એક સાથે ૧૧ઃ હત્યા કે આત્મહત્યા?

Wednesday 04th July 2018 06:16 EDT
 
 

નવી દિલ્હીઃ રવિવારે પાટનગરમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દિલ્હીના સિમાડે આવેલા બુરાડીના સંત નગરમાં રહેતા એક જ પરિવારના ૧૧ સભ્યો રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસ ટીમ પહોંચી ત્યારે પરિવારના ૧૦ સભ્યોના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા. તમામના મોં અને આંખો પર પટ્ટી લગાવેલી હતી. જ્યારે પરિવારના મોભી જેવા ૭૫ વર્ષનાં વૃદ્ધ મહિલાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. મૃતકોમાં બે બાળકો ઉપરાંત સાત મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ ગળાફાંસો ખાવાથી શ્વાસ રુંધાવાના કારણે થયા હોવાનું ખુલ્યું છે. પરંતુ તમામ સભ્યોએ જીવનનો સામૂહિક અંત શા માટે આણ્યો તે રહસ્ય વણઉકેલ જ છે. ઘટનાસ્થળેથી મળેલા પુરાવાના આધારે પોલીસે એવું પ્રાથમિક તારણ રજૂ કર્યું છે કે પરિવારે અંધશ્રદ્ધાથી પ્રેરાઇને તાંત્રિક વિધિ માટે આ આત્મઘાતી પગલું ભર્યું હોય શકે છે.
જોકે મૃતક ભૂપી ભાટિયાની બહેન સુજાતાનું કહેવું છે કે પરિવાર બાબાઓમાં વિશ્વાસ કરતો જ નહોતો. પોલીસ તાંત્રિકવિધિની મનઘડંત વાતો કરીને સામૂહિક હત્યાને આત્મહત્યામાં ખપાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન મકાનની દિવાલ પર ૧૧ પાઇપ જોવા મળ્યા છે, જેમાંથી સાત વળેલા છે, જ્યારે બાકીના ચાર સીધા છે. પોલીસ માને છે કે પરિવારની સામૂહિક આત્મહત્યા અને દિવાલ પર લગાવાયેલા પાઇપ વચ્ચે કોઇ જોડાણ છે. પોલીસે શંકાના આધારે એક બાબાની અટકાયત પણ કરી છે.

ભાટિયા પરિવાર રાજસ્થાનનો વતની

જીવનનો સામૂહિક અંત આણનાર ભાટિયા પરિવાર મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢનો વતની હતો. લગભગ ૨૨ વર્ષ પહેલાં તેઓ સ્થળાંતર કરીને દિલ્હી આવ્યા હતા અને અહીં એક કરિયાણાની દુકાન શરૂ કરી હતી. ત્યારબાદ આ પરિવાર પ્લાયવૂડના બિઝનેસ સાથે સંકળાયો હતો. પોતાની માલિકીના બે માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં તેઓ વ્યવસાય કરતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પરિવારના સભ્યો સવારના ૬ વાગ્યે જ ગ્રોસરીની દુકાન ખોલી નાખે છે, પરંતુ રવિવારે સવારે સાડા સાત વાગ્યા સુધી દુકાન ન ખૂલતાં એક પાડોશી તપાસ કરવા ગયા હતા.
પાડોશી ઘરમાં પ્રવેશ્યો અને પરિવારના તમામ સભ્યોને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતાં જોઇને તે ધ્રૂજી ગયો હતો. તેણે તરત અન્ય પાડોશીઓને તેમજ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. આ પાડોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ભાટિયા પરિવારના ઘરનો દરવાજો બંધ રહેતો હોય છે પરંતુ રવિવારે તે ખુલ્લો હતો.

