બેંગ્લૂરુઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મતદાનની તારીખ - ૧૨ મે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉષ્ણતામાનનો પારો ઊંચે ચઢી રહ્યો છે. નેતાઓ માટે પ્રચાર અને મતદારોને લલચાવવા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ૧૯૯૪ પછી - એટલે કે છેલ્લા ત્રણ દાયકામાં કર્ણાટકની પ્રજાએ ક્યારેય કોઇ શાસક પક્ષને સતત બીજી વખત સત્તાના સૂત્રો સોંપ્યા નથી. દર પાંચ વર્ષે પ્રજાએ શાસક પક્ષને ઘરે બેસાડીને પ્રતિસ્પર્ધીને વિજયની વરમાળા પહેરાવી છે. આને તમે કર્ણાટકી પ્રજાનું રાજકીય શાણપણ ગણો કે પછી પ્રજાનો વિશ્વાસ જીતવામાં જે તે શાસક પક્ષની નિષ્ફળતા ગણો, પરંતુ પ્રજાએ હંમેશા બીજા પક્ષને સત્તા સંભાળવાની તક આપી છે.
છેલ્લી કેટલીક વિધાનસભા ચૂંટણીઓમાં વિજયપતાકા લહેરાવનાર ભાજપને કર્ણાટકમાં સત્તા હાંસલ કરવાની આશા છે. આ માટે જ વડા પ્રધાન મોદીનો શ્રેણીબદ્ધ રેલીઓ યોજવાનો પ્લાન કર્ણાટકમાં તૈયાર કરવામાં આવ્યો છે. મતદાનનો દિવસ આવશે ત્યાં સુધીમાં ૧૫થી વધુ સભાઓ સંબોધી ચૂક્યા હશે, અને ૧૨૫થી વધુ વિધાનસભા બેઠકોને આવરી લીધી હતી. બીજી તરફ, કોંગ્રેસને આશા છે કે કર્ણાટકની પ્રજાએ ભલે છેલ્લા ત્રણ દાયકાથી કોઇ એક પક્ષને સળંગ બીજી વખત સત્તા સોંપી ન હોય, પણ આ વખતે અપવાદ સર્જાશે. પ્રજા તેના જ ગળામાં વરમાળા પહેરાવાની છે. આથી રાહુલ ગાંધી પણ કમર કસીને ચૂંટણી પ્રચારમાં મચી પડ્યા છે. કોંગ્રેસની આશાના મૂળમાં ઓપિનિયન પોલના તારણો છે. તાજેતરમાં થયેલા જનમત સર્વેના તારણો દર્શાવે છે કે કર્ણાટકનાં રાજકારણમાં એવાં અનેક પરિબળો છે કે જે ભાજપ માટે વિજયનો માર્ગ મુશ્કેલ બનાવી શકે છે. મોટા ભાગના ઓપિનિયન પોલ ત્રિશંકુ સરકારની કે કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવશે તેવી આગાહી કરી રહ્યા છે.
આ વખતે ચૂંટણી જંગમાં જનતા દળ (એસ) પણ એક મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભર્યો છે. સર્વેના તારણ અનુસાર તે ૪૦થી ૫૦ બેઠકો મેળવીને સરકારની રચનામાં કિંગમેકરની ભૂમિકા ભજવે તો નવાઇ નહીં.
જોકે સમગ્ર ચૂંટણી જંગમાં ‘જો’ અને ‘તો’ ઘણા છે એટલે સાચા ચિત્ર માટે તો મતદાનના દિવસ સુધી જ રાહ જોવી રહી. ૧૨ મેના રોજ મતદાન થશે તે પૂર્વે આપણે જાણીએ કર્ણાટકમાં ચૂંટણી જંગ ક્યાં અને કેટલે પહોંચ્યો છે...
મુખ્ય પ્રધાનપદના ચહેરા
ભાજપ અને કોંગ્રેસ બન્નેએ ચૂંટણી પૂર્વે જ મુખ્ય પ્રધાન પદના ઉમેદવારો રજૂ કરી દીધા છે. ભાજપે અહીં યેદીયુરપ્પાને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે મુખ્ય પ્રધાન પદ માટે ફરી એક વખત સિદ્ધારમૈયા પર પસંદગી ઉતારી છે. બંને નેતાઓનો રાજ્યમાં સારો એવો પ્રભાવ છે. સિદ્ધારમૈયા કન્નડ ગૌરવ મુદ્દાનો પ્રચાર કરી રહ્યા છે જ્યારે યેદીયુરપ્પા પોતે ૧૭ ટકા વસતી ધરાવતા લિંગાયત સમુદાયના છે. જનતા દળ (એસ) કુમારસ્વામીના ચહેરા સાથે ચૂંટણી લડી રહ્યો છે.
ઝંઝાવાતી પ્રચાર પ્રવાસ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યના ખૂણેખૂણે પહોંચવા વંટોળની જેમ ફરી વળ્યા છે. રાજ્યના તમામ ૩૦ જિલ્લામાં પ્રચાર કરવા આશરે ૩,૫૦૦ કિલોમીટરથી વધુ અંતરનો પ્રવાસ કર્યો છે. કાળઝાળ ગરમી છતાં તેમણે ૪૦૦ કિલોમીટરનો રોડ-શો પણ કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે રાજ્યમાં સત્તા ટકાવવા ઝઝૂમી રહ્યા છે તો વિપક્ષ - ભાજપના અધ્યક્ષ અમિત શાહ સત્તા છીનવી લેવા દિવસ-રાત એક કરી રહ્યા છે. રાજ્યના તમામ જિલ્લાની મુલાકાતની વાત કરીએ તો અમિત શાહ પણ આ રેસમાં પાછળ નથી. તેઓ તમામ ૩૦ જિલ્લાનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. આંધ્ર પ્રદેશને અડીને આવેલા વિસ્તારોથી માંડીને મહારાષ્ટ્રની બોર્ડરના વિસ્તારોનો તેમાં સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે દેશના બે મોટા રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ રાજ્યના તમામ ૩૦ જિલ્લામાં ફરી વળ્યા હોય.
ધર્મમં શરણં ગચ્છામિ...
રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી અભિયાનની શરૂઆત ૧૦ ફેબ્રુઆરીએ મંદિર દર્શન સાથે કરી હતી. ૮૫ દિવસોમાં રાજ્યના ૮ ચૂંટણી પ્રવાસ કરી ચૂક્યા છે. દરમિયાન રાજ્યમાં લગભગ ૧૮ દિવસ રોકાયા છે. તેઓ રાજ્યનાં આશરે ૨૪ મંદિર-મઠ, દરગાહ અને ચર્ચોની મુલાકાત લઇ ચૂક્યા છે. દર્શન અને પૂજાઅર્ચના કર્યા છે. આમાં ૪ દરગાહ, ૨ ચર્ચ અને એક ગુરુદ્વારાનો સમાવેશ થાય છે. રાહુલે કોંગ્રેસની જનઆશીર્વાદ યાત્રાની મદદથી ૧૦૦ ટકા જિલ્લા રેલીઓ અને રોડ શોની મદદથી કવર કર્યાં છે. રાહુલ કર્ણાટકમાં ગુજરાતના મંદિર દર્શન ફોર્મ્યુલા પર જ આગળ વધ્યા છે. ગુજરાતમાં તે ૮૫ દિવસમાં ૨૭ મંદિરે ગયા હતા. મંદિર પ્રભાવિત ૮૭માંથી ૪૭ પર કોંગ્રેસનો વિજય થયો હતો. રાહુલ ગાંધી ૨૪ જુદા જુદા ધર્મ સ્થાનકોમાં જઇ આવ્યા છે તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૭૫ દિવસમાં ૨૭થી વધુ મંદિર-મઠોમાં માથું ટેકવી આવ્યા છે.
૩૪૦ કલંકિત ઉમેદવાર
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ, જનતા દળ સેક્યુલર ત્રણેય પક્ષોએ લગભગ ૧૦૦ ટિકિટ ગુનાહિત કેસનો સામનો કરી રહેલા ઉમેદવારોને આપી છે. એક અંદાજ અનુસાર કર્ણાટકની ૨૨૪ વિધાનસભા બેઠકો પર લગભગ ૨૬૦૦થી વધુ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં જુદા જુદા ગુનાના આરોપોનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યા ૩૪૦ છે. મતલબ કે કુલમાંથી ૧૩ ટકા કલંકિત ઉમેદવાર છે. નોંધનીય બાબત એ છે કે ચૂંટણી ઉમેદવાર અને ચૂંટણી પર નજર રાખનાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અનુસાર ભાજપે ૩૦, કોંગ્રેસે ૪૮ અને જનતા દળ (એસ)એ ૧૭ એવા ગુનાના કેસનો સામનો કરી રહેલા ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે વિધાનસભામાં અશ્લીલ ક્લિપ મોબાઈલ પર જોતાં પકડાયેલા બંને પૂર્વ પ્રધાનો લક્ષ્મણ સાવાદી અને સી. સી. પાટિલને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. આ અંગે એડીઆરના સંસ્થાપક સભ્ય પ્રો. ત્રિલોચન શાસ્ત્રીએ કહ્યું હતું કે ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ મુખ્ય પક્ષોએ કલંકિત, ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ઉમેદવારોને સમાન સંખ્યામાં ઉતાર્યા છે.
ચૂંટણી વચનોની લ્હાણી
ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોની દેવામાફી, ગરીબ મહિલાને સ્માર્ટફોન, વિદ્યાર્થીને લેપટોપ, ગૌહત્યા રોકવા કાયદો, મંદિરો-મઠોના વિકાસ માટે બજેટ, ૩૦૦થી વધુ અન્નપૂર્ણા કેન્ટિન, ૪૦૦ એસટી બાળકને વિદેશમાં અભ્યાસ સ્પોન્સર • ઓબીસી જાતિના લોકો માટે વગેરે વચન આપ્યા છે. તો કોંગ્રેસે પાંચ વર્ષમાં એક કરોડ નોકરીનું વચન આપ્યું છે.
સૌથી મહત્ત્વના ચૂંટણી મુદ્દા
• વિકાસ: શાસક પક્ષ કોંગ્રેસનો દાવો છે કે તેણે બેંગ્લૂરુ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના વિકાસ માટે ઘણાં કામ કર્યાં છે. જ્યારે મુખ્ય પ્રતિસ્પર્ધી અને વિરોધ પક્ષ ભાજપ રાજ્યના વિકાસમાં ખામીઓ દર્શાવી રહ્યો છે. ખાસ કરીને માળખાગત સુવિધાઓનો અભાવ, નાગરિક સુવિધાઓની ખરાબ હાલત અને ટ્રાફિકની સમસ્યાના મુદ્દા તે ચગાવી રહ્યો છે.
• ખેડૂત: કોંગ્રેસ સરકારનો દાવો છે કે ભાજપાશાસિત રાજ્યોની સરખામણીમાં કર્ણાટકના ખેડૂતોની સ્થિતિ ઘણી સારી છે. પક્ષને ખેડૂતો માટે હાથ ધરેલી કલ્યાણકારી યોજનાઓનો રાજકીય ફાયદો મળવાની આશા છે. જ્યારે ભાજપ રાજ્યના ખેડૂતોની સરકાર પ્રત્યેની નારાજગીનો ફાયદો ઉઠાવવા કોશિશ કરી રહ્યો છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસનાં શાસનમાં ૩,૦૦૦ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે.
• પ્રાદેશિક અસ્મિતા: રાજ્યમાં પ્રાદેશિક અસ્મિતા આ વખતે મહત્ત્વનો મુદ્દો બન્યો છે. કોંગ્રેસ હવે ભાજપને એવો પક્ષ ગણાવી રહી છે કે જે કન્નડભાષી રાજ્યમાં હિન્દી અને ઉત્તર ભારતીય મૂલ્યો લોકો પર ઠોકી બેસાડવાના પ્રયાસો કરી રહ્યો છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ફક્ત કન્નડ ભાષાને જ પ્રોત્સાહન આપ્યું છે. રાજ્યનો અલગ ધ્વજ જાહેર કરવાની માગ સાથે લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાની તેમણે પહેલ કરી છે.
• ભ્રષ્ટાચાર: ગેરકાયદે ખાણકામથી માંડીને મોટાં કૌભાંડોના આરોપો વિધાનસભાની ચૂંટણીની રેલીઓનો મુખ્ય મુદ્દા બની રહ્યા છે. બંને પક્ષોએ એકબીજા પર ભ્રષ્ટાચારનો કાદવકીચડ ઉછાળવાની તક છોડી નથી.