નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાનાં બોત્સવાનામાંથી મળેલા કોરોના વાઈરસનાં નવા વેરિયન્ટે વિશ્વભરમાં દહેશતનો માહોલ સર્જ્યો છે. આ વાઇરસ ફેલાય તો સમગ્ર દુનિયાને બાનમાં લઈને વિનાશ વેરે તેવું જોખમ હોવાથી બ્રિટન સહિત કેટલાય દેશોએ સાઉથ આફ્રિકા જતી-આવતી ફ્લાઇટ્સ પર નિયંત્રણો લાદયા છે તો કેટલાય દેશો આ દિશામાં પગલાં લઇ રહ્યાં છે. નિષ્ણાતો આ વાઇરસને ડેલ્ટા કરતાં પણ વધુ ખતરનાક ગણાવે છે કેમ તે અત્યાર સુધીનું સૌથી અત્યાધુનિક એટલે કે મ્યુટેડવર્ઝન હોવાનું જાણવા મળ્યું છે. તેના ૩૨થી વધુ સ્વરૂપો જોવા મળ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ જાહેર કર્યું છે કે કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી વિશ્વને ભારે ખતરો છે. આ વેરિયન્ટના ફેલાવાની ક્ષમતા અને જોખમની ગંભીરતાને લઈ હજુ પણ અનિશ્ચિતતા છે. ‘હૂ’એ એક નોંધમાં કહ્યું છેઃ ‘ઓમિક્રોનને પગલે કોવિડ-૧૯ના કેસોમાં મોટો ઉછાળો આવ્યો તો તેનાં પરિણામો ગંભીર આવી શકે છે. જોકે, ઓમિક્રોન વેરિયન્ટથી હજુ કોઈનું મૃત્યુ નથી થયું.’
આ પહેલાં ‘હૂ’એ કોવિડના હાલમાં મળેલા ‘બી.૧.૧.૫૨૯’ સ્ટ્રેનને વેરિયન્ટ ઓફ કન્સર્ન (વીઓસી) જાહેર કરતાં આનું નામ ઓમિક્રોન રાખ્યું હતું.
નવા સ્ટ્રેનને વીઓસીની યાદીમાં સામેલ કરવાનો અર્થ એ છે કે હવે ઓમિક્રોન પણ ડેલ્ટા, આલ્ફા, બીટા અને ગામા વેરિયન્ટની જેમ કોરોનાનો સૌથી વધુ હેરાન કરનારો વેરિયન્ટ છે. આ વેરિયન્ટ અંગે ‘હૂ’ને ગત ૨૪ નવેમ્બરે સાઉથ આફ્રિકામાં જાણકારી મળી હતી. આ ઉપરાંત બોત્સવાના, બેલ્જિયમ, હોંગકોંગ અને ઇઝરાયલમાં પણ આ વેરિયન્ટની હાજરી જોવા મળી છે. ભારત સહિત ઘણા દેશોમાં માંડ સ્થિતિ સામાન્ય થઈ રહી હતી, ત્યાં કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના આગમને ફરી ચિંતા વધારી દીધી છે. ઇઝરાયલથી લઈને યુકે સહિતના યુરોપિયન દેશો અને અમેરિકાથી માંડીને ઓસ્ટ્રેલિયામાં પણ નવા વેરિયન્ટને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
યુરોપિયન યુનિયનનાં એક્ઝિક્યૂટિવ ઉર્સુલા વોન ડેર લેયેને સાઉથ આફ્રિકામાં હવાઈ પ્રવાસ કરવા પર પ્રતિબંધ લાદવા દરખાસ્ત કરાઈ છે. સાઉથ આફ્રિકામાં તેના નવા ૨૨ કેસ મળી આવ્યા છે. નિષ્ણાતોએ આ વાઇરસને અસાધારણ ગણાવ્યો છે. તેના ૩૨થી વધુ સ્વરૂપો હોવાથી ‘હૂ’ દ્વારા ચર્ચા કરવા તાકીદની મિટિંગ બોલાવાઈ છે. બોત્સવાના, સાઉથ આફ્રિકા અને હોંગકોંગમાં નવા વાઇરસનાં ૨૬ કેસ પ્રકાશમાં આવ્યા છે. ચીનમાં ૩ કેસ મળતાં જ ૫૦૦ ફ્લાઇટ્સ રદ કરાઈ છે. વિન્ટર ઓલિમ્પિકને ધ્યાનમાં લઈને હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ઇઝરાયલમાં મલાવીથી આવેલા એક પ્રવાસી તેમજ અન્ય બે વ્યક્તિઓમાં નવા વેરિયન્ટ દ્વારા સંક્રમણ જણાતા ત્રણેય દર્દીને આઈસોલેટ કરાયા છે.