પોલીસ માટે કેસ બન્યો છે રહસ્યમય કોયડો

દિલ્હી પોલીસના જોઇન્ટ કમિશનર રાજેશ ખુરાનાએ જણાવ્યું હતું કે, અમે સંભવિત તમામ પાસાઓની ઊંડાણથી ચકાસણી કરી રહ્યાં છીએ. પોલીસને જણાયું હતું કે ઘરમાં લલિત અને તેની પત્ની ટીનાના હાથ ખુલ્લા હતા એટલે સૌથી છેલ્લે તેમણે ગળાફાંસો ખાધો હશે. આ પહેલાં ઘરનાં ૧૧ પૈકી ૯ લોકોએ કોઈ ઝેરી પદાર્થ ખાધો હશે અને તે પછી તેમનાં મોઢા અને આંખો પર લલિત અને ટીનાએ પટ્ટી મારી હશે. પ્રાથમિક દૃષ્ટિએ આ પરિવારે આત્મહત્યા કરી હોય તેમ લાગી રહ્યું છે.
ઘટનાસ્થળેથી એક રજિસ્ટર મળી આવ્યું છે. આ ઉપરાંત પરિવારના ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો. ફોરેન્સિક સૂત્રોના આશંકા વ્યક્ત કરી હતી કે પરિવારના સભ્યોને ખાવામાં કોઇ નશાકારક વસ્તુ આપીને મોતને ઘાટ ઉતારાયાં હોઈ શકે છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થઇ ગયું હતું કે તમામના મૃત્યુ શ્વાસ રુંધાવાથી થયા છે. પોલીસ કમિશનર (ક્રાઇમ) આલોક કુમારે કહ્યું હતું કે તમામનાં મોત ગળાફાંસો ખાવાથી થયાં હતાં. મૃતદેહો પર ક્યાંય મારપીટનાં કે ઈજાનાં નિશાન નથી. જોકે સ્વજનો એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોય તો તમામ ૧૧ લોકો તેના માટે તૈયાર કેવી રીતે થયાં

આ આત્મહત્યા નહીં, હત્યા જ છેઃ બહેન

બીજી તરફ, પરિવારના મોભી એવા ભૂપી ભાટિયાની બહેન સુજાતાએ આક્ષેપ કર્યો હતો કે, મૃતક પરિવાર બાબાઓ પર વિશ્વાસ કરતો ન હતો. પોલીસ મનઘડંત વાતો કરીને તપાસ કરી રહી છે, ખરેખર તો પરિવારના તમામ સભ્યોની હત્યા કરાઈ છે. ૧૧ મૃતદેહો દુપટ્ટામાં લટકેલા મળ્યા હતા અને તેમનાં મોઢા તેમજ આંખો પર પટ્ટીઓ મારેલી હતી. કેટલાક પાડોશીઓનું કહેવું છે કે પરિવારના સભ્યો અંધશ્રદ્ધાળુ નહોતા, પરંતુ એક વર્ગે એવો દાવો કર્યો હતો કે ઘરમાં રહસ્યમય વિધિઓ થતી હતી.

તંત્રમંત્રના તાણાવાણા અને ડાયરીની નોંધ

પરિવારના ૧૧ સભ્યો ખૂબ જ ધર્માંધ હોવાનું અને મંત્રતંત્રમાં માનતા હોવાનું તેમના ઘરમાં મળેલી ડાયરી પરથી પોલીસને જણાયું છે. ડાયરીમાં લખેલી નોંધ ૧૧ સભ્યો દ્વારા મોક્ષને પામવા શા માટે ૩૦ જૂને જ મૃત્યુનો માર્ગ અપનાવ્યો તે અંગે મંત્રતંત્રના તાણાવાણા દ્વારા રહસ્યને ખોલશે એમ પોલીસનું માનવું છે. ડાયરીમાં પૂજાવિધિ માટે ગુરુવાર અથવા રવિવાર પસંદ કરવાનું લખ્યું હતું. તેમાં પરિવારના સભ્યોને દૃઢતા સાથે ધાર્મિક વિધિ કરવાની સલાહ અપાઈ હતી. સામૂહિક પૂજાવિધિ પૂરી થતાં જ ઈશ્વર તમને લેવા આવશે તેવો ઉલ્લેખ તેમાં કરાયો હતો. આ ડાયરી કેટલાક મહિનાઓથી હિન્દી ભાષામાં લખાતી હતી. છેલ્લે તેમાં બે દિવસ પહેલાંની નોંધ હતી. હાથે લખેલી નોંધમાં એવું ટાંક્યું છે કે, જે ક્ષણે તેઓ પોતાની જાતે ગળાફાંસો ખાશે તે ક્ષણે જ ભગવાન તેમને બચાવવા આવશે.
ડાયરીનાં એક પાના પર લખ્યું હતું કે, મોત પહેલાં આંખે પટ્ટીઓ સારી રીતે બાંધવાની છે. શૂન્ય સિવાય કશું જોવાનું નથી. ગળે ફાંસો ખાવા માટે દોરડાની સાથે ચુંદડી કે સાડીનો ઉપયોગ પણ કરવો. સાત દિવસ સતત પૂજા કરવાની છે. કોઈ ઘરમાં આવી જાય તો પછીના દિવસે પૂજા કરવાની છે. પૂજા માટે ગુરુવાર કે રવિવાર પસંદ કરજો.

