નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની તાજેતરમાં ભારતના ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને ઈરાનના આપસના હિત માટે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરી હતી. રુહાની ૧૫મીએ ભારત પહોંચ્યા હતા અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ, વિદ્વાનો અને ધર્મગુરુઓને સંબોધિત કર્યાં હતાં. રુહાનીનું ૧૭મી ફેબ્રુઆરીએ સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિભવનમાં સ્વાગત કર્યું હતું. અહીં રુહાનીને ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માનિત કરાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭મી એ જ હૈદરાબાદ હાઉસમાં ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે સંરક્ષણ, વેપાર અને ઊર્જા જેવાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં સહકાર વધારવા સહિતના સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દા પર મંત્રણા કરી હતી. ત્યારબાદ ભારત અને ઈરાન વચ્ચે ડબલ ટેક્સેશન એવોઇડન્સ સહિતના ૯ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. વ્યાપક મંત્રણામાં બંને નેતાએ પ્રાદેશિક પરિસ્થિતિ પર પણ ગહન ચર્ચા કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની વચ્ચે વેપાર એ મૂડીરોકાણ, ઊર્જા, કનેક્ટિવિટી, સંરક્ષણ, સુરક્ષા અને પ્રાદેશિક મુદ્દાઓ પર હકારત્મક ચર્ચા થઈ હતી.
દ્વિપક્ષીય મંત્રણા પછી વડા પ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ રુહાનીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, ઈરાનના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દર્શાવે છે કે બંને દેશો કનેક્ટિવિટી સહિતનાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં ગાઢ સહકાર સાધવા કેટલા ઉત્સુક છે. અમે આતંકવાદ, માદક દ્રવ્યોની દાણચોરી સહિતના અન્ય પડકારો પર પણ ચર્ચા કરી હતી. મોદીએ ચાબહાર બંદરના વિકાસ માટે રૌહાનીની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.
ઈરાનના રાષ્ટ્રપતિ રુહાનીએ જણાવ્યું હતું કે અમે આતંકવાદ અને કટ્ટરવાદ સામે લડવા પ્રતિબદ્ધ છીએ. પ્રાદેશિક વિવાદોનો ઉકેલ રાજકીય અને રાજદ્વારી પગલાં દ્વારા જ લાવવો જોઈએ.
ભારત અને ઈરાન વચ્ચે કરાર
૧. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકાર માટે એમઓયુ.
૨. પ્રત્યર્પણ સંધિમાં સુધારા, પરસ્પરનાં હિતોમાં સહકાર, વેપાર પર એક્સ્પર્ટ ગ્રૂપની સ્થાપના માટે એમઓયુ.
૩. મેડિસિનની પરંપરાગત સિસ્ટમમાં સહકાર પર એમઓયુ.
૪. ચાબહાર ફેઝ વનના શાહિદ બેહેશ્તી પોર્ટ માટે લીઝ કોન્ટ્રાક્ટ.
૫. ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવનારાને વિઝામાંથી મુક્તિ પર કરાર.
૬. ડબલ ટેક્સેશન એવોઇડન્સ પર એમઓયુ.
૭. ફિસ્કલ ઇવેસન પર એમઓયુ.
૮. હેલ્થ અને મેડિસિન પર કરાર.
૯. પોસ્ટલ કોઓપરેશનમાં સહકાર