ભારતમાં લોકસભાની ચૂંટણી માટે તબક્કાવાર મતદાન ચાલી રહ્યું છે ત્યારે શાસક-વિપક્ષના નેતાઓના અઢળક અહેવાલો - મુલાકાતો પ્રકાશિત થઇ રહ્યા છે. જોકે આમાંના મોટા ભાગના અહેવાલો-મુલાકાતોના કેન્દ્રસ્થાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળે છે. ચૂંટણી પ્રચાર શરૂ થયો છે ત્યારથી અત્યાર સુધીમાં અનેક પ્રકાશનો ગુજરાતના આ પનોતા પુત્રની મુલાકાત પ્રકાશિત કરી ચૂક્યા છે. જોકે આ બધામાં આગવી ભાત ઉપસાવે છે અભિનેતા અક્ષય કુમારે લીધેલી મુલાકાત. ‘ખિલાડી’ અક્ષય કુમારે લીધેલી આ મુલાકાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આગવો અંદાજ રજૂ કરે છે. વડા પ્રધાનના બિનરાજકીય જીવનકવનને ઉજાગર કરતી આ ખાસ મુલાકાતના અંશો...
અક્ષય કુમાર: તમને અલ્લાદીનનો ચિરાગ મળી જાય અને તમને ત્રણ વિશ માગવા કહે તો તમે શું માગશો?
વડા પ્રધાન: આપણા દેશના અને દુનિયાના જેટલા પણ સમાજશાસ્ત્રીઓ અને એજ્યુકેશનિસ્ટ છે તેમને કહેવાનું કે લોકોના મગજમાં એક વાત ઠસાવી દો કે અલ્લાદીનના ચિરાગ જેવું કંઈ નથી. કોઈ જીન આવતો નથી અને વિશ પૂરી થવાની નથી. તમારે મહેનત કરતા જ શીખવું પડશે. આ આપણું મૂળ ચિંતન છે. આપણી સંસ્કૃતિનું ચિંતન મહેનતનું છે.
• તમે પીએમ બન્યા ત્યારે તમે તમારી બચતના ૨૧ લાખ રૂપિયા તમારા સ્ટાફની દીકરીઓ માટે એફડી કરાવી દીધા હતા? તો અત્યારે તમારી બચત કેટલી છે?
પહેલી વાત કે તમારી પાસે માહિતી અધૂરી છે. હું જ્યારે એમએલએ બન્યો ત્યારે પહેલી વખત બેન્ક એકાઉન્ટ ખુલ્યું કારણ કે ત્યારે પગાર આવવાનો શરૂ થયો હતો. તેમાં ધીમે ધીમે રકમ જમા થતી હતી. ત્યારબાદ મુખ્ય પ્રધાન બન્યો અને અંતે પીએમ બન્યો ત્યાં સુધી આ ક્રમ યથાવત્ રહ્યો. હું જ્યારે સીએમ તરીકે પદ છોડીને જવાનો હતો ત્યારે મેં અધિકારીઓને બોલાવ્યા અને કહ્યું કે, મારે આ રકમ જોઈતી નથી. તમે તેની વહેંચણી કરી દો. અધિકારીઓ મારી વાત ના માન્યા. તેમ છતાં મારું માન રાખીને જતા રહ્યા. સાંજે તેઓ એક ઉપરી અધિકારી સાથે આવ્યા. તેમણે મને કહ્યું કે, મોદીજી તમારે આ રકમની જરૂર પડશે. તમારી ઉપર ઘણા કેસ ચાલે છે. તમારે વકીલોની ફી ચૂકવવાની છે. તમે પદ ઉપર કેટલા વર્ષો રહેશો. ક્યારેક તો તમારે પૈસાની જરૂર પડશે. તેમની વાતનું માન રાખીને મેં મારી બચતમાંથી ૨૧ લાખની રકમ અમારા સેક્રેટરિએટના ડ્રાઈવર, પટાવાળા અને અન્ય કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે આપી દીધી. ગુજરાત સરકારે એક ટ્રસ્ટ બનાવ્યું છે અને તે ભંડોળનો ઉપયોગ કરે છે.
• તમારી સેન્સ ઓફ હ્યુમર હજી પણ પહેલાં જેવી જ છે? તમારી કડક અમલદારની છાપ વધારે છે. તમારી આસપાસ રહેનારા લોકો કહે છે કે, યાર વાત જ જવા દો બહુ કામ કરવું પડે છે...
કડક અમલદાર તરીકેની મારી છાપ ખોટી રીતે ઊભી કરાઈ છે. હું બહુ કામ કરાવતો નથી. હું તેના માટે પ્રેરિત કરું છું. હું જાતે જ જ્યારે વહેલી સવારથી મોડી રાત સુધી પીએમ ઓફિસમાં હાજર રહેતો હોઉં તો અન્ય લોકોને પણ કામ કરવું પડે છે. એક સમય હતો જ્યારે પીએમ બપોરે આરામ કરતા અને સાંજે છ-સાત વાગ્યે ઘરે જતા રહેતા. હું તો જાતે જ મોડી રાત સુધી કચેરીમાં હોઉં છું. ઘણી વખત રાત્રે અગીયાર વાગ્યે પણ ફોન કરીને કોઈ બાબત અંગે પૃચ્છા કરું છું. ત્યારે એમ થાય છે કે, આ ખૂબ કામ કરાવે છે.
તમે જુઠ્ઠાણું ચલાવીને લાંબા સમય સુધી લોકોને ઈમ્પ્રેસ કરી શકતા નથી. હું કામના સમયે માત્ર કામ ઉપર જ ફોકસ કરું છું. શિસ્ત કોઈને ફરજ પાડીને લાવી શકાતી નથી. મેં મારું જીવન જ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં પસાર કર્યું છે તેથી હું તેનો અમલ પણ સારી રીતે કરી શકું છું.
• તમારી છાપ કડક એડમિનિસ્ટ્રેટર તરીકે છે?
લોકો મને કડક માને છે કારણ કે હું શિસ્તમાં માનનારો છું. મને ડિસિપ્લિન વધારે પસંદ છે. હું કોઈને ખખડાવીને કે તેને નીચું જોવાનો વારો આવે એવી રીતે કામ કરાવતો નથી. કોઈને અપમાનિત કરીને મને મારી કડકાઈ સાબિત કરવી નથી. મેં તમામ લોકોને મારી સાથે એવી રીતે રાખ્યા છે કે, તેમને મુશ્કેલી ન નડે. હું તેમને પ્રેરિત કરું છું, અપમાનિત નહીં. કોઈ મારી પાસે ડ્રાફ્ટ લઈ આવે ત્યારે હું તેમને ખખડાવતો નથી પણ સમજાવું છું. ઘણી વખત તેમને શિખવું છું કે, ડ્રાફ્ટ અલગ રીતે બનાવો. તેમનો પણ અભિપ્રાય લઉં છું. પરિણામ એ આવે છે કે, બીજી વખતથી જે-તે વ્યક્તિ મારી કલ્પનાને આધિન જ કામગીરી કરીને લાવે છે. તેના કારણે મારે ગુસ્સો કરવાનો કે કડકાઈ દાખવવાનો અવસર આવતો જ નથી.
• પીએમને ગુસ્સો આવે છે?
ગુસ્સો, હતાશા, પીડા, આક્રોશ, રોષ બધું જ જીવનનો એક ભાગ છે. હું જ્યારે પણ કહું છું કે, મને ગુસ્સો નથી આવતો ત્યારે લોકોને હસવું આવતું હોય છે. મેં જીવનમાં નક્કી કર્યું હતું કે, સારી બાબતોને જ સાથે રાખીશ. હું ઘણા સમય સુધી મુખ્ય પ્રધાન પણ રહ્યો. ત્યારે પટાવાળાથી માંડીને પ્રિન્સિપલ સેક્રેટરી સુધી તમામ સ્તરના સાથીઓ જોડે કામ કર્યું છે. મને ક્યારેય તેમના ઉપર ગુસ્સે થવાનો અવસર આવ્યો જ નથી.
• નવાઈ લાગે છે કે, તમને ગુસ્સો આવતો જ નથી. ગુસ્સાને કાબૂ કેવી રીતે કરો છો?
મને ગુસ્સો આવતો ત્યારે તેને કાબૂ કરવા મેં અનોખો રસ્તો અપનાવ્યો હતો. ગુસ્સો, નારાજગી, પસંદગી... આ બધું મનુષ્યને સ્વભાવગત છે. હું સમગ્ર ઘટનાઓ કાગળમાં લખી લેતો જેથી ખ્યાલ આવે કે ક્યા કારણસર ગુસ્સો આવ્યો. એક, બે, ત્રણ કે ચાર પાના ભરાય ત્યાં સુધીમાં સમગ્ર ઘટનાને નોંધી રાખતો. પછી તેને ફાડીને ફેંકી દેતો. ત્યારે પણ જો ગુસ્સો શાંત ન થાય તો એ ઘટનાને ફરીથી લખતો અને તેનું વિશ્લેષણ કરતો. તેમાંથી ખબર પડતી કે કોનો વાંક હતો, મારો કે સામેની વ્યક્તિનો. આ રીતે હું ગુસ્સા ઉપર કાબૂ કરતો થયો.
• તમે ક્યારેય વિચાર્યું હતું કે, તમે દેશના વડા પ્રધાન બનશો?
જીવનમાં ક્યારેય વિચાર્યું જ નહોતું કે આ દિશામાં આગળ આવવું છે. હું તો જીવનમાં વહેતો ગયો અને આગળ વધતો ગયો. જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ જવાબદારીઓ વધતી ગઈ. ઘણા કિસ્સામાં બને છે કે, તમારો પરિવાર રાજકારણ સાથે જોડાયેલો હોય અને તમને રાજકારણમાં આવવાની કે સત્તા મેળવવાની ઈચ્છા થાય. મારો પરિવાર તો સાવ અલગ હતો. મને જો પહેલાં નોકરી મળી ગઈ હોત તો મારી માતાએ આસપાસમાં લોકોને ગોળ ખવડાવ્યો હોત.
• તમે માત્ર ત્રણ કે સાડા ત્રણ કલાક જ ઊંઘો છો? તમે શા માટે આવું કરો છો? શરીરને નુકસાન નથી થતું?
મારા શરીરને આટલા જ સમયની આદત પડી ગઈ છે. ઓબામાજી પણ આ વિશે મને ફરિયાદ કરતા હતા. તેઓ મારા ખાસ મિત્ર છે. તે મને કહેતા કે મોદી તું શું કામ આવું કરે છે. અત્યારે કામ છે, કામનો નશો છે એટલે બરાબર છે પણ તારા શરીરને નુકસાન થાય છે. તે જ્યારે મને મળે ત્યારે કહે કે તેં ઉંઘ વધારવાનું પ્લાનિંગ કર્યું કે નહીં. હું છેલ્લાં અઢાર-વીસ વર્ષ જે જીવ્યો છું તેમાં આ મારું રૂટિન હતું.
• તમે તમારી ફેશન સેન્સના કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહો છો?
હું પહેલેથી જ મારી જાતને યોગ્ય રીતે રજૂ કરવામાં માનતો આવ્યો છું. નાના હતા ત્યારે તો ગરીબી ખૂબ જ હતી. ઈસ્ત્રીટાઈટ કપડાં મળતા નહોતા. ત્યારે હું લોટામાં ગરમ કોલસા નાખીને તેનાથી મારા કપડાં ઈસ્ત્રી કરતો હતો.
• તમે સોશિયલ મીડિયા ઉપર સતત એક્ટિવ રહો છો? કેવી રીતે શક્ય બને છે?
હું ટ્વિટર ઉપર સતત વોચ રાખું છું. લોકોને જોતો હોઉં છું. તેમના ટ્રોલિંગ, ટ્રેન્ડ બધું જ જોતો હોઉં છું. વિરોધ પણ થાય છે છતાં તેમાં જે ક્રિયેટિવિટી હોય તે શીખું છું. હું ટ્વિન્કલ ખન્નાની ટ્વિટ પણ જોઉં છું. તેઓ મારા ઉપર ભરપૂર ગુસ્સો ઠાલવતા રહે છે. તેઓ ટ્વિટ દ્વારા ગુસ્સો ઠાલવી દે છે. તેથી તમારા અંગત જીવનમાં શાંતિ રહેતી હશે. હું આ રીતે તમારા કામમાં પણ આવું છું. ખાસ કરીને ટ્વિન્કલજીને ઉપયોગી થાઉં છું.
• તમે બાળપણમાં સંન્યાસી બનવા માગતા હતા કે, સૈનિક?