મૃત્યુની તમામ વિગતો અગાઉથી નક્કી

મોતનું રજિસ્ટર ઘરમાંથી મળી આવ્યું હતું, જેમાં ૩૦ જૂનને રવિવાર મૃત્યુ માટે પસંદ કરાયો હતો. કોણે ક્યાં, કયા સમયે અને કેવી રીતે મરવું તેની નોંધ લખવામાં આવી હતી. દરેકનું મૃત્યુનું સ્થળ અગાઉથી નક્કી કરાયું હતું. કોણે ક્યાં લટકવું તે પણ નક્કી કરાયું હતું. આ રજિસ્ટર અને ડાયરી ઘરમાં મંદિર પાસેથી મળી આવ્યાં હતાં. મૃતકોમાંથી કેટલાંકનાં શરીર પર ચૂંદડી વીંટાળેલી હતી, જેમાં ધાર્મિક સંદેશ લખવામાં આવ્યા હતા. રજિસ્ટરમાં પહેલી નોંધ નવેમ્બર ૨૦૧૭ અને છેલ્લી નોંધ ૨૫ જૂનની હતી. આ નોંધ કોણે લખી તે જાણવા પોલીસે તેને હસ્તાક્ષર નિષ્ણાતને મોકલી આપી હતી.
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે ૧૦ મૃતદેહો એવી ચુંદડીથી લટકતા મળ્યા હતા કે જેનો ઉપયોગ મોટા ભાગે તાંત્રિક વિધિમાં થતો હોય છે. ઘરની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આખો પરિવાર કોઇ રહસ્યમય તાંત્રિક વિધિમાં સંકળાયેલો હતો. આ અંગેના પુરાવા પણ મળી આવ્યા છે. કેટલાક લેખિત કાગળોમાં પણ તેનો ઉલ્લેખ છે. મૃતકોની આંખો અને મોઢા પર પણ પટ્ટીઓ બાંધેલી હતી. પોલીસને એવી શંકા છે કે જે ૧૧ લોકોના મૃતદેહ મળી આવ્યા તેમાંથી એક વ્યક્તિએ બાકી ૧૦ની હત્યા કરી હોઇ શકે છે અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી. અને પરિવારનો જ આ હત્યારો તાંત્રિક વિધિમાં સંકળાયેલો હોવાની પુરી શંકા છે. પોલીસે આ મામલે હત્યાનો કેસ દાખલ કર્યો છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ઘરમાંથી જે ધાર્મિક લખાણ મળ્યું છે તેમાં એવુ લખ્યું હતું કે જો પરિવારના ૧૧ લોકો આ વિધિ કરે તો તમામ પાપોથી મુક્તિ પામે. પોતાનું મોઢું અને આંખોને ઢાંકીને ભયમાંથી બહાર આવી શકાય છે. માનવ શરીર ક્ષણિક છે, જ્યારે આત્મા હંમેશા જીવિત રહે છે. જો પરિવારના ૧૧ લોકો આ ક્રિયામાંથી પસાર થાય તો દરેક સમસ્યાનું નિરાકરણ આવી જાય અને તેઓ તારણહારને કે રક્ષણકર્તાને મળે છે. જે મૃતદેહો મળી આવ્યા હતા તેના મોઢુ, આંખો ઢાંકેલા હતા, ચુંદડી પણ મળી આવી હતી. તેથી કોઇ તાંત્રિકથી પ્રભાવિત થઇને આ પગલું ભરાયાની શક્યતાઓ છે.

