શ્રી હરિકોટા: ચંદ્રયાન-3એ ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિગ કર્યાના નવ દિવસ બાદ ઇસરોએ વધુ એક જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના પ્રથમ સોલર મિશન આદિત્ય-L1નું શનિવારે સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી પીએસએલવી C57 રોકેટ દ્વારા સફળ લોન્ચિંગ કરાયું હતું. આ સાથે જ ભારત આવી સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. Aditya-L1 અંતરિક્ષ આધારિત ભારતીય વેધશાળા છે, જે સૂર્યનો અભ્યાસ કરશે. 125 દિવસના પ્રવાસ બાદ સૂર્ય નજીક પહોંચનારો Aditya-L1 દર 24 કલાકે સૂર્યની 1140 તસવીરો ઇસરોને મોકલશે.
ઇસરોએ જણાવ્યું હતું કે 1475 કિલો વજન ધરાવતો આદિત્ય-L1 ઉપગ્રહ 15 લાખ કિમીનું અંતર કાપીને સૂર્ય નજીક પહોંચશે. ઇસરોએ જણાવ્યું કે આદિત્ય-L1ને પૃથ્વીથી 15 લાખ કિમીના અંતરે L1પોઇન્ટ તરીકે ઓળખાતા લેગ્રેગિયન પોઇન્ટ નજીક હેલો ઓર્બિટમાં સ્થાપિત કરાશે. તેનાથી સોલર એકિટવિટીઝ અને અવકાશના હવામાનની અસર અંગે રિયલ ટાઇમ અપડેટ્સ મળશે. આ મિશન પાછળ અંદાજે 420 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.
L1 પોઇન્ટની પસંદગીનું કારણ
આદિત્ય-L1ને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવેલા હેલો ઓર્બિટમાં સ્થાપિત કરાશે. L1 પોઈન્ટની ચારેતરફની ઓર્બિટને હેલો ઓર્બિટ કહેવાય છે. અહીં રાખવામાં આવનારી મશીનરી અને સાધનોને સૂર્યના કોઇ ગ્રહણની માઠી અસર થશે નહીં. આનાથી રિયલ ટાઈમ સોલાર એક્ટિવિટી અને અંતરિક્ષમાં મોસમ પર નજર રાખી શકાશે. હેલો ઓર્બિટમાં L1 પોઈન્ટ ખાતે સૂર્ય તેમજ પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણનું બેલેન્સ રહે છે અને સેન્ટ્રીફયુગલ ફોર્સ બને છે. આથી અહીં રાખવામાં આવતો પદાર્થ સ્થિર રહે છે. એનર્જી ઓછી વપરાય છે, અને એકદમ નજીકથી સૂર્યની ગતિવિધિનું અવલોકન થઇ શકે છે.
દરરોજ 1,440 તસવીરો મળશે
આદિત્ય-L1નું પ્રાથમિક ઉપકરણ વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VFLC) ચોક્કસ ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી વિશ્લેષણ માટે ગ્રાઉન્ડ સ્ટેશનને રોજ 1440 તસવીરો મોકલશે. આદિત્ય-L1ના સાધનો સૂર્યના કોરોનાની ગરમી, સૂર્યની સપાટી પર ધરતીકંપ અથવા કોરોનલ માસ ઇજેક્શન, સૂર્યની જ્વાળા સંબંધિત પ્રવૃત્તિઓ અને તેમની લાક્ષણિકતાઓને સમજવા મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી શકે છે. ગતિશીલતા અને અવકાશ હવામાનની સમસ્યાઓ પ્રદાન કરશે.
તમામ સાતેય પેલોડ સ્વદેશી
આદિત્ય-L1ના તમામ 7 પેલોડ સ્વદેશી છે, જે ઇસરો તથા અન્ય સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયા છે. તેમાંથી ચાર સૂર્યને સીધો જોશે અને તેનો અભ્યાસ કરશે જ્યારે બાકીના ત્રણ L1 પોઇન્ટ આસપાસના પાર્ટિકલ્સ અને ફિલ્ડ્સનો અભ્યાસ કરશે. સૂર્ય સૌથી નજીકનો તારો હોવાથી તેનો વધુ વિગતવાર અભ્યાસ થઈ શકે તેમ છે. સૂર્યનો અભ્યાસ કરીને આકાશગંગા તેમજ અન્ય આકાશગંગાઓના તારાઓ વિશે ઘણું જાણી શકાશે.