાણીતી લેખિકા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર એશ્લે સેન્ટ કલેરે તેના પાંચ માસના સંતાનના પિતા મસ્ક હોવાનો દાવો કરીને હલચલ મચાવી છે.
એશ્લેએ મસ્કની માલિકીના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકી છેઃ પાંચ મહિના પહેલાં મેં નવજાત બાળકનું દુનિયામાં સ્વાગત કર્યું છે અને એલન મસ્ક તેના પિતા છે. તેણે વધુમાં લખ્યું હતુંઃ મેં અમારા સંતાનની પ્રાઈવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વાત પહેલાં જાહેર નહોતી કરી, પણ હવે ટેબ્લોઈડ મીડિયા બધું બહાર પાડી જ રહ્યું હોવાથી મારે આ વાત જાહેર કરવી પડી છે. હું અમારા સંતાનનો ઉછેર સામાન્ય અને સલામત માહોલમાં કરવા માગું છું તેથી મીડિયાને અમારા સંતાનની પ્રાઈવસી જાળવવા અને અમારી જિંદગીમાં દખલ થાય એવા રિપોર્ટિંગથી દૂર રહેવા કહું છું. આ પોસ્ટ સાથે જ એશ્લેએ હવે સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત કરી છે.
મસ્કે એશ્લેની પોસ્ટ પર કોઈ કોમેન્ટ કરવાનું ટાળીને ફક્ત ક્રાઈંગ લાફિંગ ઈમોજી મૂક્યું છે. આના પરથી લાગે છે કે એશ્લેની વાત સાચી છે અને મસ્ક તેના સંતાનનો પિતા છે.
એશ્લેના દાવાએ ચકચાર મચાવી છે, પણ કોઇને આંચકો નથી લાગ્યો કેમ કે મસ્ક તેની લફરાંબાજી માટે જાણીતો છે. દર ચાર-છ મહિને મસ્કનું કોઈને કોઈ અફેર બહાર આવે છે ને તેના સંબંધો ચર્ચામાં રહે છે. ગત 20 જાન્યુઆરીએ અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સમારોહમાં મસ્કે શિવોન ઝિલિસ સાથે જોવા મળ્યો હતો. મસ્ક અને શિવોન વચ્ચે છેલ્લાં દસકાથી સંબંધો હોવાનું કહેવાય છે. જોકે મસ્ક અગાઉ ક્યારેય શિવોન સાથે જાહેરમાં દેખાયો ન હોવાથી આ યુવતી કોણ છે એવો સવાલ ચર્ચામાં છવાયો હતો. શિવોન સાથે દેખાયો એ પહેલાં મસ્કનું ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે અફેર હોવાની વાતો જોરશોરથી ચાલી હતી. જોકે મેલોનીએ આ વાત નકારી કાઢી હતી.
દસથી વધુ અફેર, ત્રણ વખત લગ્ન
મસ્ક સમયાંતરે પત્ની અને પ્રેમિકાઓ બદલવા માટે વગોવાયેલો છે. તેનાં જાહેર અફેર્સની જ સંખ્યા દસથી વધારે છે. ખાનગી અફેર્સ વિશે તો મસ્ક જાણે અને તેની સાથે અફેર કરનાર જાણે. હોલીવૂડની ટોચની એક્ટ્રેસીસથી માંડીને ધનિકોની પત્નીઓ સાથેના મસ્કના લગ્નેતર સંબંધો સતત ગાજતા રહ્યા છે.
મસ્કે ત્રણ વાર લગ્ન કર્યાં છે ને તેમાં બે વાર તો એક જ યુવતી સાથે લગ્ન કર્યાં છે. આ પૈકી ત્રણ પાર્ટનરથી મસ્કને કુલ 12 સંતાનો હતા ને એશ્લેનો દાવો સાચો માનીએ તો હવે મસ્કના સંતાનનો આંકડો 13 પર પહોંચ્યો છે.
પ્રથમ લગ્નથી 5 સંતાન
મસ્કની પહેલી પત્ની જેનિફર જસ્ટિન વિલ્સન કેનેડિયન લેખિકા છે. મસ્કે તેની સાથે 2000માં લગ્ન કર્યાં. 2002માં પહેલું સંતાન જન્મ્યું, પણ બે માસમાં ગુજરી ગયું. આ પછી જસ્ટિન આઈવીએફથી માતા બની અને 2004માં જોડિયા પુત્રોને જન્મ આપ્યો. બે દીકરામાંથી એક ઝેવિયર હવે સેક્સ ચેન્જ સર્જરી કરાવીને છોકરી બનીને ઝેવિયર વિવિયન નામે રહે છે. આ પછી 2006માં જસ્ટિને ટ્રિપ્લેટ્સ એટલે કે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જસ્ટિન મસ્ક સાથેના લગ્નજીવનથી છ સંતાનોની માતા બની કે જેમાંથી 5 સંતાનો જીવે છે.
રિલી સાથે બે વખત લગ્ન, બે વખત ડિવોર્સ
મસ્ક અને જસ્ટિનના 2008માં ડિવોર્સ થયા કેમ કે મસ્કનું બ્રિટિશ અભિનેત્રી તાલુલાહ રિલી સાથે અફેર થઈ ગયું હતું. જસ્ટિનથી ડિવોર્સ મળતાં જ મસ્ક 2008માં જ વિધિવત રીતે રિલીને પરણી ગયો હતો. જોકે બે વર્ષમાં જ આ સંબંધથી ધરાઈ જતાં 2010માં ડિવોર્સ લઈ લીધા. ડિવોર્સ લીધા પછી રિલી વગર ના રહેવાયું એટલે 2011માં બંનેએ ફરીથી લગ્ન કર્યાં. રિલી સાથેના લગ્નથી મસ્કને કોઈ સંતાન ના થયું પણ રિલી સાથેના લગ્ન દરમિયાન જ 2012માં મસ્કનું એક્ટ્રેસ અંબર હર્ડ સાથે અફેર ચાલુ થઈ ગયું.
ડિવોર્સ બાદ એક પછી એક અફેર
આ મુદ્દે બબાલો થતાં 2014માં મસ્કે રિલીથી ડિવોર્સ લેવા અરજી કરવી પડી. આ દરમિયાન મસ્કનું એમ્બર હર્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ નતાશા બેસ્સેટ્ટ અને શિવોન ઝિલિસ સાથે પણ અફેર ચાલુ થઈ ગયું હતું. 2016માં રિલી સાથે ડિવોર્સ પછી મસ્ક એમ્બર હર્ડ સાથે જાહેરમાં દેખાવા માંડયો પણ 2017માં એમ્બરને પણ છોડી દીધી.
ગ્રાઇમ્સ સાથેના સંબંધથી 3 સંતાન
આ દરમિયાન મસ્કનું કેનેડિયન મ્યુઝિશીયન ગ્રાઈમ્સ સાથે અફેર શરૂ થયું. 2018માં ગ્રાઈમ્સે મસ્ક સાથેના સંબંધોની જાહેરાત કરી. મે 2020માં ગ્રાઈમ્સ-મસ્કના પહેલા દીકરાનો જન્મ થયો. ડિસેમ્બર 2021માં મસ્ક અને ગ્રાઈમ્સ સરોગસીથી દીકરીનાં માતા-પિતા બન્યાં. દીકરીના જન્મ પછી મસ્કે ગ્રાઈમ્સ સાથે બ્રેક-અપની જાહેરાત કરી પણ ત્રણ મહિના પછી બંને વચ્ચે સંબધો બંધાયા. ગ્રાઈમ્સે 2023ના સપ્ટેમ્બરમાં દીકરાને જન્મ આપ્યો ત્યારે મસ્કે તેના પિતા હોવાનો ઈન્કાર કરતાં ગ્રાઈમ્સે કેસ કરતાં મસ્કે કોર્ટ બહાર સમાધાન કરવું પડેલું. આ બધાં અફેર વચ્ચે મસ્કના ગુગલના સ્થાપક સર્ગેઈ બ્રિન્સની પત્ની નિકોલ શાનહાન સાથેના અફેરે પણ ચકચાર જગાવી હતી.
લાંબા સમયની સાથી શિવોન
પંજાબી માતા અને કેનેડિયન પિતાની દીકરી શિવોન સાથે મસ્કનું અફેર દસ વર્ષથી ચાલે છે. શિવોન સાથેના સંબંધથી મસ્ક ત્રણ સંતાનનો પિતા બન્યો છે. જુલાઇ 2022માં શિવોને આઈવીએફથી જોડિયા દીકરાઓને જન્મ આપેલો. 2024માં શિવોન મસ્કના ત્રીજા સંતાન એવી દીકરીની માતા બની હતી. મસ્કે ગયા મહિને જ શિવોન સાથેના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરેલો ત્યાં હવે નવું અફેર બહાર આવી ગયું છે. મસ્કનો સ્વભાવ જોતાં આ તેનું છેલ્લું અફેર નહીં જ હોય એ કહેવાની જરૂર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter