અમદાવાદ: 30 જૂન 2022ના રોજ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ રાજભવન ખાતે મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે કોઇ રાજકિય વિશ્લેષકના મગજમાં વિચાર આવ્યો નહોતો કે એકસમયે મુંબઇની પાડોશમાં આવેલા થાણેમાં ઓટોરિક્ષા ચલાવનાર એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારની ડ્રાઇવિંગ સીટ પર સવાર થઇ સુકાન સંભાળશે. માંડ 11 ધોરણ સુધી અભ્યાસ કરનાર એકનાથ શિંદેની જીવનસફર હાડમારીભરી અને વેદનાથી ભરપૂર રહી છે. 9 ફેબ્રુઆરી 1964ના રોજ રાજ્યના સતારા ખાતે મરાઠા પરિવારમાં જન્મેલા એકનાથનો પરિવાર રોજગારની તલાશમાં મુંબઇ નજીકના થાણે પહોંચ્યો હતો. એકનાથે થાણેની મંગલા હાઇસ્કૂલ એન્ડ જુનિયર કોલેજ ખાતે ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો પરંતુ ગરીબી સામે બાથ ભીડી રહેલા માતાપિતાને મદદરૂપ થવા માટે તેમણે નાના મોટા કામ કરવાની શરૂઆત કરી અને અંતે ઓટોરિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. આજે એ ઓટોરિક્ષા ડ્રાઇવર દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્ય ગણાતા મહારાષ્ટ્રની સરકારનું સુકાન સંભાળી ચૂક્યાં છે. આ લખાય છે ત્યારે તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાની સરકાર માટે વિશ્વાસ મત પણ હાંસલ કરી લીધો છે.
ગુરૂ દિઘેની નિશ્રામાં 18 વર્ષની વયે શિવસૈનિક
થાણેમાં ઓટોરિક્ષા ડ્રાઇવર તરીકેના સંઘર્ષમાં એકનાથની મુલાકાત શિવસેનાના કદાવર નેતા આનંદ દિઘે સાથે થઇ અને તેમની નિશ્રામાં તેઓ શિવસેનામાં સક્રિય કાર્યકર્તા તરીકે જોડાઇ ગયા. તેમની નિષ્ઠા અને સમર્પણને જોતાં દિઘેએ વિદ્યાર્થીકાળથી જ બાલાસાહેબ ઠાકરેની વિચારધારાથી પ્રભાવિત એવા એકનાથને કોર્પોરેટર તરીકે મેદાનમાં ઉતાર્યા ત્યારથી તેમણે ક્યારેય પાછા વળીને જોયું નથી. 2001માં દિઘેના નિધન બાદ થાણે જિલ્લાની કમાન એકનાથને મળી અને શિવસેનામાં તેમનું કદ વધી ગયું. 2005માં નારાયણ રાણે અને રાજ ઠાકરેએ શિવસેના સાથે છેડો ફાડ્યો ત્યારે એકનાથ ઠાકરે પરિવારના વિશ્વાસુ બની રહ્યા અને ઘણા નિકટ આવી ગયા.
આંખો સામે બે સંતાનોના મોતે એકનાથને હચમચાવ્યા
બીજી જૂન 2000ના ગોઝારા દિવસે એકનાથ શિંદેને હચમચાવી દીધા હતા. શિંદેના વતન નજીકના તળાવમાં નૌકાવિહાર માણી રહેલા બે સંતાનો દિપેશ (11) અને શુભદા (7)ના હોડી ઊંધી વળતા ડૂબી જવાના કારણે મોત થતાં એકનાથ શિંદે હતાશામાં સરી પડ્યા હતા. આ કપરા કાળમાં તેમના રાજકિય ગુરૂ આનંદ દિઘે પડખે આવ્યા અન તેમને પોતાના સહિત અન્યોના આંસુ લૂછવા પ્રોત્સાહિત કર્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસમત હાંસલ કર્યા પછી પોતાના સંતાનોને યાદ કરીને ભાંગી પડ્યા હતા.
પુત્ર ડો. શ્રીકાંત શિંદે બે મુદતથી લોકસભા સાંસદ
હાલ એકનાથના પરિવારમાં પત્ની લતા અને પુત્ર શ્રીકાંત શિંદે છે. તેમની પત્નીના નામે કન્સ્ટ્રક્શનના વ્યવસાય ચાલે છે જ્યારે પુત્ર શ્રીકાંત ઓર્થોપેડિક સર્જન હોવાની સાથે સાથે કલ્યાણ લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ સતત બીજી મુદત માટે આ બેઠક પરથી સાંસદ તરીકે સતત બીજીવાર ચૂંટાઇ આવ્યા છે.
એકનાથ પર એક નજર
• 11 કરોડ 56 લાખ રૂપિયા કરતા વધુ સંપત્તિના માલિક • 2.10 કરોડ રૂપિયાની અસ્થાયી સંપત્તિ • 9.45 કરોડ રૂપિયાની સ્થાયી સંપત્તિ
• 06 મોટરકારના માલિક • 01 પિસ્તોલની માલિકી • 01 રિવોલ્વરની માલિકી • 18 ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે
એકનાથ શિંદેની રાજકીય સફર
• 1997માં પહેલીવાર થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા
• 2001માં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગૃહના નેતા તરીકે વરણી
• 2002માં ફરી એકવાર થાણે કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા
• 2004માં પહેલીવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા
• 2009માં બીજીવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્યપદે ચૂંટાયા
• 2014માં ત્રીજીવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા
• ઓક્ટોબર-ડિસેમ્બર 2014 સુધી વિધાનસબામાં વિપક્ષના નેતા તરીકે રહ્યા
• 2014થી 2019 સુધી મહારાષ્ટ્ર સરકારમાં પબ્લિક વર્ક્સ કેબિનેટ મંત્રી
• 2014થી 2019 થાણે જિલ્લાના ગાર્ડિયન મંત્રી રહ્યા
• 2018માં શિવસેનાના પાર્ટી નેતા તરીકે વરણી
• 2019માં મહારાષ્ટ્ર સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે નિમાયા
• 2019માં ચોથીવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા
• મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં અર્બન ડેવલપમેન્ટ મંત્રી નિમાયા
• 2019માં જ તેમણે કાર્યકારી ગૃહમંત્રી તરીકે પણ ફરજ બજાવી
• 2020માં ફરી થાણે જિલ્લાના ગાર્ડિયન મંત્રી તરીકે વરણી