હું નાનો હતો ત્યારે જીવનમાં કોઈ ધ્યેય નક્કી નહોતો. સતત મૂંઝવણ ચાલ્યા કરતી હતી. તે સમયે ૧૯૬૨નું યુદ્ધ થયું. મહેસાણા સ્ટેશને ટ્રેનમાં જતાં સૈનિકોને જોઈને અહોભાવ થતો. ત્યારે મને ખબર પડી કે ગુજરાતમાં સૈનિક સ્કૂલ છે. મેં તેની કેટલીક વિગતો મગાવી, પણ મને અંગ્રેજી વાંચતા નહોતું આવડતું. તે વખતે અમારા મહોલ્લામાં પ્રિન્સિપાલ હતા ડો. દાસ મણિયાલ. મને ક્યારેય મોટા માણસો સાથે વાત કરવામાં સંકોચ થતો નહોતો. ત્યારબાદ હું બધું છોડીને નીકળી ગયો. આ દરમિયાન રામકૃષ્ણ મિશનમાં જતો હતો. ત્યાં સ્વામી આત્મસ્થાનંદજી હતા. થોડા સમય પહેલાં જ ૧૦૦ વર્ષની વયે તેમનું નિધન થયું છે. હું તેમને મળવા હોસ્પિટલમાં પણ બે-ત્રણ વખત ગયો હતો. તેઓ મને ખૂબ જ સ્નેહ કરતા હતા. હું ત્યાં બેસતો, ધ્યાન કરતો. આ કારણે આધ્યાત્મ તરફ પણ ખેંચાણ વધ્યું હતું. બંને સ્થિતિ એવી હતી કે જે મને તેમના તરફ ખેંચતી હતી. મૂળ કામ તો દેશસેવાનું જ કરવાનું હતું. જીવનના ૧૮-૨૦ વર્ષ આવા જ વિવિધ કામ અને અનુભવો વચ્ચે પસાર થયા હતા. તે સમયે મુંઝવણ વધારે અને માર્ગદર્શન ઓછા હતા. આ દરમિયાન હિમાલય પહોંચી ગયો. ત્યાંથી ભટકતો ભટકતો, દુનિયાને જોતો જોતો અહીંયા સુધી આવી ગયો.
• મારા ડ્રાઈવરની દીકરીને મેં એક વખત પૂછયું કે, તારે વડા પ્રધાનને સવાલ કરવો હોય તો તું કેવો સવાલ કરે. તેણે મને કહ્યું કે હું પૂછું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેરીઓ ભાવે છે કે નહીં? કાપીને ખાય છે કે, ઘોળીને ચુસે છે?
હું કેરીઓ ખાઉં છું. મને કેરીઓ ખૂબ જ પસંદ છે. ગુજરાતમાં તો કેરીના રસની પરંપરા છે. હું નાનો હતો ત્યારે અમારા ઘરમાં એવી આવક નહોતી કે કેરી ખાવા જેવી લક્ઝરી ભોગવી શકીએ. તેમ છતાં ક્યારેક ખેતરોમાં જતો ત્યારે ખાતો હતો. આપણા દેશનો ખેડૂત ખેતરમાં કંઈક ખાવા આવનારા લોકોને અટકાવતા નથી. તેઓ ખૂબ જ ઉદાર છે. તેઓ ભોજન માગનારને અટકાવતા નથી, ચોરી કરનારને અટકાવે છે. ઘણી વખત હું ખેતરોમાં જતો ત્યારે આંબા ઉપર કુદરતી રીતે પાકી ગયેલી કેરીઓ તોડીને ખાતો હતો. મને તેનો આનંદ આવતો હતો. હજી ક્યારેક કેરી ખાઈ લઉં છું પણ હવે પહેલાં જેવી સ્વતંત્રતા નથી. હવે વિચારવું પડે છે કે, કેટલું ખાવું અને ક્યારે ખાવું. હવે બધું કન્ટ્રોલ કરવું પડે છે.
• કાંડા પર ઊંધી ઘડિયાળ?
મોટા ભાગે મિટિંગ ચાલતી હોય ત્યારે કેટલો સમય પસાર થઈ ગયો તેની માહિતી મળતી નથી. ત્યારે સમય જોવા માટે ઊંધી ઘડિયાળ પહેરવાનું કામ લાગે છે. સમય જોઈ લેવાય છે અને સામે બેઠેલા અધિકારીઓને ખબર નથી પડતી કે, મેં સમય જોયો છે. વારંવાર હાથ ફેરવીને ઘડિયાળ જોવામાં સામે બેઠેલી વ્યક્તિને ખરાબ લાગે છે.
• સર, વિપક્ષમાં તમારા મિત્રો છે? તેમની સાથે તમારા કેવા સંબંધો છે? અમારી સામે તો એ જ આવે છે જે મીડિયા બતાવે છે... હકીકત શું છે?
વિપક્ષમાં પણ મારા ઘણાં મિત્રો છે. અમે લોકો વર્ષમાં એકાદ-બે વખત સાથે ભોજન પણ કરીએ છીએ. તે ખૂબ જ ઔપચારિક હોય છે. અમે બધા એક પરિવારની જેમ સંકળાયેલા છીએ. હું એક વાત જણાવું... આનાથી ચૂંટણીમાં કદાચ મને નુકસાન પણ થઇ શકે છે. મમતા દીદી આજે પણ મને વર્ષે એકાદ-બે કુર્તા મોકલાવે છે. તેઓ જાતે આ કુર્તા પસંદ કરે છે અને મને મોકલાવે છે. એક વખત બાંગ્લાદેશના પીએમ શેખ હસિના સાથે મારી બેઠક ચાલતી હતી ત્યારે અમારે બંગાળી મિઠાઈની વાત નીકળી હતી. તેમને ખ્યાલ આવી ગયો કે મને બંગાળી મિઠાઈ ભાવે છે. તેઓ આજે પણ કોઈ નવી બંગાળી મિઠાઈ બને તો ઢાકાથી મને મોકલાવે છે. આ વાતની મમતા દીદીને ખબર પડી તો તેઓ પણ હવે વર્ષે એકાદ-બે વખત મીઠાઈઓ મોકલાવે છે.
હું ઘણા સમય પહેલાંની એક વાત જણાવું. ત્યારે તો હું મુખ્ય પ્રધાન પણ નહોતો. ત્યારે એક કામ માટે સંસદમાં આવ્યો હતો. ત્યારે હું અને ગુલામનબી મજાકમસ્તી કરતા સાથે બેઠા હતા. તે સમયે એક મીડિયાકર્મીએ જણાવ્યું કે, તમે તો સંઘના માણસ છો તો ગુલામનબી સાથે મિત્રતા કેવી રીતે? ત્યારે ગુલામનબીએ જવાબ આપ્યો કે, અમે લોકો આંતરિક રીતે તો એક પરિવારની જેમ જ જોડાયેલા છીએ.
• તમને ક્યારેય પરિવાર સાથે રહેવાની ઈચ્છા થતી નથી?
હું ખૂબ જ નાની ઉંમરે હું ઘર છોડીને નીકળી ગયો હતો. તે સમયે પરિવાર છોડવાની પીડા હતી, દુઃખ હતું પણ હવે જિંદગી જ એવી થઈ ગઈ છે. ક્યારેક તેમની યાદ આવે છે. ક્યારેક માતાને અહીંયા મારી સાથે રહેવા બોલાવું છું અને ક્યારેક હું ત્યાં ગયો હોઉં તો તેમની મળી લઉં છું. એક વખત મારા માતાને થોડાક દિવસ માટે અહીંયા રહેવા લઈ આવ્યો હતો પણ તેમને મારી સાથે ફાવતું નહોતું. તેઓ મને કહેતા કે શું કામ મારા માટે પીડા ભોગવે છે. તું તારું કામ કર.
• દરેક વ્યક્તિને નિવૃત્ત થવું જ પડે છે. તમે પોસ્ટ રિટાયરમેન્ટ પ્લાન વિશે શું વિચાર્યું છે?
અમારી એક મિટિંગ થઈ હતી જેમાં અટલજી હતા, અડવાણીજી હતા, રાજમાતા સિંધિયાજી હતા, પ્રમોદજી હતા અને તેમાં સૌથી નાનો હું હતો. ત્યારે હળવાશની પળો દરમિયાન આવી વાતો ચાલતી હતી. તેમણે મને પોસ્ટ રિટાયરમેન્ટ પ્લાન વિશે પૂછયું. મેં કહ્યું જવાબદારી જ મારી જિંદગી છે તેથી મને ક્યારેય વિચાર નથી આવ્યો નિવૃત્તિનો. મને લાગે છે કે, હું કોઈને કોઈ મિશનમાં જોડાયેલો જ રહીશ અને જોડાયેલો જ હોઈશ. મને લાગે છે કે હું ક્યાંક તો વ્યસ્ત જ રહીશ.