તાજેતરમાં જ મને એક અદ્ભૂત પુસ્તક ‘I AM?’ વાંચવાની તક મળી. આ પુસ્તક મને મારા પ્રિય મિત્ર ગોપીચંદ પી. હિન્દુજાએ પોસ્ટ થકી મોકલી આપ્યું હતું. આ પુસ્તક મારા હાથમાં આવતા જ હું મંત્રમુગ્ધ બની ગયો હતો, માત્ર તેમાં રહેલા વિષયવસ્તુના ઊંડાણના કારણે જ નહિ, તેને જે રીતે લખવામાં આવ્યું હતું તેનાથી હું અભિભૂત બન્યો હતો. આ આસાધારણ સંપાદિત પુસ્તકનું સત્તાવાર વિમોચન 8 ફેબ્રુઆરી 2025ના દિવસે ભારતના સન્માનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધાનકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તક ઘણું વિસ્તારપૂર્વકનું હોવાં છતાં, તમને જકડી રાખે છે, સરળતાથી સમજી શકાય છે અને વાચકને વિવિધ ધર્મોના જ્ઞાનની સમૃદ્ધ યાત્રાએ લઈ જાય તેવાં વિચારપ્રેરક વિભાગોથી ભરપૂર છે. પુસ્તક તેમના અર્થસભર તત્વોને સંવાદિતા અને સરળતા સાથે સમજાવે છે.
આ પુસ્તક ગોપીચંદ હિન્દુજાની કલ્પનાશીલતા, વિશ્વના મહાન ધર્મોના ગુણવાન ઉપદેશોને એકસાથે લાવવાની ઈચ્છા અને તેમણે કેવી રીતે માનવજાત પર પ્રભાવ પાડ્યો અને ઘડતર કર્યું તે દર્શાવવાનું પરિણામ છે. તેમનું લક્ષ્ય ધર્મોની મૂળભૂત એકરૂપતાને દર્શાવવાનું હતું કે ભલે તેમના નામ અલગ હોય, તેમના અભિગમ અને ઐતિહાસિક ઉત્ક્રાંતિઓ અલગ હોય, આખરે તો તેઓ બધા જ એક સાર્વત્રિક સત્યો તરફ અંગૂલિનિર્દેશ કરે છે. હું સૌથી પ્રભાવિત એ બાબતે થયો કે ‘I AM?’ હિન્દુજા પરિવારની ફીલોસોફી અને માર્ગદર્શક સિદ્ધાંતો સાથે કેટલું ગાઢપણે સંકળાયેલું છે.
આ પુસ્તક સદીઓથી માનવજાતને જકડી રહેલા અસ્તિત્વ સંબંધિત જીવનના કેટલાંક સૌથી મનનીય પ્રશ્નોનાં ઉત્તર આપવા ઈચ્છે છેઃ
અસ્તિત્વનો મૂળ હેતુ શું છે?
જીવન અને બ્રહ્માંડનું સંચાલન કરતા પ્રાકૃતિક કાયદાઓ શું છે?
જીવનનું અંતિમ લક્ષ્ય શું છે
હું કોણ છું?
આ પુસ્તક તમામ ધર્મોને સાંકળતા સાર્વત્રિક સત્યોને હાઈલાઈટ કરે છે અને દર્શાવે છે કે ધર્મ વિભાજક નહિ પરંતુ, એકબીજાને સાંકળતો સેતુ છે. તે તમામ આસ્થાઓમાં સંવાદિતા, અનુકંપા, શાંતિ અને સહભાગી મૂલ્યો પર ભાર મૂકે છે. સ્પષ્ટ અને જકડી રાખતી રસાળ શૈલીમાં લખાયેલું ‘I AM?’ પુસ્તક દરેક માટે છે ભલે તેઓ ભારે ધર્મનિષ્ઠ હોય, આધ્યાત્મિકતાના જિજ્ઞાસુ હોય અથવા ધર્મો વચ્ચે સંબંધોને શોધનારા હોય, આ વિભાજિત વિશ્વમાં તે કરુણા-અનુકંપા, સમાવેશીતા અને ડહાપણની પ્રેરણા આપે છે.
