ઐતિહાસિક સમજૂતીઃ અફઘાનિસ્તાનમાં શાંતિનો સૂરજ, અમેરિકા-તાલિબાન વચ્ચે કરાર

Wednesday 04th March 2020 05:00 EST
 
 

દોહા: છેલ્લા બે દસકાથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં આગામી દિવસોમાં શાંતિનો સૂરજ ઉગે તેવા અણસાર છે. ઉગ્રવાદી તાલિબાનો સાથે ૧૭ મહિના લાંબી મંત્રણાઓ બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ૧૮ વર્ષથી ચાલતા યુદ્ધનો અંત લાવવા સંમતિ દર્શાવી છે. કતારની રાજધાની દોહામાં શનિવારે અમેરિકા અને તાલિબાનો વચ્ચે થયેલા શાંતિ કરાર અનુસાર અમેરિકા અફઘાનિસ્તાનમાંથી તબક્કાવાર સેના પાછી ખેંચી લેશે.
દોહામાં શાંતિ કરાર પર હસ્તાક્ષર પહેલાં અમેરિકા અને અફઘાનિસ્તાન દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે, જો તાલિબાન કરારની તમામ શરતોનું ચુસ્તતાથી પાલન કરશે તો અમેરિકા ૧૪ મહિનામાં અફઘાનિસ્તાનમાંથી તેની તમામ સેના પાછી ખેંચી લેશે. કરારના ૧૩૫ દિવસમાં અમેરિકા તેના ૮,૦૦૦ સૈનિકોને પરત બોલાવી લેશે. હાલ અફઘાનિસ્તાનમાં નાટોના ૧૬,૫૦૦ સૈનિકો છે. અમેરિકા અને તેના સાથી દેશો ૧૪ મહિનામાં અફઘાનિસ્તાનમાંથી સેના પાછી ખેંચી લેશે અને ત્યારબાદ તેમના તમામ બેઝ પરથી સુરક્ષા દળોને પાછા ખેંચી લેવાશે.
કતારના પાટનગરમાં શનિવારે અમેરિકા અને તાલિબાન વચ્ચેના શાંતિ કરાર માટે ૩૦ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વિદેશ પ્રધાનો અને પ્રતિનિધિઓ પહોંચ્યા હતા. કતારના દોહા ખાતે અમેરિકા અને તાલિબાન વચ્ચે થઈ રહેલા કરાર વેળા પહેલીવાર ભારતને પણ હાજર રહેવા આમંત્રણ અપાયું હતું. કતારની સરકાર દ્વારા મળેલા આમંત્રણના પગલે દોહા ખાતે ભારતના રાજદૂત પી. કુમારને કરારના સમારોહમાં હાજરી આપી હતી.

હુમલા ન કરવા તાલિબાનનો આદેશ

અમેરિકા સાથે શાંતિ કરાર કરતાં જ તાલિબાને તેના તમામ લડાકુઓને કોઈ પણ પ્રકારના હુમલા નહીં કરવા આદેશ આપ્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબિઉલ્લાહ મુજાહિદ્દે જણાવ્યું હતું કે, દેશની ખુશહાલી માટે અમારા તમામ લડાકુઓને કોઈ પણ પ્રકારના હુમલાથી દૂર રહેવાનો આદેશ આપી દેવાયો છે. અમે આશા રાખીએ છીએ કે અમેરિકા તેણે આપેલા તમામ વચનોનું પાલન કરશે. જ્યારે વિદેશી વિમાનો અમારા પ્રદેશ પર ઉડાન ભરે છે ત્યારે અમને તે ઉશ્કેરણીજનક લાગે છે.

અફઘાનિસ્તાન નવા ભવિષ્યની તક ઝડપે: ટ્રમ્પ

તાલિબાન સાથે શાંતિ કરારની પૂર્વ સંધ્યાએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું તે અફઘાનિસ્તાનની જનતા નવા ભવિષ્યની તક ઝડપી લે. જો તાલિબાન અને અફઘાનિસ્તાનની સરકાર તેમના વચનોનું પાલન કરશે તો અફઘાનિસ્તાનમાં યુદ્ધનો અંત આવી જશે અને અમારી સેનાઓ વતન પરત ફરશે.

૯/૧૧ પછી અમેરિકા અફઘાનિસ્તાન પર ત્રાટક્યું હતું

ન્યૂ યોર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ અલ કાયદા દ્વારા કરાયેલા આતંકવાદી હુમલા બાદ તત્કાલીન અમેરિકી પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશે અફઘાનિસ્તાન પર હુમલાના આદેશ આપ્યા હતા. થોડા મહિનામાં જ અમેરિકાના નેતૃત્વમાં નાટોની સેનાઓએ તાલિબાન, ઓસામા બિન લાદેન અને અલ કાયદાના ટોચના આતંકવાદીઓને પાકિસ્તાનની સરહદમાં નાસી જવા મજબૂર કરી દીધાં હતાં. જોકે તાલિબાનોની લડાઇનો ક્યારેય અંત આવ્યો નહોતો. તાલિબાનો ફરી એક વાર એકત્ર થયા હતા અને અત્યારે અડધા અફઘાનિસ્તાન પર તેમનો કબજો છે.

કેદીઓની મુક્તિનું કોઇ વચન નથી આપ્યુંઃ પ્રમુખ ગની

અમેરિકા-તાલિબાનો વચ્ચે શાંતિ કરાર થયાના બીજા દિવસ રવિવારે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગનીએ જણાવ્યું હતું કે અફઘાન સરકારે અમેરિકા અને તાલિબાની ઇસ્લામિક જૂથો વચ્ચે સધાયેલી સમજૂતી અંતર્ગત ૫૦૦૦ જેટલા તાલિબાની લડાકુઓને જેલમુક્ત કરવાનું કોઇ વચન આપ્યું નથી.
કાબુલમાં પત્રકારો સાથેની વાતચીતમાં અફઘાન પ્રમુખે જણાવ્યું હતું કે અફઘાન જેલમાંથી તાલિબાનોની મુક્તિ તાલિબાની કટ્ટરપંથી જૂથોની મુક્તિની પૂર્વ શરત ના બની શકે. ઉલ્લેખનીય છે કે શનિવારે અમેરિકા-તાલિબાનો વચ્ચે સધાયેલી સંધિમાં ઉલ્લેખ છે કે બંને પક્ષકારો એકમેકમાં વિશ્વાસની લાગણી જન્માવવા માટે લડત આપી રહેલા અને રાજકીય કેદીઓને ઝડપથી મુક્ત કરવાની દિશામાં કામ કરશે.

સ્વતંત્રતાના ભોગે શાંતિ નથી ઇચ્છતી મહિલાઓ

શાંતિ કરારના પગલે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પુનરાગમન અને અમેરિકી સેનાની ઘરવાપસીનો માર્ગ તો મોકળો થયો છે, પરંતુ મહિલાઓને આશંકા છે કે આ કરારથી તેમની સ્વતંત્રતા પર ખતરો મંડરાવા લાગ્યો છે. અને અફઘાન મહિલાઓ આવી શાંતિની અવેજીમાં પોતે ખૂબ જહેમતથી મેળવેલી સ્વતંત્રતા જતી કરવા નથી માંગતી. મહિલાઓ કહે છે કે અમારે આવી શાંતિ નથી જોઈતી. અમેરિકાએ વર્ષ ૨૦૦૧માં અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું તે પૂર્વેના પાંચ વર્ષ દરમિયાન તાલિબાની જૂથો સત્તામાં હતા. આ સમયે દેશમાં શરિયા લોનો કડક અમલ થતો હોવાથી મહિલાઓ જાણે કે જેલમાં જીવન વીતાવતી હોય તેમ બંધ ઘરમાં જીવન પસાર કરતી હતી. આ પછી અમેરિકાએ આક્રમણ કર્યું અને તાલિબાન સરકારનું પતન થતાં મહિલાઓનું જીવનધોરણ બદલાયું હતું. તેમને રૂઢિવાદી બંધનોમાંથી મુક્તિ મળતાં સ્વતંત્રતાનો અહેસાસ થયો હતો. છેલ્લા લાંબા સમયથી કટ્ટરવાદી વિચારસરણીથી મુક્ત માહોલમાં જીવન વીતાવી રહેલી આ મહિલાઓને હવે ફરી એક વખત દેશમાં શરિયા લો લાગુ થવાનો ભય સતાવે છે.

શાંતિ કરારઃ ઊડતી નજરે...

• તાલિબાન તમામ શરતોનું પાલન કરશે તો અમેરિકા અને નાટો ૧૪ મહિનામાં તમામ સૈનિકો પાછા ખેંચી લેશે.
• કરાર પૂર્વે એક સપ્તાહનો આંશિક યુદ્ધવિરામ ૮૦ ટકા જેટલો સફળ રહ્યો.
• કરારના ૧૫ દિવસમાં તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે મંત્રણા શરૂ થશે, તેમાં અન્ય સશસ્ત્ર કબાયલી જૂથો પણ જોડાશે
• કરાર અંતર્ગત તાલિબાને અફઘાન જેલોમાં રહેલા તેના ૫,૦૦૦ લડાકુને મુક્ત કરવા માગ કરી છે.

ભારત માટે ચિંતાનું કારણ છે શાંતિ કરાર

અમેરિકા - તાલિબાનો વચ્ચેના કરારથી અફઘાનિસ્તાનમાં શાંતિનો માર્ગ મોકળો થયો છે તે સાચું, પરંતુ ભારત માટે આ જ બાબત ચિંતાનું કારણ બની છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તાના સૂત્રો સંભાળે તે ભારત માટે ભયજનક છે. તાલિબાનના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ હોવાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો વધવાનું જોખમ છે. એટલું જ નહીં, ભારત યુનાઇટેડ નેશન્સમાં અફઘાનિસ્તાન જેવો ગાઢ સાથી દેશ પણ ગુમાવશે. પાકિસ્તાન તરફી તાલિબાનો યુએનમાં ભારતની સાથે રહે તેવી કોઇ શક્યતા નથી. આ ઉપરાંત તાલિબાન સત્તામાં આવતાં કાશ્મીરમાં આતંકવાદ વકરવાનો ભય રહેલો છે. હાલમાં ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાનમાં સંખ્યાબંધ વિકાસકાર્યો ચાલી રહ્યા છે. આ વિકાસ કાર્યો પર પણ વિપરિત અસર પડવાનું જોખમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter