‘એક સુવાક્ય યાદ રાખજો: જો તમારે મિલિયોનેર બનવું હોય તો, અબજ ડોલર સાથે શરૂઆત કરો અને એરલાઇન શરૂ કરો.’ બેએક વર્ષ પૂર્વે ઉદ્યોગપતિ આનંદ મહિંદ્રાએ સંકટગ્રસ્ત જેટ એરવેઝને ખરીદી લેવી જોઈએ તેવી સલાહ એક ટ્વિટરાઇટે આપતા મહિંદ્રાએ આ જવાબ આપ્યો હતો. ભારતમાં આજે અનેક એરલાઇન્સ કંપનીના હાલ જોતાં મહિંદ્રાની વાત સો ટચના સોના જેવી સાચી લાગે. આમ છતાં જ્યારે તાતા ગ્રૂપની એર ઇંડિયા માટેની બોલી મંજૂર થઈ ત્યારે લગભગ કોઈને આશ્ચર્ય ન થયું.
૧૯૫૩ સુધી એર ઈન્ડિયા તાતાની માલિકીની જ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આખા જગતની વિમાની કંપનીઓ ભયાનક ભીંસમાં હતી ત્યારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એર ઈન્ડિયા સહિત ૮ એરલાઈન્સનું રાષ્ટ્રીયકરણ કરીને સરકારી માલિકીની બનાવી નાંખી હતી. આજે ૬૮ વર્ષ પછી સરકાર પાસેથી તાતાએ એર ઈન્ડિયા પાછી મેળવી છે. નેહરુએ એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે જહાંગીર રતનજી દાદાભોય (જેઆરડી) તાતાએ ટકોર કરી હતી કે રાષ્ટ્રીયકરણ કરશો તો અમલદારશાહી હાવી થઈ જશે અને કંપની ટકી નહીં શકે. ૬૮ વર્ષે જેઆરડીના શબ્દો સાચા પડયા છે.
જોકે જેઆરડીનો ‘પ્રથમ પ્રેમ’ એર ઇંડિયા ફરી તાતા ગ્રૂપ પાસે આવી ગયો છે. તાતા ગ્રૂપ દ્વારા હાલ ભારતમાં બે એરલાઇન્સનું સંચાલન થાય છે, જેમાં તાતા ગ્રૂપ તથા સિંગાપુર એરલાઇન્સના સંયુક્ત સાહસ ‘વિસ્તારા’ તથા ‘એર એશિયા’નો સમાવેશ થાય છે.
કરાચીથી બોમ્બે વાયા અમદાવાદ
બ્રિટિશ કાર્યકાળ દરમિયાન ૧૯૩૨માં જેઆરડી તાતાએ પ્રથમ ભારતીય વિમાન કંપની તાતા એરલાઇન્સની સ્થાપના કરી હતી, જેઓ કંપનીના પાઇલટ પણ હતા. કંપનીની સ્થાપના પાછળ રૂ. બે લાખનો ખર્ચ થયો હતો. જેઆરડીને લોકો ‘જેહ’ના હુલામણા નામથી ઓળખતા. કરાચીથી તેઓ પહેલી ફ્લાઇટમાં ૨૭ કિલોગ્રામ ટપાલ લઈને બોમ્બે પહોંચ્યા હતા. રસ્તામાં તેમણે અમદાવાદમાં ઉતરાણ કર્યું હતું. બહુ ટૂંકા રોકાણ દરમિયાન તેઓ વિમાનમાં ફ્યુલ ભરાવીને બોમ્બે રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે ખાસ તૈયારી કરાઇ હતી. ફ્યુલ ટેન્કને શણગારેલા બળદગાડામાં ગોઠવીને વિમાન સુધી લઇ જવાઇ હતી. બોમ્બેથી તેઓ ફ્લાઇટ લઇને ચેન્નઈ પહોંચ્યા હતા.
તાતા એરલાઇન્સ જુલાઈ-૧૯૪૬માં પબ્લિક લિમિટેડ કંપની બની અને તેનું નામ એર ઇન્ડિયા લિમિટેડ થયું. ૧૯૪૯માં સરકારે કંપનીમાં ૪૯ ટકા હિસ્સો ખરીદ્યો તથા ૧૯૫૩માં તેનું રાષ્ટ્રીયકરણ કરાયું.
આ સરકારી જાહેરાત પછી જેઆરડીએ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સાથે મુલાકાત કરી હતી. નેહરુએ તેમને કહ્યું કે ‘તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનું રાષ્ટ્રીયકરણ કરવાનો નીતિવિષયક નિર્ણય લેવાયો છે.’ આથી જેઆરડી સમસમી ગયા. બાદમાં નેહરુએ તેમને કંપનીના ચેરમેનપદે બહાલ રાખ્યા.
જેઆરડી સાથે સરકારનો વિશ્વાસઘાત
સામાજિક રીતે નેહરુ-ગાંધી પરિવાર સાથે તાતાને નિકટતા હતી, પરંતુ તેમને સમાજવાદી આર્થિક મોડેલ પસંદ ન હતું એટલે તેમની વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. જોકે, ઇંદિરા ગાંધીએ પણ તેમને એર ઇંડિયાના ચેરમેનપદે બહાલ રાખ્યા હતા. જેઆરડી પણ વિમાનની સીટ, પડદા, ઇન્ટિરિયર, કટલેરી સહિતની નાનામાં નાની બાબતોમાં વ્યક્તિગત રસ લેતા હતા. તેઓ જાણતા હતા કે મોટું નાણાકીય ભંડોળ ધરાવતી આંતરરાષ્ટ્રીય વિમાન કંપનીઓ સામે ટકવું એર ઇન્ડિયા માટે મુશ્કેલ બનવાનું છે. આથી તેમણે સેવા તથા સમયપાલન ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. ૧૯૭૮માં જેઆરડીને એર ઇન્ડિયાના બોર્ડમાંથી પડતા મૂકાયા, પણ સરકારે તેમને જાણ કરવાનું પણ ઉચિત સમજી નહીં. તેમના સ્થાને જેની નિમણૂક કરાઇ હતી, તેણે જેઆરડીને આ માહિતી આપી. સરકારના આ અભિગમથી જેઆરડી ખૂબ નારાજ થયા હતા. જે કંપનીની તેમણે ૪૬ વર્ષ સુધી માવજત કરી હતી તેનાથી અચાનક જ અળગા કરી દેવાયા હોવાથી તેમને લાગ્યું કે છેહ મળ્યો છે. જેઆરડીએ નારાજગી વ્યક્ત કરી. મોરારાજી દેસાઈએ આ મામલે તેમની માફી માગી હતી. આ અંગે પત્રાચાર લંબાતા દેસાઈએ કહ્યું કે નવા લોકો તૈયાર થાય તે માટે આમ કરવું જરૂરી હતું.
૧૯૮૬માં તત્કાલીન રાજીવ ગાંધી સરકાર દ્વારા એર ઇન્ડિયાના બોર્ડનું પુનર્ગઠન થયું. આ સમયે ૮૨ વર્ષની જૈફવયે જેઆરડીનું નામ પડતું મૂકાયું છતાં તેઓ ખુશ હતા, કારણ કે નવા ચેરમેન રતન તાતા હતા. રતન તાતા અત્યારે તાતા ગ્રૂપના ચેરમેન એમિરેટસ છે અને હવે તેમના નેતૃત્વમાં જ એર ઇંડિયાનું ચક્ર પૂર્ણ થવામાં છે.
'મહારાજા' ગુલામ હતા?
હરીશ ભટ્ટના પુસ્તક ‘તાતા સ્ટોરીઝ ૪૦ ટાઇમલેસ ટેલ ટુ ઇન્સ્પાયર યુ’માં ૩૫મું પ્રકરણ ‘ધ મહારાજા મેન’ના નામે એર ઇન્ડિયાના માસ્કોટ વિશે છે. તેની પાછળ જેઆરડીના મિત્ર સોરાબ કાકીખુશરો કોકા ઉર્ફે બોબી કોકા હતા, જેમની ગણતરી ભારતના માર્કેટિંગ દિગ્ગજોમાં થાય છે. તાતા એરલાઇન્સના સેક્રેટરી તરીકે અમુક વર્ષ પસાર કર્યા બાદ કોકાને લાગ્યું કે ભારતીય મોહકતા તથા આકર્ષણ હોય એવો એક માનવીય ચહેરો એર ઇન્ડિયાને આપવાની જરૂર છે. તેમણે તત્કાલીન બોમ્બેની ચર્ચગેટ બુકિંગ ઓફિસ ખાતે આ અંગે પ્રયાસો શરૂ કર્યા. જ્યાં તેમણે એવા રાજવીના પ્રતીકને મૂક્યા જે જાદુઈ ચટ્ટાઈ ઉપર બેઠા છે અને હુક્કો ગગડાવી રહ્યાં છે. આ હતું ‘મહારાજા’નું પ્રારંભિક સ્વરૂપ. આગળ જતાં ભારતના આ એડ્વર્ટાઇઝિંગ માસ્કોટે પ્રચાર અભિયાન દ્વારા લાખો કરોડો ભારતીયોનું હૃદય જીત્યું. કોકાએ એડ્વર્ટાઇઝિંગ એજન્સી વોલ્ટર થોમસનના ઉમેશ રાવ સાથે મળીને વર્ષ ૧૯૪૬માં તેનું સર્જન કર્યું હતું. જેનો ચહેરો ગોળ હતો, મૂંછો મોટી હતી, માથા પર પાઘડી હતી ને નાક લાંબુ હતું. આજે ગુગલ દ્વારા ડૂડલ મારફત લોકોનું ધ્યાન આકર્ષિત કરવા પ્રયાસ થાય છે, પરંતુ મહારાજા થકી આવું લગભગ ૭૫ વર્ષ પહેલાં કરાતું. જે પેરિસમાં લવરબોય બને છે, જાપાનમાં સુમો, રોમમાં રોમિયો તો ઋષિકેશમાં ગુરુ બને છે. હાલમાં જેમ અમૂલની જાહેરાતો દ્વારા સાંપ્રત રાજકીય-સામાજિક પરિસ્થિતિ ઉપર કટાક્ષ કરાય છે, એવું જ અગાઉ ‘મહારાજા’ દ્વારા થતું અને જેઆરડીએ તેના માટે પ્રધાનો, સંસદસભ્યો તથા અધિકારીઓની માફી માગવી પડતી હતી. છતાં કોકાની કટાક્ષયાત્રા ચાલુ રહેવા પામી હતી. કોકાએ તાતા એરલાઇન્સની આંતરરાષ્ટ્રીય ઓફિસોમાં તસવીરો, પેઇન્ટિંગ, ડાન્સ તથા સ્થાપત્યો દ્વારા ભારતીય સ્પર્શ આપવાનો પ્રયાસ કર્યો. જોકે, ટીકાકારોના મતે ‘મહારાજા’ સંસ્થાનવાદી માનસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે કેમ કે જે પ્રકારે અંગ્રેજો દ્વારા વેઇટરોને પાઘડી તથા રાજવી જેવા કપડાં પહેરાવી તત્કાલીન રાજવીને ઊતરતા દર્શાવવા પ્રયાસ કરાતો હતો તેવું જ ‘મહારાજા’માં જોવા મળે છે. વળી, નામ પણ ‘મહારાજા’ રાખવામાં આવ્યું હતું. જોકે કોકાએ ‘મહારાજા’ને લોન્ચ કરતી વખતે કહ્યું હતું: ‘અમે સારું વિવરણ ઇચ્છતા હતા એટલે તેને ‘મહારાજા’ નામ આપ્યું હતું, પરંતુ તે રાજવી નથી. તેનામાં રાજવી ભવ્યતા છે, પરંતુ તે રજવાડી નથી.’
એર ઇન્ડિયાનું તાતાને ‘નમસ્તે’
એર ઇન્ડિયાના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર તથા ‘ડિસ્સેંટ ઓફ એર ઇન્ડિયા’ નામનું પુસ્તક લખનારા જિતેન્દ્ર ભાર્ગવે તાજેતરમાં એક વેબચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ‘જો થોડાક સમય માટે એર ઇન્ડિયાના દેવાને અવગણીને વિચારવામાં આવે તો એર ઇન્ડિયાની અનેક સબળ બાબતો છે. તેની પાસે ખૂબ સબળ એરોનોટિકલ એસેટ્સ છે. જેમાં વરિષ્ઠ અને અનુભવી પાઇલોટ, એન્જિનિયર અને પ્રશિક્ષિત સ્ટાફનો સમાવેશ થાય છે. કંપની પાસે સારા વિમાન છે અને દુનિયાના અનેક શહેરમાં તેના સ્લોટ છે એટલે તાતા ગ્રૂપ માટે તે ફાયદાનો સોદો બની રહે તેમ છે.’
આજે એર ઇન્ડિયા ફરી તાતાના ખોળામાં તો છે પણ પડકારોય ઘણા છે. એર ફ્યુલના ભાવ સતત વધી રહ્યા છે, ડોલરની સામે રૂપિયો નબળો પડવાથી ઓપરેશનલ લોસ વધી ગયો છે, વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા પ્રવર્તમાન છે. કોવિડ-૧૯ની વચ્ચે મુસાફરોને ફરી હવાઈ મુસાફરી તરફ વાળવા પડે તેમ છે. તાતા ગ્રૂપ આગવી પ્રતિષ્ઠા ધરાવતું મોટું બિઝનેસ ગ્રૂપ છે, પણ ખોટ કરતી એરલાઇન્સ પાછળ રોકવાની જંગી રકમ પણ મોટો પડકાર બની રહેશે.
એર ઇન્ડિયાના માઇલસ્ટોન
• ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ જેઆરડી તાતાએ કરાચીથી મુંબઈની પહેલી ઉડ્ડાણ ભરી હતી. ત્યારબાદ તેની ૩૦મી તથા ૫૦મી વર્ષગાંઠે પણ જેઆરડીએ અગાઉ જેવા જ જોશ સાથે તેનું પુનરાવર્તન કર્યું હતું.
• ફેબ્રુઆરી-૨૦૨૦માં કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી હતી. ત્યારે કોરોનાના ઉદ્દભવબિંદુ એવા ચીનના વુહાન શહેરમાંથી એર ઇન્ડિયા ભારતીયોને સલામત રીતે પરત લાવ્યું હતું. લોકડાઉન દરમિયાન દવા તથા તબીબી સામગ્રીની હેરફેર કરી હતી.
• ‘વંદે ભારત મિશન’ હેઠળ વિદેશમાં ફસાયેલા લાખો ભારતીયોને વતન પરત લાવવા માટે એર ઇન્ડિયાના સ્ટાફે દિવસરાત જોયા વગર અનેક વિશેષ ઉડ્ડાણ ભરી હતી.
• ૧૯૮૫માં ભારતની સરકારી એરલાઇન કંપનીના 'કનિષ્ક' વિમાનને ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરીને ઉડાવી દેવામાં આવ્યું હતું, જેમાં ૩૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ દુનિયાભરની એરલાઇન્સ કંપનીઓને સુરક્ષાસંદર્ભે વધુ પગલાં લેવા મજબૂર કરી. ઉગ્રવાદીઓએ ૯/૧૧ના વિમાનોનું અપહરણ કરીને તેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પેન્ટાગોન સાથે ટકરાવીને સેંકડો નિર્દોષોના જીવ લીધા તે પહેલાં ‘કનિષ્ક’ હવાઈ ઇતિહાસની સૌથી મોટી ઉગ્રવાદી દુર્ઘટના હતી.
• ૧૯૯૯માં એર ઇન્ડિયા હસ્તકની ઇન્ડિયન એરલાઇન્સના વિમાન આઈસી-૮૧૪નું અપહરણ કરીને તેને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવ્યું હતું.
• બહુ થોડા લોકોને યાદ હશે કે ૧૯૯૯ આસપાસ એર ઇન્ડિયા દ્વારા દિલ્હી-મુંબઈ વચ્ચે મેટ્રો શટલ યોજના શરૂ કરાઇ હતી, જેમાં દર એક કલાકે ફ્લાઇટ ઉપડતી હતી.
• ૧૯૯૦માં ઇરાક દ્વારા કુવૈત ઉપર હુમલો કરાયો ત્યારે ખાડી દેશોમાં ફસાયેલા લગભગ દોઢ લાખ લોકોને ૫૯ દિવસમાં વતન પરત લાવવામાં આવ્યા હતા. આ માટે રાષ્ટ્રીયકૃત એરલાઇન્સના સ્ટાફે દિવસરાત મહેનત કરી હતી. આ અભિયાનને વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યું હતું.
• આજે ખાનગી ક્ષેત્રની અનેક એરલાઇનના ટોચના સ્થાને બેઠેલા લોકો એક સમયે એર ઇન્ડિયામાં કાર્યરત હતા, જેનું કંપની ગર્વ પણ લઈ શકે છે. જોકે, કંપનીના ગુણદોષ જાણતા લોકોને કારણે સરકારી કંપનીના ભોગે ખાનગી એરલાઇન્સ કંપનીઓનો વિકાસ શક્ય બન્યો.