હિન્દુજા પરિવાર સાથે અંગત સંબંધ
હિન્દુજા પરિવાર સાથે મારો નાતો છેક નવેમ્બર 1982થી રહેલો છે અને દાયકાઓ દરમિયાન, મને ચારેય ભાઈઓ- શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિન્દુજાને વ્યક્તિગત સ્તરે જાણવાનું સૌભાગ્ય મળેલું છે. અમારી મિત્રતા સામાજિક વર્તુળોથી આગળ વધેલી છે, અમે સામુદાયિક સંપર્કોને વિકસાવવા અને સામાજિક ઉત્થાનના હેતુસરના સંખ્યાબંધ ઈવેન્ટ્સ અને ઈનિશિયેટિવ્ઝ પર સહકાર સાધ્યો છે. હિન્દુજા પરિવારની અઢળક સંપત્તિ અને સફળતા સિવાય પણ તેમની વિલક્ષણતા-ખાસિયતોમાંથી મને સૌથી વધુ ગમતી બાબત આલોચના-ટીકાઓ પ્રત્યે તેમની નોંધપાત્ર સહિષ્ણુતા છે. જ્યાં લોકો આલોચના સામે રક્ષણાત્મક અથવા આક્રમકતાથી પ્રત્યાઘાત આપે છે તેવા વિશ્વમાં હિન્દુજાઓ તદ્દન અલગ છે. તેઓ શિષ્ટતા સાથે આલોચનાને સ્વીકારે છે એટલું જ નહિ, તેને વિકાસની એક તક સ્વરૂપે નિહાળે છે. તેઓ માને છે કે જર્નાલિસ્ટ્સ, બૌદ્ધિકો અથવા તો પબ્લિક પાસેથી મળતા પ્રતિભાવો નેતાગીરી અને ઉત્તરદાયિત્વના આવશ્યક હિસ્સારૂપ છે. આવા ખુલ્લા દિમાગનો અભિગમ મારી માન્યતાને મજબૂત બનાવે છે કે ‘I AM?’ માત્ર શબ્દોનો સંગ્રહ નથી, હિન્દુજા પરિવારની આજીવન ફીલોસોફી અને એકતા પ્રત્યે પ્રતિબદ્ધતાનું સાચું પ્રતિબિંબ છે.
આ પુસ્તકના હાર્દમાં શક્તિશાળી સંદેશો રહેલો છે. આપણે કોઈ પણ ધર્મપંથને અનુસરતા હોઈએ તેને ધ્યાનમાં લીધા વિના આપણે બધા એક જ છીએ. ‘I AM?’ના ઉપસંહારના વિભાગોમાં વિસ્તૃત તુલનાત્મક ચાર્ટ્સ આપેલા છે જેમાં વિભિન્ન ધાર્મિક પરંપરાઓ વચ્ચે ગણનાપાત્ર સમાનતાઓ દર્શાવાઈ છે. આ વિઝ્યુઅલ રજૂઆતો એ વિચારને મજબૂત બનાવે છે કે આપણે ધારી લીધેલા મતભેદો કે તફાવતો માત્ર ઉપરછલ્લાં છે, જ્યારે કેન્દ્રમાં તો આપણે પ્રેમ, સત્ય અને શાંતિના એકસમાન સાર્વત્રિક મૂલ્યોમાં સહભાગી છીએ. આ તરોતાજા સ્મૃતિ સૂચન છે કે માનવતા પ્રેમ, આસ્થા અને સત્યની શાશ્વત શોધથી બંધાયેલું સામૂહિક બળ છે અને હંમેશાં રહેશે.
