સામાન્ય રીતે રાજકારણને શતરંજની સાથે સરખાવાય છે, પરંતુ આ કિસ્સામાં મોદી સાહેબ જે રીતે રાજકારણ રમી રહ્યા છે તે ઓલ રાઉન્ડર ક્રિકેટ રમે તે રીતે રમી રહ્યા હોય તેવું જણાય છે. રાજકારણના ક્રિકેટમાં નવા નિશાળીયા તરીકે ગુજરાતનાં રાજકારણમાં પ્રવેશેલા મોદીજીએ રાજ્યકક્ષાનાં શાસનમાં સફળ રહ્યા પછી અનુક્રમે 2014થી રાષ્ટ્રીય અને પછી તો અંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઓલ રાઉન્ડર દેખાવ કરીને આશ્ચર્યજનક રીતે અનેક મેચો એકલા હાથે જીતવાનો રેકોર્ડ વારંવાર સ્થાપિત કર્યો છે. મોદીજીની સરખામણી ક્રિકેટ જગતના ભગવાન સચિન તેંડુલકર સાથે પણ થઇ શકે તેમ નથી. તેંડુલકરના રેકર્ડ મહદ અંશે બેટિંગમાં જ છે. જયારે મોદીજી બેટિંગમાં તો છક્કા-ચોગ્ગા મારે જ છે, તદ્દઉપરાંત કોની સામે સ્પિન, ફાસ્ટ, ગુગલી કે અન્ય ક્યા પ્રકારે બોલિંગ કરવી, કોની સામે ફિલ્ડિંગમાં કેવી રીતે કેચ કરવો કે રનઆઉટ કરવો, વિકેટકિપર તરીકે પાછળથી કઈ રીતે સામેવાળાને સ્ટમ્પ આઉટ કરવો, કેપ્ટન તરીકે કયા ખેલાડીને ફિલ્ડિંગમાં ક્યાં ગોઠવવો, કોને ક્યારે બોલિંગ આપવી અને કોને ક્યારે બેટિંગમાં મોકલવો તેની પણ ખુબ સારી સૂઝ હોવાનું તેઓએ વારંવાર સાંપ્રત રાજકારણમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાબિત કર્યું છે.
પરંતુ આપણે આજે એ વાત કરવાની છે કે મોદીજીના ખાસ મિત્ર પણ સાવ અકડુ વલણ ધરાવતા, આડેધડ બેટિંગ કરીને સામેવાળી ટીમ તો ઠીક પોતાની જ ટીમના કેનેડા, ડેનમાર્ક, મેક્સિકો જેવાને પણ આઉટ કરવાની રમત ચાલુ કરીને બધાને વિચાર કરતાં કરી દીધા છે એવા અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સામે ટેસ્ટ મેચ રમવાની આવે ત્યારે શત્રુ તો ઠીક ખાસ મિત્ર પણ ના ગૂંચવાઈ જાય તો જ નવાઈ! આ મેચ રમતા પહેલાં મોદીજીએ ભારે કૂટનૈતિક હોમ વર્ક કરવું પડે તે સ્વાભાવિક છે. મોદીજીના મિત્ર ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાયા ત્યારથી સોગંદવિધિ સુધી વિદેશપ્રધાન જયશંકરને મોદીજીએ યુએસ મોકલ્યા. આ બાબતને અમુક મૂર્ખોએ સોગંદવિધિમાં મોદીજી માટે આમંત્રણ મેળવવા ગયાનું કહી અફવા ફેલાવી હતી. પરંતુ મારી દૃષ્ટિએ તો અકળ ને આકરા સ્વભાવના ટ્રમ્પ સામે રમાનારી મંત્રણાની મેચ પૂર્વે અનુકૂળ પીચ તૈયાર કરવા જયશંકર ગયાનું મારું માનવું છે. આ પ્રવાસમાં જયશંકરે વિદાય લેતાં પ્રમુખ બાઇડેન પાસેથી ભારત સામે અમેરિકાએ મૂકેલા પ્રતિબંધો ઉઠાવવા જેવા મેળવાય તેટલા લાભો લેવા ઉપરાંત અનુગામી પ્રમુખ ટ્રમ્પના નજીકના લોકોને બને તેટલા સકારાત્મક કરવા અને તેમના વલણનો ગાળ લઇ સકારાત્મક મંત્રણાઓ માટે અનુકૂળ પીચ તૈયાર કરવાનું કામ કરેલ હોવાનું મારું માનવું છે.
