ઉપરાષ્ટ્રપતિ પદ માટે તખતો તૈયારઃ વેન્કૈયા નાયડુ વિ. ગોપાલકૃષ્ણ ગાંધી

Tuesday 18th July 2017 15:31 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતમાં સર્વોચ્ચ સ્થાન માટેની ચૂંટણીના પડઘમ હજુ શમ્યા નથી ત્યાં બીજા ક્રમના સર્વોચ્ચ સ્થાન માટે રાજકીય રસ્સાખેંચ શરૂ થઇ ગઇ છે. સોમવારે સંસદ સભ્યો અને વિધાનસભ્યો સંસદ ભવન તેમજ રાજ્યોના વિધાનગૃહોમાં રાષ્ટ્રપતિ પદના દાવેવારો રામનાથ કોવિંદ (એનડીએ) અને મીરા કુમાર (યુપીએ) માટે મતદાન કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ પદના ચૂંટણી જંગનો તખતો તૈયાર થઇ રહ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ૧૮ વિપક્ષે પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીને સંયુક્ત ઉમેદવાર જાહેર કર્યા છે. તેની સામે ભાજપના નેજા હેઠળના એનડીએના ઉમેદવાર તરીકે વેન્કૈયા નાયડુનું નામ જાહેર થયું છે. અન્ય કોઇ પક્ષે તેના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા ન હોવાથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ગાંધી અને નાયડુ વચ્ચે સીધી સ્પર્ધા નિશ્ચિત છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે પાંચમી ઓગસ્ટે મતદાન થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. ગાંધી અને નાયડુએ મંગળવારે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા.
એક સમયે ભાજપ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા વે )ન્કૈયા નાયડુ હાલ મોદી સરકારમાં શહેરી વિકાસ પ્રધાન તરીકે કાર્યભાર સંભાળે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વાસુ ગણાય છે. આ ઉપરાંત તેઓ દક્ષિણ ભારતના રાજકારણમાં પ્રભાવશાળી સ્થાન ધરાવે છે.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે નાયડુની પસંદગીનું સૌથી મોટું કારણ દક્ષિણ ભારતમાં ભાજપની નબળી પકડને મજબુત કરવાનું છે. ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને તેલંગણ પર ભાજપ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે પણ કાર્યભાર સંભાળે છે તે નોંધનીય છે. રાજ્યસભામાં હાલ એનડીએ લઘુમતીમાં છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએનું પલડું ભારે છે. જ્યારે લોકસભામાં એનડીએ બહુમતીમાં છે.

એનડીએનું પલડુ ભારે છે

રાષ્ટ્રપતિ પદ બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પણ એનડીએનું પલડું ભારે છે. રાજ્યસભા અને લોકસભાના સાંસદોનો આંકડો મેળવીએ તો એનડીએ પાસે કુલ ૪૨૫ સાંસદો છે જ્યારે તેને એઆઇએડીએમકેના ૫૦, બીજુ જનતા દળ (બીજેડી)ના ૨૭, ટીઆરએસના ૧૪, વાઇએસઆર કોંગ્રેસના ૮ અને પીએમકે તથા એઆઇએનઆર કોંગ્રેસના એક-એક સાંસદનું સમર્થન છે. આમ એનડીએનો કુલ આંકડો ૫૨૬ સુધી પહોંચી જાય છે. જે જીત મેળવવા માટેના મતો કરતા ગણો વધારે છે. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સંસદ સભ્યો જ મતદાન કરતા હોય છે.

વિરોધ પક્ષની સર્વસંમત પસંદ

વિપક્ષોએ તેમના સંયુક્ત ઉમેદવાર તરીકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર અને ભૂતપૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીની પસંદગી કરી છે. તેમના નામની ઘોષણા કરતાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, ૧૮ વિપક્ષી પાર્ટીઓએ સર્વસંમતિથી ગોપાલકૃષ્ણ ગાંધીની પસંદગી કરી છે. પૂર્વ સનદી અધિકારી અને રાજદ્વારી એવા ગોપાલકૃષ્ણ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યાં છે. ગયા મહિને ડાબેરી પક્ષોએ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ગોપાલકૃષ્ણના નામનું સૂચન કર્યું હતું. જોકે ચર્ચાના અંતે મીરા કુમાર પર પસંદગી ઢોળવામાં આવી હતી. વિપક્ષની બેઠકમાં નીતીશ કુમારના જનતા દળ (યુ)ના પ્રતિનિધિ પણ હાજર હતા. બેઠકમાં ફક્ત ગોપાલકૃષ્ણ ગાંધીના નામની જ ચર્ચા કરાઇ હતી. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, અમે ગોપાલકૃષ્ણ ગાંધી સાથે વાત કરતાં તેમણે વિપક્ષના ઉમેદવાર બનવા સંમતિ દર્શાવી હતી.
ગોપાલકૃષ્ણ ગાંધીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્વે જણાવ્યું હતું કે, આજે ભારતને એવા રાષ્ટ્રપતિની જરૂર છે જે કડવું સત્ય ઉચ્ચારી શકે. નવા રાષ્ટ્રપતિએ પોતાના ધર્મ, જાતિ અથવા રાજકીય વિચારધારાથી દૂર રહી દેશ અને સમાજ વિશે કોઇ પણ પ્રકારના ભય વિના મંતવ્ય આપવા જોઇએ.

વિપક્ષી એકતા આ વખતે અખંડિત

કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ ગોપાલકૃષ્ણ ગાંધીને જ્યારે જાણ કરી કે ૧૮ વિરોધ પક્ષોએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરી છે ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધીએ પ્રશ્ન કર્યો કે ૧૮મો વિરોધ પક્ષ કયો છે. આના જવાબમાં તેમને કહેવાયું હતું કે જનતા દળ-યુનાઈટેડ. ગાંધના આ પ્રશ્ન સાથે વિપક્ષી એકતામાં જનતા દળ (યુ)ની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. જનતા દળ (યુ)એ રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધની વિરોધ પક્ષની એકતાને આંચકો આપ્યો હતો. જોકે વિરોધ પક્ષ આ વખતે એકતા જાળવી શક્યો છે.

શિવ સેનાનો યુપીએ પર પ્રહાર

રાષ્ટ્રપતિ પદનો ચૂંટણી પ્રચાર ભારે ગરિમામય વાતાવરણમાં સંપન્ન થયો હતો. કોઇ ઉમેદવારે કે પક્ષે પ્રતિસ્પર્ધી સામે અણછાજતા આરોપો કરવાનું ટાળ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચોમાસુ સત્ર પૂર્વેની સર્વપક્ષીય બેઠકમાં આ વાતની નોંધ લેતાં આ અભિગમને બિરદાવ્યો હતો. જોકે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવા વિવાદોથી બાકાત રહેશે કે કેમ તે વાતે શંકા છે. એનડીએના સાથી પક્ષ શિવ સેનાએ સોમવારે યુપીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી સામે સવાલ ઉઠાવ્યો હતો. શિવ સેનાના સાંસદ સંજય રાઉતે એવો પ્રશ્ન કર્યો હતો કે તમે શું જોઈને ગોપાલકૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે? આમ કહીને તેમણે યાકુબ મેમણની ફાંસી વખતનો વિવાદ યાદ કર્યો હતો. તે સમયે ગોપાલકૃષ્ણ ગાંધી સહિતના કેટલાક નાગરિકોએ યાકુબની ફાંસીનો વિરોધ કર્યો હતો. ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટ કેસના આરોપી યાકુબને કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી, અને લાંબા કાનૂની જંગ બાદ સરકારે તેને ફાંસીએ લટકાવી દીધો હતો. સંજય રાઉતે કહ્યું હતું કે વિરોધ પક્ષની આ તે કેવી માનસિકતા છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter