ઓસિઝ ફરી વિશ્વવિજેતા

Wednesday 01st April 2015 07:24 EDT
 
 

મેલબોર્નઃ ક્રિકેટ વર્લ્ડ કપની રવિવારે રમાયેલી ફાઇનલમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ સહ-યજમાન ન્યૂ ઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાંચમી વખત ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું હતું. આ વિજય સાથે જ ઓસ્ટ્રેલિયાનું ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન સાકાર થયું છે તો ન્યૂ ઝીલેન્ડનું પ્રથમ વખત ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થયું છે. ૧૯૯૨ના વર્લ્ડ કપ વેળા યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પણ ટાઇટલથી વંચિત રહી હતી. લો-સ્કોર ધરાવતી આ મેચ પ્રારંભિક રસાકસીને બાદ કરતાં લગભગ એકતરફી બની ગઇ હતી.
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પ્રતિસ્પર્ધી ટીમોને કચડીને ફાઇનલમાં પહોંચેલી ન્યૂ ઝીલેન્ડની ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણ સામે પાણીમાં બેસી ગઈ હોય તેમ માત્ર ૪૫ ઓવરમાં ૧૮૩ રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૩૩.૧ ઓવરમાં લક્ષ્યાંક પાર કરીને ઐતિહાસિક જીત મેળવવાની સાથોસાથ કેપ્ટન માઇકલ ક્લાર્કને વર્લ્ડ કપ સાથે વન-ડે ક્રિકેટમાંથી વિદાય આપી હતી.
વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ભલે પહોંચ્યું નહોતું, પણ આઇસીસી ચેરમેન એન. શ્રીનિવાસન્ અને માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકર ફાઇનલમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીનિવાસને ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરી હતી જ્યારે સચિન તેંડુલકરે મેન ઓફ ધ મેચ ફોકનર અને મેન ઓફ ધ સિરીઝ બનેલા મિચેલ સ્ટાર્કને ટ્રોફી એનાયત કરી હતી.
વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમને ટ્રોફી ઉપરાંત ૩૯.૭૫ લાખ ડોલરનું ઇનામ એનાયત થયું હતું જ્યારે રનર-અપ ન્યૂ ઝીલેન્ડને ૧૭.૫૦ લાખ ડોલરની ઇનામી રકમ મળી હતી. ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ વર્લ્ડ કપની ૪૦૦મી મેચ હતી. વર્લ્ડ ટૂર્નામેન્ટનો પ્રારંભ ૧૯૭૫થી થયો છે, અને આ વર્ષે ૧૧મી વખત વર્લ્ડ કપ રમાયો હતો.

ચુસ્ત બોલિંગના કારણે એક તરફ ન્યૂ ઝીલેન્ડ વિકેટ ગુમાવી રહ્યું હતું તો બીજી તરફ તેના સ્કોરમાં પણ ખાસ ઉમેરો થતો નહોતો. નવ ઓવરમાં એક મેઇડન સાથે માત્ર ૩૬ રન આપીને ત્રણ વિકેટ ઝડપનાર જેમ્સ ફોકનરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે વર્લ્ડ કપની આઠ મેચમાં ૨૨ વિકેટ ઝડપનાર મિચેલ સ્ટાર્કને મેન ઓફ ધ સિરીઝનો જાહેર કરાયો હતો.
ન્યૂ ઝીલેન્ડે માત્ર ૩૯ રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ટેલર-ઇલિયટે ૧૧૧ રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જોકે ફોકનરે ટેલરને આઉટ કર્યા બાદ સમગ્ર ટીમ ૧૮૩ રનમાં સમેટાઇ ગઇ હતી.
હારનો પસ્તાવો નથીઃ મેક્કુલમ
ઓસ્ટ્રેલિયા સામે એકતરફી બનેલી ફાઇનલ મેચમાં પરાજય મેળવનારી ન્યૂ ઝીલેન્ડની ટીમના કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે જણાવ્યું હતું કે યજમાન ટીમને વિજયનો સંપૂર્ણ શ્રેય આપવો જોઈએ. તેમના બોલર્સે શરૂઆતથી જ અમારી પર દબાણ બનાવ્યું હતું, જેના કારણે અમે બેકફૂટ પર આવી ગયા હતા.
મેલબોર્ન ક્રિકેડ ગ્રાઉન્ડ પર રવિવારે ફાઇનલ મુકાબલા બાદ કેપ્ટન મેક્કુલમે જણાવ્યું હતું કે માઇકલ કલાર્કની વિદાય શાનદાર રહી. તે વર્લ્ડ કપ જીત્યા બાદ ગર્વથી વન-ડે ક્રિકેટને અલવિદા કહી શકે છે. મેચ અંગે તેણે કહ્યું હતું કે એક સમયે રોઝ ટેલર અને ગ્રાન્ટ ઇલિયટ પિચ પર સારી ભાગીદારી કરી રહ્યા હતા ત્યારે લાગતું હતું કે અમે મેચમાં પુનરાગમન કરી રહ્યા છીએ. જોકે ઓસ્ટ્રેલિયાના બોલર્સે સારી બોલિંગ કરી હતી અને મેચ હારી ગયા હતા.
ટીમના પ્રદર્શનથી સંતુષ્ટ જણાતા મેક્કુલમે જણાવ્યું હતું કે અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમારી ટીમે ફાઇનલ સુધી પહોંચવામાં ઘણી મહેનત કરી હતી અને તેના માટે તમામ ખેલાડીઓ પ્રશંસાના હકદાર છે.
વિક્રમજનક દર્શકો
ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ નિહાળવા માટે ૯૩,૦૧૩ દર્શકો ઊમટ્યાં હતાં. જે વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી વધુ દર્શકો પહોંચવાનો રેકોર્ડ છે. અગાઉ સૌથી વધુ દર્શકોનો વિક્રમ ૧૯૯૨માં પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં નોંધાયો હતો. જેમાં ૮૭,૧૮૨ દર્શકો પહોંચ્યાં હતાં. આ વર્લ્ડ કપમાં ભારત-સાઉથ આફ્રિકાની મેચમાં ૮૬,૬૭૬ લોકો પહોંચ્યા હતા.
૧૯૮૩ની ફાઇનલ જેટલો સ્કોર
૨૦૧૫ના વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ન્યૂ ઝીલેન્ડ ૧૮૩ રનમાં ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાને ૧૮૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. અગાઉ ૧૯૮૩માં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૮૩ રન કર્યા હતા. આ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ૧૪૦ રને ઓલઆઉટ કરીને ફાઇનલ મેચ ૪૩ રનથી જીતી હતી. જોકે, ન્યૂ ઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાને રોકવામાં સફળ થયું નહોતું જેને કારણે ઓસ્ટ્રેલિયાએ પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું.
બેસ્ટ બેટ્સમેન-બેસ્ટ બોલર
