ઈમરાને ખુરશી બચાવવા કારસો તો રચ્યો, પણ જનરલ બાજવાએ બાજી ઊંધી વાળી દીધી

Friday 15th April 2022 06:10 EDT
 
 

ઈસ્લામાબાદ: પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ટાળીને સત્તા બચાવવા માટે શનિવારે ભારે હવાતિયા માર્યા. મતદાન ટાળવા માટે વારંવાર સંસદ મુલતવી રખાઈ હતી. પાકિસ્તાની સૈન્ય તથા સુપ્રીમ કોર્ટને મતદાનમાં વિલંબ સામે કોઈ વાંધો નહોતો, પરંતુ ઈમરાને આર્મી ચીફ જનરલ કમર બાજવાની હકાલપટ્ટીનો આદેશ આપતાં મોડી રાત્રે પાકિસ્તાની સૈન્ય, ચૂંટણી પંચ, ઈસ્લામાબાદ કોર્ટ, સુપ્રીમ કોર્ટ અચાનક જ સક્રિય થયા હતા અને ઈમરાનની વિદાય નિશ્ચિત કરી હતી.
ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે મતદાન ટાળવા માટે સૌથી પહેલાં વિદેશી કાવતરાંનું કારણ રજૂ કર્યું હતું અને આ મુદ્દે જ તે વારંવાર સંસદ મુલતવી રાખતા હતા. પાકિસ્તાની એસ્ટાબ્લિશમેન્ટ પણ ખાનનો આ દાવો સ્વીકારવા તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, ઈમરાન ખાને આર્મી ચીફ જનરલ કમર બાજવાની હકાલપટ્ટીનો આદેશ આપી સત્તા બચાવવાનો પ્રયાસ કરતાં પાકિસ્તાની સૈન્ય નારાજ થઈ ગયું હતું.
અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન પહેલાંના કેટલાક કલાકોની માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈમરાન ખાને અંદાજે રાત્રે 8.00 વાગ્યે જનરલ કમર બાજવાની હકાલપટ્ટીનો નિર્ણય કર્યો અને સંરક્ષણ મંત્રાલયને બાજવાને પદ પરથી દૂર કરવા તથા લેફ. જનરલ ફૈઝ હમીદની નવા ચીફ ઓફ આર્મી સ્ટાફપદે નિમણૂક કરવા એમ બે નોટિફિકેશન જાહેર કરવા જણાવ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયમાંથી બંને નોટિફિકેશન કાયદા મંત્રાલયમાં મોકલવાના હતા. આ નોટિફિકેશન વડા પ્રધાન ઈમરાન અને ત્યાંથી રાષ્ટ્રપતિ સુધી પહોંચવાના હતા. ઈમરાન ખાનનો વિશ્વાસુ કાયદા મંત્રાલયમાં નોટિફિકેશન મેળવવા હાજર હતો. હકીકતમાં ઈમરાન ખાન ફૈઝ હમીદને આર્મી ચીફ બનાવીને એમક્યુએમ, બીએપી સહિતના રાજકીય પક્ષોને પોતાની તરફેણમાં કરવા માગતા હતા. આ રીતે તેઓ અવિશ્વાસની દરખાસ્તના મતદાનમાં જીતવા માગતા હતા. પરંતુ જનરલ બાજવાએ બંને નોટિફિકેશનને કાયદા મંત્રાલય પહોંચતા જ અટકાવી દીધા. આ પછી બાજવા અને આઈએસઆઈના ડિરેક્ટર જનરલ નદીમ અંજુમન આર્મી હેલિકોપ્ટરમાં પીએમ હાઉસ પહોંચ્યા હતા. ઇમરાન એવા જ ભ્રમમાં હતા કે ફૈઝ હમીદ હેલિકોપ્ટરમાં આવ્યા છે, પરંતુ જનરલ બાજવા અને આઇએસઆઇ વડા આવ્યાની જાણ થતાં જ તેમને સમજાઇ ગયું હતું કે તેની બાજી ઊંધી વળી ગઇ છે.
જનરલ બાજવાના પીએમ હાઉસ પહોંચતા પહેલાં સમગ્ર ઈસ્લામાબાદમાં હાઈ એલર્ટ અપાઈ હતી. ૩૬ આર્મી વાને પીએમ હાઉસ ઘેરી લીધું. રાતોરાત ઈસ્લામાબાદ હાઈ કોર્ટ અને ચૂંટણી પંચની ઓફિસો ખૂલી ગઈ.
જનરલ બાજવાએ ઈમરાનને કહ્યું કે, ચૂંટણી પંચે તેમની સામે વિદેશી ભંડોળનો કેસ ખોલવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આખી કેબિનેટની ધરપકડ કરાશે. ત્યાર પછી ઈમરાનને તાત્કાલિક અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન કરવા જણાવાયું હતું. પરંતુ સ્પીકર અસદ કૈસરે મતદાન કરાવવાનો ઈનકાર કરી દીધો.
આથી સુપ્રીમ કોર્ટે પણ રાત્રે ૧૨.૦૦ વાગ્યે ઓફિસ ખોલીને મતદાન ન થાય તો ઈમરાન સરકાર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરી લીધી. ચૂંટણી પંચે વિદેશી ભંડોળનો કેસ ઈસ્લામાબાદ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો, જ્યાં ઈમરાનની ધરપકડની માગણી કરાઈ હતી. જોકે, અંતે ઈમરાને ધરપકડ ટાળળા માટે સૈન્યની માફી માગી લીધી અને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાવતાં ચાર મતોથી તેમનો પરાજય થયો હતો. વધુમાં ઈસ્લામાબાદ હાઈ કોર્ટમાં બાજવાની સંભવિત હકાલપટ્ટીના આદેશ પર સ્ટે મૂકવા પણ અરજી કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter