નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ ત્રીજા કાર્યકાળની સરકારમાં જુદા જુદા પ્રધાનોને સોમવારે સાંજે ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. લોકોની ધારણા મુજબ મોદીએ મહત્વનાં ખાતા ભાજપમાંથી ચૂંટાયેલા પ્રધાનો પાસે જ રાખ્યા હતા. મોદીએ વડાપ્રધાન તરીકે તમામ નીતિવિષયક બાબતો તેમજ પર્સોનલ અને જાહેર ફરિયાદને લગતા વિભાગો તેમની પાસે રાખ્યા હતા. આ ઉપરાંત એટમિક એનર્જી અને સ્પેસને લગતી બાબતો તેમની પાસે રાખી હતી. મહત્વનું ગૃહ મંત્રાલય તેમનાં નિકટનાં મનાતા અમિત શાહને આપવામાં આવ્યું હતું. દેશની સુરક્ષાને મહત્વ આપીને સંરક્ષણ મંત્રાલય ફરી એક વાર રાજનાથ સિંહને સોંપવામાં આવ્યું હતું. અશ્વિની વૈષ્ણવને રેલવે તેમજ માહિતી પ્રસારણ તેમજ આઈટી મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો હતો. મોદી 3.0માં 10 પ્રધાનો એવા છે કે જેમના અગાઉના ખાતા જળવાઈ રહ્યા છે. તેમાં અમિત શાહ, રાજનાથ, નિર્મલા સીતારામન, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન સર્બાનંદ સોનોવાલ વગેરે મંત્રીઓનો સમાવેશ થાય છે. વિશ્વ સ્તરે ઝડપથી સમીકરણો બદલાઈ રહ્યા છે ત્યારે તમામ દેશો સાથે સંબંધો જાળવીને ફૂટનીતિભરી વિદેશ નીતિના અમલમાં માહેર એસ. જયશંકરને કરી વિદેશ પ્રધાન બનાવાયા છે.
એકનાથ શિંદે - અજિત પવાર નારાજ
નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રીઓની ફાળવણીના મુદ્દે અજિત પવારની એનસીપી પછી એકનાથ શિંદેની શિવસેનાએ પણ નારાજગી દર્શાવી છે. તેમણે સાથી પક્ષોને મંત્રીપદ આપવાની બાબતમાં પક્ષપાત થયો હોવાનું જણાવ્યું છે. જોકે, પક્ષે મોદી સરકારને સંપૂર્ણ ટેકો હોવાની વાત ભારપૂર્વક જણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના મંત્રીઓએ રવિવારે શપથ લીધા ત્યારે શિંદે સેનામાંથી માત્ર પ્રતાપરાવ જાધવને મંત્રી બનાવાયા હતા. તેમને રાજ્ય મંત્રીનો સ્વતંત્ર પ્રભાર સોંપાયો છે. અજિત પવારની એનસીપીએ રવિવારે રાજ્યકક્ષાના મંત્રીની ભાજપે કરેલી ઓફર સ્વીકારવા ઈનકાર કર્યો હતો. પક્ષે રાજ્યસભાના સભ્ય પ્રફુલ પટેલના અનુભવને આધારે કેબિનેટ મંત્રીનો હોદ્દો માંગ્યો હતો. બર્નેએ જણાવ્યું હતું કે, ‘અમે 15માંથી સાત બેઠક જીતી મેળવી છે. ભાજપને 28માંથી 9 બેઠક મળી છે.
એનડીએ મજબૂત થયોઃ સંખ્યા 303
એનડીએના સભ્યોની સંખ્યા 293થી વધીને 303 થઈ ગઈ છે. 17 સાંસદો એવા છે કે જે ન તો એનડીએમાં છે અને ન તો ‘ઈન્ડિયા’માં. જેમાંથી 7 અપક્ષ છે, ચાર જગન મોહનની પાર્ટીના છે અને એક બીજુ જનતા દળનો છે. આ સિવાય AIMIMમાંથી એક VPPમાંથી એક, JDPPMમાંથી એક, ASKPRમાંથી એક અને BAPમાંથી એક. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આમાંથી 10 સાંસદો NDAમાં જોડાઈ ગયા છે. જે બાદ એનડીએનો આંકડો 293થી 303 પર પહોંચી ગયો છે.
ઇતિહાસમાં સૌથી મજબૂત વિપક્ષ
લોકસભા ચૂંટણીમાં વિપક્ષી 'ઈન્ડિયા’ મહાગઠબંધને 234 સીટ લાવીને અત્યાર સુધીનો સૌથી મજબૂત વિપક્ષ બનીને ઇતિહાસ રચ્યો છે. રાજકીય વિશ્લેષકો અનુસાર એનડીએ સરકાર બની તો છે, પણ ગૃહમાં તેમની મનમાની વધુ નહીં ચાલે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, મમતા, ઉદ્ધવ અને સુપ્રિયા સુલે પડકાર ફેંકશે. રાયબરેલી અને વાયનાડથી ભારે જીત અને ભારત જોડો યાત્રા, ન્યાય યાત્રા, બંધારણ અને અનામત બચાવવાની વાત કરનારા રાહુલની છબી હવે ગંભીર રાજકીય નેતાની છે. રાહુલે પણ મોંઘવારી, બેરોજગારી, ખેતી-ખેડૂતોના પડકારોથી લઇને દલિતો-આદિવાસીઓ અને વિશેષ રીતે યુવાઓના મૂળભૂત મુદ્દાઓ માટે અવાજ ઉઠાવ્યો છે. તેનાથી તે પણ સ્પષ્ટ થાય છે કે જનતાથી જોડાયેલા મુદ્દાઓ પર તેમની પકડ મજબૂત છે. ઉત્તર પ્રદેશમાં 37 સીટ જીતનારા અખિલેશ યાદવ મજબૂતીથી ઉભરશે. જ્યારે બંગાળમાં ટીએમસીએ 29 સીટ જીતી લીધી. તેનાથી મમતા બેનર્જીનો જુસ્સો વધશે. મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી)ના શ્રેષ્ઠ પ્રદર્શનથી ઉદ્ધવ ચિત્રમાં આવ્યા છે.