ટ્રમ્પે પૂર્વધારણા પ્રમાણે જ સોગંદવિધિ બાદ મોદીજીને મંત્રણાની ફાઇનલ મેચ રમવા આમંત્રણ આપ્યું ત્યારે પણ મોદીજીએ જાણે ફાઇનલ પૂર્વે ફ્રેન્ડલી મેચો રમીને તૈયારી કરતાં હોય તેમ પ્રથમ ચરણમાં ફ્રાન્સમાં ભારતતરફી વલણ ધરાવતા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની તેમના ભારતવંશી પત્ની ઉષા તથા બાળકો સાથે મુલાકાત કરી, તેમના પુત્રને જન્મદિવસની શુભેચ્છા આપી કૌટુંબિક માહોલ સર્જ્યો. પછી યુએસ પ્રવાસના પહેલાં ચરણમાં ટ્રમ્પના અંગત એવા મસ્કે પરિવાર સાથે મુલાકાત લેવા ઉપરાંત NSA માઇકલ વોલ્ટ્ઝ, વિવેક રામાસ્વામી, તુલસી ગબાર્ડ વગેરેએ મોદીજી સાથે મૈત્રી મુલાકાતો કરીને ટેસ્ટ મેચ પહેલા જ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કર્યું. આમ ટ્રમ્પ-મોદી વચ્ચેની મેચ રસાકસીના બદલે ફ્રેન્ડલી જેવી બની રહી.
પરિણામે કેટલીક બાબતો જેવી કે મુંબઇના આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ, ઇસ્લામિક આતંકવાદ સામેની લડાઈ, અમેરિકા પાસેથી તેલ-ગેસની ખરીદી, ગેરકાયદે અમેરિકા પહોંચેલા ભારતીયોનું ડિપોર્ટેશન જેવી બાબતો અંગે સહમતી સધાઈ છે. પરંતુ અમેરિકા - ભારત વચ્ચે આયાત-નિકાસ ઉપર ટેરીફ અને ફિફથ જનરેશન F-35 વિમાનો સહિત આધુનિક સૈન્ય સામાનની ખરીદીનું કોકડું ગૂંચવાયેલું જ છે. આ અંગે ટ્રમ્પ મોદીજી ઉપર અયોગ્ય દબાણ લાવી શકે તેમ છે. મોદીજીની બોડી લેન્ગવેજ જોતાં તેઓ ઉત્સાહી જણાતા નહતા. હા, પ્રમુખ ટ્રમ્પનું વલણ મોદીજી પ્રત્યે ખુબ સકારાત્મક હતું.
હાલ તો અમેરિકા-ભારત મેચમાં કોઈ સ્પષ્ટ વિજેતા નથી. સાથે સાથે જ મેચ ડ્રો પણ નથી થઇ! આ વન-ડે નહીં, ટેસ્ટ મેચ છે તેથી લાંબી ચાલશે. જોકે ભારત-અમેરિકાની વેપાર ખાધ અંગે, F-35 ફાઇટર જેટ સહિત હથિયારોની ખરીદી તથા અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોના મામલે ટ્રમ્પે મોદીજી ઉપર દબાણ સર્જ્યાનું મોદીજીના અસહજ વર્તનમાં સ્પષ્ટ દેખાતું હતું. સામા પક્ષે ટ્રમ્પને તેમના કેટલાક હેતુઓ માટે મોદીજીની ખુબ ગરજ છે. જેમાં:
(1) અમેરિકન ડોલર સામે ‘બ્રિક્સ’ સંગઠન દ્વારા મોટો પડકાર મોદીજી ઉભો કરી શકે છે. જે ટ્રમ્પ સારી રીતે જાણે છે. (2) ચીન ભારતનું તો દુશ્મન છે જ, સાથે સાથે અમેરિકાના મહાસત્તા પદને પડકારનાર સૌથી મોટુ હરીફ પણ છે. ચીનનો સામનો કરવા અમેરિકા માટે ભારતનો સાથ ખુબ જરૂરી છે. (3) રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ટ્રમ્પ ‘વર્લ્ડ કપ’ રમવા માંગે છે તેમાં મોદીજીની ભુમિકા અગત્યની છે. તેથી ટ્રમ્પને મોદીજીની નારાજગી પાલવે તેમ નથી. મારા મતે તો રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરીને ટ્રમ્પ નોબેલ પ્રાઈઝ મેળવવા માંગે છે.
ટ્રમ્પે જાહેરમાં કહ્યું છે કે મોદીજી બાર્ગેનિંગ સારું કરે છે. મોદીજીને ટ્રમ્પ ખુબ જ મિસ કરતાં હતા... વગેરે વાક્યો મોદીજીની શક્તિથી ને તેઓ સારી રીતે વાકેફ હોવાનું સ્પષ્ટ કરે છે. મોદીજીએ જરાય દબાઈ જવાની જરૂર નથી સાથે સાથે ટ્રમ્પને ઘણા નારાજ કરવા જેવું પણ નથી. ટ્રમ્પ ગમેત્યારે ગમે તેવું વિચિત્ર પગલું ભરી શકે છે. જોઇએ હવે આગળની કુટનીતિ શું રમાય છે તે જોવું રસપ્રદ રહેશે.
નોંધ: હવે રમાનાર ‘વર્લ્ડ કપ’ વિષે વાંચવા બીજા લેખની થોડી રાહ જોવી પડશે.