રિયો ડી જાનેરોઃ ઓલિમ્પિક્સમાં ૯૫ જેટલા ભારતીય ખેલાડીઓ ખાલી હાથે સ્વદેશ પરત ફર્યા બાદ બુધવારે ભારતીય મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કમનસીબીને ધોબીપછાડ આપતાં દેશ માટે પહેલો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ૫૮ કિલો વજન કુસ્તીની ફ્રી-સ્ટાઈલમાં તેણે કિર્ગિસ્તાનની ઐસુલુને ૮-૫થી પરાજ્ય આપ્યો હતો. સાક્ષીના વિજયમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે પહેલાં તો તે આ ઇવેન્ટમાં ૦-૫થી પાછળ હતી. છેલ્લી ૧૦ જ સેકન્ડમાં તેણે બાજી પલટી નાખીને પોતાના તથા ભારતનાં નામે ઓલિમ્પિક્સમાં પહેલો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ સાક્ષી ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની ચોથી મહિલા એથ્લીટ બની છે. માત્ર ગણતરીની સેન્કડમાં તે બાજી પલટીને ૦-૫થી ૮-૫ સુધી લઈ જઈને વિજય હાંસલ કર્યો હતો. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિત દેશભરમાંથી તેના પર અભિનંદનની વર્ષા થઇ છે.
રેપચેઝના નિયમના આધારે સાક્ષીને રમતમાં પરત ફરવા બીજી તક મળી હતી. બીજી તકમાં ફર્સ્ટ હાફ ખૂબ મુશ્કેલ સાબિત થયો હતો. ફર્સ્ટ હાફમાં કિર્ગીસ્તાનની ટાઇનિર્બેકોવાએ સાક્ષીને ૫-૦થી પાછળ રાખી હતી. સેકન્ડ હાફમાં સાક્ષીએ બેવડું જોર લગાવતાં બાજીને પોતાની તરફેણમાં કરી હતી. સાક્ષીએ તરત પોતાની પ્રતિસ્પર્ધીને મેટ પર પટકી હતી, જેને કારણે તેને બે પોઇન્ટ મળ્યાં. તેણે ફરી એક વખત આ જ મૂવમેન્ટ દ્વારા ટાઇનિર્બેકોવાને પટકી અને પોતાનો સ્કોર ૪-૫ કરી લીધો. ત્રીજી વખત તેણે ટાઇનિર્બેકોવાને પટકી અને પોતાનો સ્કોર ૫-૫ કરી લીધો. હવે બીજો રાઉન્ટ પૂરો થવાને માત્ર ગણતરીની ૧૦ સેકન્ડ જ બાકી હતી ત્યારે તેણે પોતાની હરીફને પટકીને ત્રણ પોઈન્ટ મેળવી લઇને ૮-૫થી વિજયી બની હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા ટ્વીટ કર્યું હતું કે રક્ષાબંધનના પવિત્ર પર્વ દરમિયાન દેશની દીકરી સાક્ષી મલિકે બ્રોન્ઝ મેડલ મેળવીને આપણા સૌને ગર્વ થાય તેવું કામ કર્યું છે.
૧૨ વર્ષની તપશ્ચર્યા ફળીઃ સાક્ષી
ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સાક્ષીએ કહ્યું હતું કે મારી બાર વર્ષની તપશ્ચર્યા રંગ લાવી છે. મને ક્યારેય ખબર નહોતી કે ઓલિમ્પિક શું છે અને ત્યાં કેવી રીતે રમવાનું હોય છે. મને એટલી જ ખબર હતી કે તમે ભારતીય ખેલાડી બનો તો તમને પ્લેનમાં બેસવા મળે છે. મેડલ જીતવાની સાથે સાક્ષીના ઘરમાં જશ્નનો માહોલ જામ્યો હતો. તેના માતા-પિતાએ પોતાના પરિવાર સાથે સફળતાની ધૂમ ઉજવણી કરી હતી. સાક્ષીના માતા સુદેશ મલિકે જણાવ્યું હતું કે રિયોમાં મેડલના દુકાળના મેણાને સાક્ષીએ ખતમ કરી નાખ્યું છે. અમને તેના પર ગર્વ છે. આવી બેટી ભગવાન તમામને આપે. હવે અમે અમારી લાડલીના ઘરે પરત ફરવાની રાહ જોઇ રહ્યા છીએ.
બસ કંડક્ટરની પુત્રી છે, દાદાનો વારસો મળ્યો
બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી એક બસ કંડક્ટરની પુત્રી છે. તેના પિતા સુખબીર મલિક દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કંડક્ટર તરીકે નોકરી કરે છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે સાક્ષીનો જન્મ થયો ત્યારે મારી પત્નીને નોકરી મળી હતી. આ સ્થિતિમાં અમે તેને તેના દાદા-દાદી પાસે મોકલી દીધી હતી. તે સાત વર્ષ સુધી પોતાના દાદાની પાસે રહી હતી. સાક્ષી પોતાના દાદાને જોઇને રેસલિંગમાં જોડાઇ હતી. સાક્ષીએ માત્ર ૧૨ વર્ષની વયે રેસલિંગની તાલીમ મેળવવા લાગી હતી અને ૨૦૦૪માં ઇશ્વર દહિયાના અખાડામાં જોડાઇ હતી.
સાક્ષી દરરોજ છથી સાત કલાક પ્રેક્ટિસ કરતી હતી. ઓલિમ્પિક્સની તૈયારી માટે તે છેલ્લા એક વર્ષથી રોહતકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સેન્ટર ખાતે રહેતી હતી. તેણે વજનને અંકુશમાં રાખવા માટે અત્યંત આકરો ડાયટ ચાર્ટ ફોલો કરવો પડતો હતો. આખરી પ્રેક્ટિસ કરતી હોવા છતાં તે અભ્યાસમાં ઉચ્ચ માર્કસ લાવતી હતી. આમ રેસલિંગનો વારસો સાક્ષીને તેના દાદા તરફથી મળ્યો છે.
રૂ. ૨.૫ કરોડ ઈનામ અને જોબમાં પ્રમોશન
હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર અને રાજ્યપાલ કપ્તાન સિંહ સોલંકીએ રિયો ઓલિમ્પિકમાં દેશ માટે પહેલો મેડલ જીતનારી સાક્ષીને અભિનંદન આપ્યાં હતાં. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્ય દ્વારા સાક્ષીને ૨.૫ કરોડની રોકડ રકમ તથા જમીન ઈનામસ્વરૂપે અપાશે. રાજ્ય સરકારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારને રૂ. છ કરોડ, સિલ્વર જીતનારને રૂ. ચાર કરોડ અને બ્રોન્ઝ જીતનારને રૂ. અઢી કરોડ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક ખેલાડીને રાજ્ય સરકારે ૧૫ લાખ આપવાની જાહેરાત કરી છે.
રેલવે દ્વારા તેની કર્મચારી અને ભારતીય મહિલા ખેલાડી સાક્ષીને વિજય બદલ અભિનંદન આપવા સાથે તેને પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. રેલવે વિભાગે જણાવ્યું કે, સાક્ષીને ક્લાર્કમાંથી ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર બનાવાશે. આ ઉપરાંત તેને રેલવેએ રૂ. ૫૦ લાખ ઈનામ આપવાની જાહેરાત કરી છે.