ભારતીય કોમ્યુનિટીની સફળતા બાબતે આજે ઘણું લખવામાં આવે છે જેના કારણોમાં મોટા ભાગે આપણી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ, સારા વેતન સાથેની પ્રોફેશનલ નોકરીઓ પ્રાપ્ત કરવાની ક્ષમતા, માલિકીના ઘર તેમજ અન્ય વંશીય કોમ્યુનિટીઓની સરખામણીએ ગુનાખોરીનો નીચો દર વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય મૂળના આપણા ચાન્સેલરનો ભાવિ વડા પ્રધાન તરીકે ઉલ્લેખ કરાતો રહે છે જ્યારે, મસાલેદાર કરી તો સમગ્ર દેશની ડિશ બની રહી છે. રિચ લિસ્ટ્સમાં ભારતીય નામો અગ્રસ્થાનોએ જોવાં મળે છે અને સમગ્ર ઈન્ડસ્ટ્રી, પોલિટિક્સ અને મીડિયામાં તેઓ ઉચ્ચ સ્થાનો પર બેઠેલા દેખાય છે. આપણી કોમ્યુનિટીનો ઉલ્લેખ ‘આદર્શ લઘુમતી’ તરીકે કરાતો રહે છે અને સફળ બહુસાંસ્કૃતિક એકતાના નમૂના તરીકે તેનું પ્રદર્શન થતું રહે છે.
આ સફળતાનો યશ મુખ્યત્વે સત્તાના ગલિયારાઓમાં ભારતીયોનો અવાજ બની રહેલી કોમ્યુનિટીના મજબૂત પીઠબળ સાથેની સંસ્થાઓની કામગીરીને પણ જાય છે. શરુઆતના સમયમાં આ પ્રકારની સ્થપાયેલી એક સંસ્થા ઈન્ડિયા લીગ છે જેની સ્થાપના ૧૯૨૮માં થઈ હતી. મૂળભૂતપણે તો તેની સ્થાપનાનો ઉદ્દેશ ‘અવિભાજીત ભારત’ની સ્વતંત્રતા હાંસલ કરવાનો તેમજ શરુઆતની ઈમિગ્રન્ટ વસ્તી બ્રિટિશ સમાજમાં વસવાટ કરે અને સમૃદ્ધ બને તેની ચોકસાઈ રાખવાનો હતો.
ઈન્ડિયા લીગ વાસ્તવમાં ધર્મનિરપેક્ષ – બિનસાંપ્રદાયિક સંસ્થા હતી અને તેનું માનવું હતું કે રાજકારણ અંધવિશ્વાસ નહિ પરંતુ, સંવાદને આધારિત હોવું જોઈએ. આનું ઉદાહરણ એ છે કે નોબેલ પારિતોષિક વિજેતા અને નિરીશ્વરવાદી-નાસ્તિક બર્ટ્રાન્ડ રસેલ ૧૯૩૨થી ૧૯૩૯ સુધી તેના અધ્યક્ષપદે હતા. તેઓ ભારતના પ્રથમ વડા પ્રધાન નેહરુના ગાઢ મિત્ર વી.કે. કૃષ્ણ મેમનની નેતાગીરીને અનુસર્યા હતા. લીગ ગાંધીજી સાથે સતત પત્રસંપર્કમાં હતી અને ૧૯૬૮માં તેણે લંડનના ટાવિસ્ટોક સ્ક્વેરમાં ગાંધીજીની યાદમાં એક પ્રતિમા સ્થાપવા ભંડોળની રચના કરી હતી. આ પરંપરા ચેરમેન સી.બી. પટેલ દ્વારા આજે પણ જીવંત રાખવામાં આવી છે.