ઓમિક્રોન વેરિયન્ટને પગલે ઇઝરાયલથી માંડીને યુરોપિયન દેશો તથા અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં ફરી ઉચાટ જોવા મળી રહ્યો છે.
ઇઝરાયલે વિદેશીઓના આગમન પર બે સપ્તાહનો પ્રતિબંધ લાદી દીધો છે, જ્યારે યુરોપના ઘણા દેશોએ સાઉથ આફ્રિકા અને તેના પાડોશી દેશો પર પ્રવાસના પ્રતિબંધો લાદી દીધા છે.
વિદેશથી આવતા ઇઝરાયલના નાગરિકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. કોરોનાના કેસ પર નજર રાખવા માટે ઇઝરાયલ સરકારે ફોન ટ્રેકિંગનો નિર્ણય લીધો છે. આ પદ્ધતિને લઈને વિવાદ સર્જાયો છે.
ન્યૂયોર્કમાં ઇમર્જન્સી
અહેવાલો પ્રમાણે, ન્યૂ યોર્કના ગવર્નરે તો વિશ્વભરમાં ફેલાઈ રહેલા નવા ઓમિક્રોન વેરિયન્ટને પગલે કટોકટીની જાહેરાત કરી છે. ઓમિક્રોન વેરિયન્ટની સામે કટોકટીની સ્થિતિ જાહેર કરનાર ન્યૂ યોર્ક પ્રથમ છે.
ન્યૂ યોર્કના ગવર્નરે શુક્રવારે આગામી ૧૫ જાન્યુઆરી સુધીની કટોકટીની જાહેરાતના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.
ઓમિક્રોન વેરિયન્ટના પગલે યુએસમાં આરોગ્ય અધિકારીઓ ચિંતામાં મુકાયા છે. આ વેરિયન્ટ દક્ષિણ આફ્રિકા, યુરોપ અને એશિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા અને અન્ય છ આફ્રિકન દેશો પર નવા પ્રવાસ સંલગ્ન પ્રતિબંધો લાદ્યા છે અને સાથે જ અમેરિકનોને રસીના બૂસ્ટર ડોઝ લેવા વિનંતી કરી છે.
વિશ્વભરમાં પ્રતિબંધોની સ્થિતિ
• યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, બ્રાઝિલ: યુએસ, કેનેડા, બ્રાઝિલે તેમના નાગરિકો અને કાયમી રહેવાસીઓ માટે અને જીવનસાથીઓ અને અન્ય નજીકના પરિવારો સહિત અન્ય કેટલીક શ્રેણીઓ માટે અપવાદો સાથે આ દેશોમાંથી મુસાફરી પ્રતિબંધ મૂક્યો છે.
• સાઉદી અરેબિયા: સાઉદી અરેબિયાએ નવા કોરોના વાઇરસ વેરિયન્ટને લગતી ચિંતાઓને કારણે સાઉથ આફ્રિકા, નામિબિયા, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, લેસોથો અને એસ્વાટિનીની ફ્લાઇટ્સ પણ સ્થગિત કરી દીધી છે.
• જાપાન-રશિયા: જાપાન અને રશિયાની સરકારે એસ્વાટિની, ઝિમ્બાબ્વે, નામિબિયા, બોત્સવાના, સાઉથ આફ્રિકા અને લેસોથોથી આવતા પોતાના નાગરિકો માટે નિયમો લાગુ કર્યા છે.
• ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાએ શનિવારે નવ દક્ષિણ આફ્રિકન દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, ઓમિક્રોન વેરિઅન્ટના પ્રવેશને રોકવા માટે તેની સરહદે ફરી આકરા નિયમો લાદયા છે.