નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીનો તખતો ગોઠવાઇ ગયો છે. દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, અને ચોથી જૂને પરિણામ જાહેર થશે. લોકસભાની 543 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં કુલ 96.88 કરોડ મતદારો ભાગ લેશે. આ સાથે જ ચાર રાજ્યો - આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની કુલ 444 બેઠકો માટે મતદાન થશે. 81 દિવસ લાંબા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શનિવારે કરેલી જાહેરાત અનુસાર, પહેલા તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે પહેલી જૂને મતદાન થશે. દેશમાં સૌથી વધુ ..... લોકસભા બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહાર () અને પશ્ચિમ બંગાળ ()માં સાત તબક્કામાં મતદાન થશે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂર્ણ થઈ રહ્યો હોવાથી તે પહેલાં નવી લોકસભાની રચના થઇ જવી જરૂરી છે.
ગુજરાતમાં 7 મેએ મતદાન
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. આ સાથે જ રાજ્ય વિધાનસભામાં ખાલી પડેલી છમાંથી પાંચ બેઠકો પર પેટા-ચૂંટણી પણ યોજાશે. કોંગ્રેસ અને ‘આપ’ના ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલી આ બેઠકોમાં પોરબંદર, માણાવદર, ખંભાત, વિજાપુર અને વાઘોડિયાનો સમાવેશ થાય છે. વિસાવદર બેઠકના ચૂંટણી પરિણામનો મામલો કોર્ટમાં પેન્ડીંગ હોવાથી ત્યાં પેટા-ચૂંટણીની જાહેરાત કરાઇ નથી. દેશવિદેશમાં વસતાં ભારતીયો દ્વારા ભારે ઉત્સુક્તા સાથે જેની રાહ જોવાઇ રહી હતી તે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ દેશમાં રાજકીય ચહલપહલ ચરમસીમાએ પહોંચી છે.