શંકાના આધારે એક બાબાની અટકાયત

દિલ્હી પોલીસ માટે ૧૧ સભ્યોનું રહસ્યમય મૃત્યુ કોયડા સમાન બની રહ્યું છે. પોલીસ તપાસમાં એક મહત્ત્વનો સવાલ એ પણ છે કે આત્મહત્યા બાદ વૃદ્ધાની લાશને નીચે કોણે ઉતારી. આ મામલે પોલીસે શંકાને આધારે એક બાબાની ધરપકડ કરી છે. બાબાની સામે પરિવારના સભ્યોને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવાનો કેસ કરાશે. પોલીસને મંત્ર, તંત્ર અને વિધિ દર્શાવતી ડાયરી મળ્યા પછી બાબા પર શંકા ગઈ હતી અને બાબાને શોધી કાઢી ઝડપી લીધા છે.

અકસ્માત અને ‘ચમત્કાર’

પાડોશીઓએ જણાવ્યું હતું કે, ભાટિયા પરિવાર ધાર્મિક પ્રકૃતિનો હતો અને બધા સાથે હળીમળીને રહેતો હતો. પરિવારમાં પણ ક્યારેય કોઇ તકરાર જોવા મળી નથી. પરિવારનો એકમેક સાથે એવો ઘનિષ્ઠ નાતો હતો કે આસપાસના લોકોને આજના જમાનમાં આવી અતૂટ એકતા જોઇને આશ્ચર્ય થતું હતું. લલિત ભાટિયા છેલ્લા પાંચ વર્ષથી મૌનવ્રત પાળતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, પરિવારનો ત્રીજો પુત્ર દિનેશ ચિત્તોડગઢમાં રહીને સિવિલ ઇજનેરનું કામ કરે છે. ૧૦ વર્ષ પહેલાં લલિત ભાટિયા પર લાકડું પડતાં બોલવાનું બંધ થઈ ગયું હતું. દવા કરવા છતાં તબિયત સુધરી નહીં. પરિવારના સભ્યોની પ્રાર્થનાને કારણે થોડાં વર્ષ પછી લલિત ભાટિયા બોલતા થયા હતા. આને ચમત્કાર ગણીને પરિવાર વધુ ધર્માંધ બન્યો હોવાનું પોલીસનું માનવું છે.

દિવાલમાં લાગેલા પાઇપનું રહસ્ય

મૃતકોનાં ઘરની પાછળની દિવાલમાંથી ૧૧ પાઇપો બહાર કાઢવામાં આવી છે, જેમાં ૧૧ લોકોનાં મોતનું રહસ્ય છુપાયું હોવાનું માનવામાં આવે છે. આ પાઇપ શા માટે લગાડવામાં આવ્યા હતા તેનું રહસ્ય વણઉકલ્યું જ છે. ૧૧માંથી ૭ પાઇપ વળેલા અને ૪ પાઇપ સીધા છે. મૃતકોમાં ૭ મહિલા અને ૪ પુરષો છે. આમ આ મુદ્દો કોઈ અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે.

રહસ્ય સર્જતા સવાલો અને સંજોગો

• વૃદ્ધાનું ગળું દબાવીને હત્યા કરાઇ પણ હત્યા કોણે કરી તે અંગે રહસ્ય છે.

• ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો, બહારનું કોઇ ઘરમાં આવ્યું હતું?

• ઘરમાં પૈસા-દાગીના જૈસે થે મળ્યા અર્થાત્ કોઇ લૂંટફાટ નથી થઇ

• ૧૦ લોકોએ આત્મહત્યા કરી તો કારણ શું હતું તે કોઇને ખ્યાલ નથી

• ૯ મૃતદેહો ચુંદડીથી લટકતા મળ્યા, ધાર્મિક પત્રિકાઓ મળી, નોંધપોથી મળી.

• ઘરમાં એક કુતરો હતો જેને છત પર બાંધી દેવામાં આવ્યો હતો

• બધાએ ગળાફાંસો ખાધો, પણ તેમના હાથ-પગ કોણે બાંધ્યા હતા?

• કેટલાક બાળકોના પગ જમીનને અડકતા હતા. શું ફાંસો આપતા પૂર્વે હત્યા કરાઇ હતી?

• દરેકે ઘરમાં એક જ જગ્યાએ આત્મહત્યા કરી, એકબીજાને મરતા જોયાં, છતાં બચાવ્યા નહીં?

• ઘરના પુરુષોએ બાળકોની હત્યા કરી, બાદમાં મહિલાઓ સાથે આત્મહત્યા કર્યાની શંકા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter