કોલંબોઃ ઈસ્ટર સન્ડે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં વિદેશી મુસ્લિમો પર હુમલાની ઘટનાઓ શરૂ થતાં સરકાર માટે નવા મોરચે સમસ્યા ઉભી થઇ છે. ૨૫૩ લોકોનો ભોગ લેનાર શ્રેણીબદ્ધ વિસ્ફોટોની ઘટના બાદ અત્યાર સુધીમાં ૧૫ દેશોના આશરે ૧૬૦૦ જેટલા શરણાર્થીઓ સાથે મારપીટથી લઈને અન્ય નાની-મોટી ઘટનાઓ બહાર આવી છે. ઈસ્ટર સન્ડે વિસ્ફોટોનો ભોગ બનેલાઓમાં મોટા ભાગના ખ્રિસ્તીઓ છે અને આ હુમલો ન્યૂ ઝિલેન્ડમાં જે મુસ્લિમો માર્યા ગયા હતા તેનો બદલો લેવા માટે કરાયો હતો. જેના પગલે હવે શ્રીલંકામાં રહેતા અન્ય દેશોના અને સ્થાનિક મુસ્લિમો પર પણ હુમલા થવા લાગ્યા છે અને તેઓ હાલ ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. સૌથી વધુ પાકિસ્તાની શરણાર્થીઓ આ હુમલાઓના શિકાર બન્યા છે. હુમલાની ઘટનાઓ બાદ સરકારે શરણાર્થીઓની સુરક્ષા વધારવાના આદેશ આપ્યા છે અને સાથે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ કટોકટી વેળાના વિશેષાધિકારોનો ઉપયોગ કરીને દેશમાં સક્રિય ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારી જાહેરનામામાં ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા સ્થાનિક ઈસ્લામી ચરમપંથી સંગઠન નેશનલ તૌહિદ જમાત (એનટીજે) અને જમાતી મિલથુ ઈબ્રાહિમ (જેએમઆઈ) પર પ્રતિબંધ લાગુ કર્યો છે.
બુરખા-નકાબ પર પ્રતિબંધ
ઇસ્ટર સન્ડે આતંકવાદી હુમલાના પગલે શ્રીલંકા સરકારે અભૂતપૂર્વ પગલું ભરતા બુરખા-નકાબ પર તાત્કાલિક અસરથી અમલી બને તેમ પ્રતિબંધ લાદી દીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેનાથી ચહેરો ઢંકાઈ જતો હોય તેવા તમામ પોષાકને આ પ્રતિબંધ લાગુ પડે છે. આ નિર્ણયની સૌથી મોટી અસર બુરખા અને નકાબ પહેરતી મહિલાઓ પર પડશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, એવા કોઈ ફેસ માસ્કના ઉપયોગ પર અમે પ્રતિબંધ મૂકીએ છીએ જેનાથી કોઈ શખસની ઓળખ કરવામાં મુશ્કેલી સર્જાય. આ પ્રકારની વ્યક્તિ રાષ્ટ્રીય અને જાહેર સુરક્ષા માટે ખતરો હોઈ શકે છે.
આ મુદ્દે શ્રીલંકા સરકારે કહ્યું હતું કે, ચહેરો ઢાંકી કોઈ પણ ચીજ કે જેનાથી કોઈ શખસની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એવા કોઈ પણ પોષાક પર અમે પ્રતિબંધ મુકીએ છીએ. આ માટે અમે બંધારણમાં કટોકટીના હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરીએ છીએ. આ નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા લેવાયો છે, જે ૨૯ એપ્રિલથી લાગુ થઈ ગયો છે. સંસદમાં એક સાંસદે પ્રાઇવેટ બિલ રજૂ કર્યા પછી આ નિર્ણય લેવાયો છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ કાર્યાલયે જારી કરેલા બયાનમાં કહેવાયું છે કે, આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા સ્થાપિત કરવાના હેતુથી લગાવાયો છે.
વિઝા ઓન એરાઇવલ રદ
આ પ્રતિબંધ પૂર્વે સરકારે વિઝા ઓન એરાઇવલની યોજના રદ કરવાની જાહેરાત કરી હતી. શ્રીલંકા સરકારે આ યોજના સુરક્ષાના કારણોસર બંધ કરવાની જાહેરાત કરી છે. આ યોજના પહેલી મેથી સમગ્ર દેશમાં લાગુ કરવાની હતી અને ૩૦ દેશના પ્રવાસીઓને આ સુવિધા મળવાની હતી. દેશમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના ઉદ્દેશથી આ મહત્ત્વાકાંક્ષી યોજના લાગુ થવાની હતી. પ્રવાસ, વન્યજીવન અને ખ્રિસ્તીઓના ધાર્મિક મામલાના પ્રધાન જોન અમારાતુંગાએ કહ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં માલુમ પડ્યું છે કે શ્રીલંકાના વિસ્ફોટોમાં વિદેશી સંગઠનોનો હાથ છે. અમે આ સુવિધાનો દુરુપયોગ થાય એવું નથી ઇચ્છતા.