નવી દિલ્હીઃ પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સોમવારે વિધાનસભા ચૂંટણીનું આખરી તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના તારણ રજૂ થયા છે. જે અનુસાર ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની સરકાર રચાશે, જ્યારે મેઘાલયમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળતી જણાતી નથી. આ ત્રણેય રાજ્યોમાં પરિણામ બીજી માર્ચે - ગુરુવારે જાહેર થવાના છે.
પોલ ઓફ એક્ઝિટ પોલમાં ક્યા રાજ્યમાં કોણ જીતશે તેનો અંદાજ આવી ગયો છે. ત્રિપુરામાં એક જ તબક્કામાં 16 ફેબ્રુઆરીએ જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં એક જ તબક્કામાં સોમવારે 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ એક્ઝિટ પોલ પર નજર રાખીએ તો નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપ અને તેનું ગઠબંધન સરકાર બનાવશે તો મેઘાલયમાં ત્રિશંકુ સરકાર રચવાની સંભાવના છે.
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી અંગે આવેલા એક્ઝિટ પોલમાં અહીં ભાજપની સરકાર ફરી બનતી નજરે ચડે છે. વિધાનસભાની કુલ 60 બેઠકો છે. જેમાં 45 ટકા મત સાથે ભાજપને 31 તો લેફ્ટ ફ્રંટને 15 સીટો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને એક પણ સીટ મળતી નહિ હોવાનો અંદાજ છે. ઇંડિયા ટૂડેના એક્ઝિટ પોલ મુજબ ત્રિપુરામાં ભાજપ સહેલાઇથી બહુમતી હાંસલ કરી લેશે. ભાજપને ત્રિપુરામાં 36થી 45 બેઠકો મળવાની ધારણા વ્યક્ત કરાઇ છે. ‘ટાઇમ્સ નાઉ-ઇટીજી રિસર્ચ’ના એક્ઝિટ પોલ મુજબ ત્રિપુરામાં ભાજપને 21થી 27, લેફ્ટ ફ્રંટને 18થી 24 તો કોંગ્રેસને એક પણ સીટ નહિ મળવાનું અનુમાન છે. ‘ઝી ન્યૂઝ-મેટ્રીઝ’ના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 29થી 36, લેફ્ટ ફ્રન્ટને 13થી 21 તો કોંગ્રેસને એક પણ સીટ નહિ મળે.
નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી માટે થયેલા મતદાન પછી આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ-એનડીપીપી ગઠબંધનને બહુમતિ મળતી દેખાઇ રહી છે. વિવિધ એક્ઝિટ પોલની સરેરાશના આધારે પોલ ઓફ એક્ઝિટ પોલમાં ભાજપ-એનડીપીપી ગઠબંધનને વિધાનસભાની કુલ 60માંથી 42, કોંગ્રેસને 1 અને એનપીએફને છ સીટો મળવાનું અનુમાન છે. ‘ઝી ન્યૂઝ-મેટ્રીઝ’ના એક્ઝિટ પોલ મુજબ, નાગાલેન્ડમાં ભાજપ-એનડીપીપી ગઠબંધનને 35થી 43 સીટો પર જીત હાંસલ થવા સંભાવના છે. આ સર્વેક્ષણ મુજબ 60 સીટની નાગાલેન્ડ વિધાનસભામાં કોંગ્રેસ માત્ર એકથી ત્રણ સીટો જ જીતી શકશે. આમાં પણ એનપીએફને બેથી પાંચ સીટો મળવાનું અનુમાન છે.
‘ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઇન્ડિયા’ના એક્ઝિટ પોલ મુજબ ભાજપ-એનડીપીપી ગઠબંધનને 38થી 48, કોંગ્રેસને 1થી 2 અને એનપીએફને 3થી 8 સીટો હાંસલ થવાનું અનુમાન છે. ‘ટાઇમ્સ નાઉ-ઇટીજી રિસર્ચ’ના એક્ઝિટ પોલમાં ભાજપને 39થી 40, કોંગ્રેસને શૂન્ય અને એનપીએફને 4થી 8 સીટો મળતી દેખાય છે.
મેઘાલય વિધાનસભાની ચૂંટણી અંગે પોલ ઓફ એક્ઝિટ પોલમાં કુલ 60માંથી ભાજપને માત્ર 6, કોંગ્રેસને 6 અને એનપીપીને 20 સીટો મળવાનું અનુમાન છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપને ચારથી 8, કોંગ્રેસને 6-11 અને એનપીપીને 18-24 બેઠકો જીતવાનું અનુમાન છે. ‘જન કી બાત’ના એક્ઝિટ પોલમાં મેઘાલયમાં ભાજપને ત્રણથી સાત, કોંગ્રેસને છથી 11 અને એનપીપીને 11થી 16 બેઠકો મળી શકે છે. ટાઇમ્સ નાઉ-ઇટીજી રિસર્ચ મુજબ ભાજપને ત્રણથી છ, કોંગ્રેસને 2થી 5 અને એનપીપીને 18થી 26 સીટો મળવાનું અનુમાન છે. ‘ઝી ન્યૂઝ-મેટ્રીજ’નો અંદાજ છે કે ભાજપને 6થી 11, કોંગ્રેસને 3થી 6 અને એનપીપીને 21થી 26 સીટો મળી શકે છે.
ભાજપે ઉત્તરપૂર્વમાં તેનો પગપેસારો કરી દેશે. નવા એક્ઝિટ પોલમાં ત્રિપુરા અને નાગાલેન્ડમાં તેની સરકાર બનતી દેખાય છે. જોકે મેઘાલયમાં ત્રિશંકુ સરકારની રચનાનું અનુમાન છે. ભાજપના ગઠબંધનની સરકાર નાગાલેન્ડમાં સત્તા પર પાછી ફરશે.