જેઓ આંતરધર્મીય સંવાદિતાની સુંદરતા અને માનવીય અસ્તિત્વના ઊંડા સત્યોની શોધ કરવા ઈચ્છે છે તેવી કોઈ પણ વ્યક્તિને હું આ પુસ્તક વાંચવા દિલથી ભલામણ કરું છું. ‘I AM?’ માત્ર પુસ્તક નથી, તે એકતા, સહિષ્ણુતા અને આધ્યાત્મિક કેવળજ્ઞાન તરફનું આંદોલન છે
મહાનુભાવોના શુભેચ્છા અને પ્રેરણાદાયી સંદેશાઓ
આ પુસ્તકમાં પ્રતિષ્ઠિત વૈશ્વિક મહાનુભાવોના મનનીય શુભેચ્છા સંદેશાઓ છે જે દરેક એકતા અને સહભાગી શાણપણનું શક્તિશાળી પ્રતિબિંબ દર્શાવે છેઃ
‘તેમણે પોતાના સંદેશામાં પવિત્ર કુરાનની આયાત રજૂ કરી છે જેનો અનુવાદ જણાવે છે કે,‘જો ઈશ્વરે ઈચ્છા રાખી હોત તો તમને માત્ર એક સમુદાય બનાવ્યો હોત- પરંતુ, તેમણે તમને જે જ્ઞાનનું રહસ્ય આપ્યું છે તેમાં તમારી પરીક્ષા કરવી છે. આથી, ગુણો અને સારા કાર્યોમાં જ એકબીજાની સ્પર્ધા કરો.’
--- શેખ નાહયાન મુબારક અલ નાહયાન, UAEના ટોલરન્સ અને કોએક્ઝિસ્ટન્સના મિનિસ્ટર
આ પુસ્તક આપણા વર્તમાન વિશ્વમાં જેની આવશ્યકતા છે તે ઉપદેશ, સત્ય અને પ્રેરણાનું પ્રતિબિંબ છે. આપણા બધાની ત્વચા અલગ રંગની હોઈ શકે, આપણે અલગ ભાષાઓ બોલતા હોઈએ, વિભિન્ન રીતે પૂજા-પ્રાર્થના કરતા હોઈએ પરંતુ, હૃદયમાં તો આપણે બધા એક છીએ. આપણા દરેકમાં એક સારતત્વ દિવ્ય છે અને ઈશ્વર સ્વરૂપે એક છે. આમ, આ દિવ્યતાના બધા જ પ્રત્યક્ષીકરણો, મૂર્ત સ્વરૂપો અને પ્રતિબિંબો એક છે.’
--- સ્વામી ચિદાનંદ સરસ્વતી, પરમાર્થ નિકેતન, ઋષિકેશના પ્રેસિડેન્ટ
‘વિવિધ ધર્મોને એકબીજાની નિકટ લાવવા માટે આપણે તેમના સર્વસામાન્ય પાસાઓ વિશે વિચારીએ, તેમનું વિભાજન કરતા મતભેદો પર નહિ.’
--- BAPSના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
‘આ પુસ્તક માનવજાત માટે સર્વકાલીન પ્રસ્તુતતા સાથે 13 ધર્મોના સારતત્વોને રજૂ કરવા સાથે જ્ઞાનના મૂલ્ય વિશે જણાવે છે. સનાતન ધર્મ આ જ સત્યનું આ શબ્દો સાથે ઉચ્ચારણ કરે છેઃ ‘એકમ સત વિપ્રાઃ બહુધા વદન્તિ.’ ગંતવ્ય સ્થળ કદાચ એક જ હોઈ શકે પરંતુ, તે તરફ દોરી જતા માર્ગો અનેક હોઈ શકે છે. I AM?નું આ લક્ષ્ય છે અને તેનું અંતિમ સત્ય છે.’
--- શ્રી શ્રી સુગુણેન્દ્ર તીર્થ સ્વામીજી