વર્લ્ડ કપમાં આ વખતે રનનો ઢગલો થયો હતો. જેમાં ટોપ ફાઇવ બેટ્સમેનમાં ગુપ્ટિલ (ન્યૂ ઝીલેન્ડ) ૫૪૭ રન સાથે પ્રથમ સ્થાને રહ્યો હતો. જ્યારે સંગાકારા (શ્રીલંકા) ૫૪૧ રન - બીજા, ડી’ વિલિયર્સ (આફ્રિકા) ૪૮૨ રન - ત્રીજા, ટેલર (ઝિમ્બાબ્વે) ૪૩૩ રન - ચોથા અને શિખર ધવન (ભારત) ૪૧૨ રન સાથે પાંચમા સ્થાને રહ્યો હતો.
સૌથી વધુ વિકેટ મેળવનાર બોલરમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક ૨૨ વિકેટ સાથે પહેલા સ્થાને રહ્યો હતો. જ્યારે બોલ્ટ (ન્યૂ ઝીલેન્ડ) ૨૨ વિકેટ, ઉમેશ યાદવ (ભારત) ૧૮, મર્કેલ (આફ્રિકા) ૧૭ અને શમી (ભારત) ૧૭ વિકેટ સાથે અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને રહ્યા હતા.
સ્ટિવ સ્મિથનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથે ન્યૂ ઝીલેન્ડ સામે વર્લ્ડ કપની ફાઇનલમાં અડધી સદી નોંધાવીને ક્રિકેટના ઇતિહાસમાં નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત પાંચ અડધી સદી નોંધાવનાર પ્રથમ ક્રિકેટર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. સ્મિથે ઓસ્ટ્રેલિયાના વિજયમાં અણનમ ૫૬ રન બનાવ્યા હતા. અગાઉ તેણે અફઘાનિસ્તાન સામે ૯૫ રનની ઇનિંગ્સથી આ સિલસિલાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ૭૨, ૬૫ તથા ૧૦૫ રનની ઇનિંગ્સ રમી હતી.
વર્લ્ડ કપની વિદાય સાથે નિવૃત્તિ
આ વર્લ્ડ કપની સાથે સાત ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી હતી. જેમાં શ્રીલંકાના જયવર્દને અને કુમાર સંગાકારા, પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હક તથા શાહિદ આફ્રિદી, ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલર, ન્યૂ ઝીલેન્ડના ડેનિયલ વેટ્ટોરી અને વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઇકલ ક્લાર્ક અને વિકેટકીપર બ્રેડ હેડિને વન-ડે ક્રિકેટને અલવિદા કર્યું છે.
વિખવાદ વકર્યો
ભારત-બાંગલાદેશ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલ સાથે આઇસીસીમાં શરૂ થયેલા આંતરિક વિખવાદે વધુ વેગ પકડયો છે. રવિવારે રમાયેલી ફાઇનલના અંતે વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમને આઇસીસીના પ્રમુખ બાંગ્લાદેશના મુશ્તફા કમાલને બદલે ચેરમેન એન. શ્રીનિવાસનના હસ્તે ટ્રોફી અપાતા બળતામાં ઘી હોમાયું હતું. મુશ્તફા કમાલે જણાવ્યું હતું કે 'આઇસીસીના પ્રમુખ હોવાને નાતે ચેમ્પિયન ટીમને ટ્રોફી આપવાનો પ્રથમ અધિકાર મારો છે. મને છેલ્લી ઘડીએ ટ્રોફી આપવાની મનાઇ ફરમાવી દેવામાં આવી હતી. મારી પાસેથી આ તક છીનવી લેવા બદલ હવે હું આઇસીસી સામે દાવો માંડવાનું પણ વિચારી રહ્યો છું. આ માટે આગામી દિવસોમાં હું મારા કાનૂનવિદોની ટીમ સાથે બેઠક યોજીને કેવા પગલા લઇ શકાય તેના વિશે ચર્ચા કરીશ.'
મુશ્તફા કમાલે આ સાથે જ આઇસીસીમાં ચાલતી ગેરરીતિઓનો પર્દાફાશ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તેણે જણાવ્યું હતું કે 'આઇસીસીમાં જે પણ કૌભાંડ ચાલી રહ્યા છે તેનો ખુલાસો હું આગામી દિવસોમાં વિશ્વ સમક્ષ કરીશ. આ વાહિયાત હરકત પાછળ કોનો હાથ છે તેને પણ હું વિશ્વ સમક્ષ ખુલ્લો પાડીશ.'

ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ દાવ લીધો હતો, પણ તેની ગણતરી ઊંધી પડી હતી. ઓસ્ટ્રેલિયન બોલરોએ ન્યૂ ઝીલેન્ડના બેટ્સમેનોને સતત દાબમાં રાખ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter