નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હુ’) દ્વારા પ્રકાશિત કરાયેલા આંકડા પ્રમાણે ઈરાનનું ઝબોલ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. જ્યારે ભારતના બે શહેરો ગ્વાલિયર (મધ્ય પ્રદેશ) અને અલ્લાહાબાદ (ઉત્તર પ્રદેશ) યાદીમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ગયા વર્ષે આ યાદીમાં પાટનગર દિલ્હી ટોચના સ્થાને હતું. વિશ્વના ૧૦૩ દેશોને આવરી લેતી ૩૦૦૦ શહેરોની આ યાદીમાં હાલ દિલ્હી ૧૧મા ક્રમે છે. યાદીમાં આ વર્ષે ‘હુ’ દ્વારા વધુ ૧૪૦૦ શહેરોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ટોપ-૧૦માં ભારતના ચાર શહેર
ઝબોલ તાજેતરમાં દુનિયાનું ટોચનું પ્રદૂષિત શહેર જાહેર થયું છે. ત્યારબાદ ગ્વાલિયર અને અલ્લાહાબાદનો સમાવેશ થાય છે. આ શહેરોમાં પીએમ ૨.૫ અને પીએ ૧૦નું પ્રમાણ અત્યંત વધારે છે. ત્યારબાદ પટના (બિહાર રાજ્યનું પાટનગર) અને રાયપુર (છત્તીસગઢ રાજ્યનું પાટનગર) છઠ્ઠા અને સાતમા ક્રમે આવે છે. આમ ભારતના ચાર શહેરો ટોપ-ટેન પ્રદૂષિત શહેરોની યાદીમાં છે. બીજી તરફ, ટોચના ૨૦ પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના ૧૦ શહેરો આવે છે. ‘હુ’ના જણાવ્યા પ્રમાણે બે વર્ષ પહેલાં જ્યારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે વિશ્વના પ્રદુષિત શહેરમાં ભારતના ૧૩ શહેરોનો સમાવેશ થતો હતો. હાલમાં સ્થિતિ બદલાઈ છે.
સિંકલેર સૌથી ઓછું પ્રદૂષિત
અમેરિકાનું સિંકલેર શહેર દુનિયાનું સૌથી ઓછું પ્રદૂષિત શહેર છે. ત્યાં પ્રદૂષણનું પ્રમાણ પીએમ ૨.૫ પ્રમાણે માત્ર ૨ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતું. ‘હૂ’ દ્વારા વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓના ડેટા દ્વારા આ મુદ્દે અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં દરેક સ્થળના પીએમ ૨.૫ અને પીએમ ૧૦ પ્રમાણ પર આધાર રાખીને શોધ કરવામાં આવે છે.
૨૦૦૮ કરતાં ૮ ટકા પ્રદૂષણ વધ્યું
સંશોધનના તારણ જણાવે છે કે, ૨૦૦૮થી અત્યાર સુધીમાં પ્રદૂષણનું પ્રમાણ ૮ ટકા વધ્યું છે. યુરોપ, અમેરિકા અને પશ્ચિમી પેસિફિક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું છે અને નાગરિકોમાં જાગૃતિ વધારે છે. બીજી તરફ, દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તારોમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં પ્રદૂષણનું પ્રમાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની લિમિટ કરતાં પાંચથી દસ ગણું વધારે હોય છે.
દિલ્હીમાં નિયત કરતાં પ્રદૂષણ વધારે
દિલ્હી ભલે ટોચના સ્થાનેથી નીચે સરક્યું હોય, પણ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પીએમ ૨.૫ પ્રમાણે ૧૧૨ માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર હતું. જે ગત વર્ષે ૧૫૩ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર થયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ પ્રમાણે દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ભારતીય માપદંડ કરતાં ત્રણ ગણું જ્યારે ‘હૂ’ની સરખામણીએ ૧૨ ગણુ વધારે છે. બીજી તરફ ચીનનાં શિંતાઈ અને બાઓડિંગ નવમા અને દસમા ક્રમે આવે છે. બૈજિંગ કે જે ગત વર્ષે ૭૫મા ક્રમે હતું તે અત્યારે ૫૬મા ક્રમે આવ્યું છે.