હેટફિલ્ડઃ હર્ટફોર્ડશાયરમાં ભૂરા આકાશ તળે અને મિલ ગ્રીન ગોલ્ફ ક્લબના સુંદર વાતાવરણ મધ્યે રવિવાર, 6 એપ્રિલના દિવસે ઈસ્ટ આફ્રિકન એશિયન્સ (EAA) ગોલ્ફ ડે ઉજવાયો હતો અને 55 ગોલ્ફર્સ વચ્ચે મિત્રતાપૂર્ણ સ્પર્ધા યોજાઈ હતી. આ ગોલ્ફ ડે નિમિત્તે ઈસ્ટ આફ્રિકન એશિયન્સ વેબ પોર્ટલના લોન્ચિંગની ઊજવણી સૌથી ધ્યાનાકર્ષક અને ઐતિહાસિક ઘટના બની રહી હતી. સીમાચિહ્ન સમાન ડિજિટલ ઈનિશિયેટિવ આ વેબ પોર્ટલ ઈસ્ટ આફ્રિકન એશિયન કોમ્યુનિટીની માઈગ્રેશન સ્ટોરીઝ, સાંસ્કૃતિક વિરાસત અને વૈશ્વિક યોગદાનના જતનને સમર્પિત રહેશે.
આ કલ્પનાશીલ પ્રોજેક્ટનો આરંભ ટાન્ઝાનિયામાં જન્મેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હર્ષદભાઈ કોઠારી દ્વારા કરાયો હતો. ઈતિહાસ અને અને વિરાસત બાબતે તેમના જોશ અને ઉત્સાહ થકી આ નોંધપાત્ર પોર્ટલની રચનાની જ્યોત પ્રગટી હતી. પ્રોજેકટના આરંભથી જ હર્ષદભાઈને ધીરેન દોશી (દોશી આઉટસોર્સિંગના સ્થાપક), એન્ટ્રેપ્રીન્યોર ટોની મથારુ અને પૂર્વ કન્ઝર્વેટિવ સાંસદ શૈલેશ વારા સહિત તેમના ચાવીરૂપ સલાહકારોનો સાથ અને સહકાર મળ્યો હતો. ચર્ચાવિચારણાની અનેક બેઠકો થવા સાથે આ પ્રોજેક્ટે સ્થિરતાપૂર્વક ગતિ પકડી હતી જેનું પરિણામ આ લોન્ચની ઊજવણી સ્વરૂપે જોવાં મળ્યું હતું.
ગોલ્ફ ટુર્નામેન્ટ પછી, સાંજના ભવ્ય સમારોહમાં અગ્રણી મહાનુભાવો અને કોમ્યુનિટીના નેતાઓ 180 વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ગણનાપાત્ર મહાનુભાવોમાં યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણી, પૂર્વ સાંસદ અને કેબિનેટ મિનિસ્ટર શૈલેશ વારા, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ચેરમેન-પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ, એન્ટ્રેપ્રીન્યોર અને ABA-LCCI ના ચેરમેન ટોની મથારુ, ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની વેમેડ હેલ્થકેરના સહસ્થાપક ડો. ભીખુભાઈ પટેલ, મધુ‘ઝના સંજય આનંદ, સુભાષ ઠકરાર OBE, નીનાબહેન અમીન MBE, જાફર કપાસી OBE, રણજિત બક્ષી FRSA તેમજ અન્ય ઘણા પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર્સ અને પ્રોફેશનલ્સનો સમાવેશ થયો હતો.
મહેમાનોને ડ્રિન્ક્સ, કેનાપીઝ, થ્રી-કોર્સના શાનદાર ડિનર સહિત સુંદર આતિથ્ય, ટ્રોફી પ્રેઝન્ટેશન્સ અને ઉત્સાહી ફંડરેઈઝિંગ રેફલ સાથે સ્મરણીય અનુભવ કરાવાયો હતો. આ સાંજની હાઈલાઈટ હર્ષદભાઈ કોઠારી દ્વારા વેબ પોર્ટલની પ્રેરણાદાયી રજૂઆત બની રહી હતી જેને તાળીઓના ભારે ગડગડાટ સાથે વધાવી લેવામાં આવી હતી. હર્ષદભાઈએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે,‘ આ પ્લેટફોર્મ ડિજિટલ આર્કાઈવ્ઝથી પણ વિશેષ છે. તે સમગ્ર વિશ્વમાં ઈસ્ટ આફ્રિકન એશિયન્સના મક્કમ નિર્ધાર, સિદ્ધિઓ અને ધીરજની ભાવનાને જીવંત અને સતત વિકસતી આદરાંજલિ છે.’
સ્પોન્સર્સના ઉદાર સપોર્ટ થકી આ સાંજ અત્યંત સફળતાને વરી હતી જેમના યોગદાનોએ ઊજવણીને જીવંત બનાવવામાં મદદ કરી હતી. આ ઈનિશિયેટિવ ગતિ પકડી રહ્યું છે ત્યારે એડવાઈઝર્સ, એમ્બેસેડર્સ, પ્રમોટર્સ, સપોર્ટર્સ અને વોલન્ટીઅર્સની વધતી જતી ગ્લોબલ ટીમ હર્ષદભાઈની સાથે જોડાઈ રહી છે. આમ છતાં, પોર્ટલની ક્ષમતાને સંપૂર્ણ કાર્યરત બનાવવા હજુ નોંધપાત્ર કાર્ય બાકી રહ્યું છે. આ પ્રોજેક્ટને હાલમાં કન્ટેન્ટ ક્રીએશન, ઐતિહાસિક સંશોધન, પોર્ટલ અને સોશિયલ મીડિયાના સંચાલન અને સ્પોન્સરશિપ સહિતના ક્ષેત્રોમાં સહાયની આવશ્યકતા રહે છે.
આ વેબ પોર્ટલનું સંપૂર્ણ જાહેર લોન્ચિંગ આ વર્ષના ઉત્તરાર્ધમાં કરવાનું આયોજન છે. ઈસ્ટ આફ્રિકન એશિયન કોમ્યુનિટીના સભ્યોને આ અર્થસભર યાત્રામાં હિસ્સો બનવા ઊષ્માપૂર્ણ આમંત્રણ છે. સભ્યો રજિસ્ટ્રેશન અને સામેલ થવા માટે www.eastafricanasians.com વેબસાઈટની મુલાકાત લઈ શકે છે જેમાં લાયકાતના ધારાધોરણોની રૂપરેખા મૂકાઈ છે. રજિસ્ટ્રેશન કરાયા પછી સભ્યોને આગામી ઈવેન્ટ્સ અને ઘટનાક્રમો વિશે અપડેટ્સ અપાશે. વધુ માહિતી અથવા સહાય ઓફર કરવા માટે [email protected] વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.