ભારતકેન્દ્રિત હોવાની સાથે જ લીગ સર્વસમાવેશી, બહુવંશીય તેમજ તમામ આધ્યાત્મિક પરંપરાઓને આદરમાન આપતી રહી છે. તેઓ આયોજનબદ્ધ, બુદ્ધિશાળી અને સમર્પિત છે જેમણે ઘણા દાયકાઓ સુધી સંસ્થાને યુકેમાં ‘ભારતીય’ સંસ્થા બનાવેલી રાખી, ભારતીય સભ્યતા-સંસ્કૃતિ માટે કાળજી સાથે તેના મૂલ્યો, કથાઓ અને ફીલોસોફી સંસ્થાનવાદની પકડમાંથી બહાર આવી તેનો પ્રસાર થાય તેની પણ કાળજી રાખી હતી.
બ્લેક લાઈવ્ઝ મેટર જેવાં આંદોલનોના પરિપ્રેક્ષ્યમાં આપણે આપણી કોમ્યુનિટીની સાપેક્ષ સફળતાને સમજવા માગીએ છે ત્યારે ઈન્ડિયા લીગની ભાવના આજે પણ એટલી જ બંધબેસતી છે. એકતાના પુરાવાઓ નકારી શકાય તેમ નથી છતાં, આ પ્રક્રિયા સંપૂર્ણ હોવા વિશેનો પ્રશ્ન તો ઉભો જ રહે છે. શું આપણે બ્રિટિશ સમાજ-જીવનના પોતમાં, એકતાથી પણ આગળ સમરસ, એટલાં ગુંથાઈ ગયા છીએ કે ભારતીય હોવું તે પ્રગતિ અથવા સમૃદ્ધિ સુધીની પહોંચમાં મર્યાદા-અવરોધ રહ્યું નથી?
તાજેતરમાં જ બ્લેક લાઈવ્ઝ મેટરના દેખાવો આ પ્રશ્ન પર રસપ્રદ પ્રકાશ પાડી શકે છે. આ ચળવળનું એક મહત્ત્વનું લક્ષણ અશ્વેત કોમ્યુનિટી વિશે ઈક્વલિટીઝ ડેટાની ભાગીદારી કરવાનું રહ્યું હતું જેના થકી હજુ કેટલું કાર્ય કરવાનું બાકી છે તે જાણી શકાયું હતું. એક અન્ય ટકાઉ લક્ષણ યુવા વર્ગ દ્વારા ભૂતકાળમાં ઝાંખવા, ઈતિહાસના કષ્ટદાયી તથ્યો-સત્યોને સ્વીકારવા અને સમજવા તેમજ તેના સમજપૂર્વક ઉપયોગથી વધુ સારા ભવિષ્યનો માર્ગ કેવી રીતે કંડારી શકાય, તેની હાકલનું રહ્યું છે. આ સાથે અશ્વેત સમુદાય પોતાના વિસ્તૃત વૃતાંતોને સુધારી અને આજે તેમને દેખાતા અન્યાયોની ચર્ચા કરી રહેલ છે.
આપણી કોમ્યુનિટીને આ બોધપાઠ લાગુ કરવાથી આપણા પોતાના વૃત્તાંતોને વધુ સારી રીતે સમજવા હજું શું કરવાનું રહે છે તે બરાબર જાણી શકાશે. ભારતીય કોમ્યુનિટીની સંબંધિત સફળતા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આપણે હજુ યુકેમાં ભારતીયો અને ખાસ કરીને, જે ‘વૈશ્વિક નાગરિક’ હોવાના વર્ણનો સાથે પોતાની ઓળખને સતત પ્રસ્થાપિત કરી રહેલી તેમજ મિશ્ર વારસાની સંભાવના ધરાવતી યુવા વસ્તીના જટિલ દૃષ્ટિકોણો વિશે જાણવા-શોધવાનું છે. વર્તમાન પોલિંગ એજન્સીઓ અને સરકાર આવા સંપર્કોના ખર્ચાને અવરોધાત્મક માને છે ત્યારે ભારતીય વસ્તી સાથે વ્યાપકપણે પરામર્શ કરાયો ન હોવાથી આમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી. આના પરિણામે, અભ્યાસો હંમેશાં નમૂનારુપ પ્રતિનિધિત્વ ધરાવતા રહ્યા નથી અને વધુ વિશ્લેષણ માટે સેમ્પલના કદ મોટા હોય તે જરુરી છે.
સત્ય તો એ છે કે સ્થળાંતરોની વિવિધ કથાઓ, ભાષાઓ, સામાજિક મૂડી, શિક્ષણના અનુભવો અને સેવાઓની પહોંચ સાથે વ્યક્તિઓની કોમ્યુનિટી તરીકે યુકેમાં ભારતીય અનુભવ ગૂંચવણભરેલો- જટિલ છે. ખરેખર શું ચાલી રહ્યું છે તે સમજવા પડદા નીચે ઝાંખતા અટકાવવા માટે સફળતાની આડશનો ઉપયોગ કરવો સહેલો છે. સારા ડેટા-માહિતી તેમજ આપણા ઈતિહાસની વધુ સારી સમજનું મહત્ત્વ આ અગાઉ કદી વધુ સુસંગત જણાયું નથી. આથી જ, યુકેમાં ભારતીયોના સદા વિકાસ પામી રહેલા ઈતિહાસના સાક્ષીરુપ રહેલી ઈન્ડિયા લીગને વર્તમાન સંદર્ભમાં સજાગ નેતૃત્ત્વ સંભાળવા માટે પુનઃ ચેતનવંતી બનાવવામાં આવે તેનાથી વધુ યોગ્ય શું કહેવાય?
વર્તમાનમાં ઈન્ડિયા લીગ તેમના નિષ્પક્ષતા, અનેકત્વ અને સંવાદના મૂળભૂત સિદ્ધાંતો –મૂલ્યોના પાલન સાથે બ્રિટિશ ભારતીયો અને ભારત વિશે મહત્ત્વપૂર્ણ વિચારો માટે પ્લેટફોર્મ તરીકે કાર્ય કરી શકે. એક સમયે તેણે સ્વતંત્ર ભારતની હિમાયત કરી હતી અને હવે તેનો ઉપયોગ બંધબેસતા ઉપાયોની ખોજ માટે ડેટા અને સંશોધનના સહારે સમકાલીન સાંપ્રત સમસ્યાઓના ઉકેલ માટે થઈ શકે છે. લીગ દ્વારા યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સહકારથી બ્રિટિશ ઈન્ડિયન સેન્સસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં ૧.૫ મિલિયન બ્રિટિશ ભારતીય વસ્તીના પ્રતિનિધિરુપ સેમ્પલનો સર્વે કરાશે તેમજ બ્રિટિશ ભારતીયો માટે મહત્ત્વના ચાવીરુપ મુદ્દાઓની ઓળખ કરવાની સાથોસાથ કોમ્યુનિટીના વારસા, ઓળખ, માન્યતાઓ અને વર્તણૂકની વૈવિધ્યતાનો પણ અભ્યાસ કરવામાં આવનાર છે. નમૂનારુપ ડેટાના અભાવના મુદ્દાને હલ કરવા ઈન્ડિયા લીગ બ્રિટનસ્થિત ભારતીયોનો સીધો જ સંપર્ક કરવા ધારે છે જેમાં, તેઓ પોતાના જીવન તેમજ વર્તમાન સમસ્યાઓ વિશે પોતાના વિચારોનું તાદૃશ્ય ચિત્રણ કરી શકે. બ્રિટિશ ઈન્ડિયન સેન્સસ ડેટાના આધારે આધારભૂત બ્રિટિશ ઈન્ડિયન રિપોર્ટનો પાયો તૈયાર થશે, જે ૨૦૨૦માં કોમ્યુનિટીનું આબેહૂબ ચિત્ર રજુ કરશે.
ઐતિહાસિક બ્રિટિશ ઈન્ડિયન સેન્સસમાં ભાગ લેવા https://www.indialeague.org/british-indian-census ની મુલાકાત અવશ્ય લેશો.