કલમ 370ની નાબૂદીના ચાર વર્ષઃ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ-વિકાસના નવા યુગનો પ્રારંભ

Friday 11th August 2023 16:48 EDT
 
 

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીની ચોથી વર્ષગાંઠે સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યમાં શાંતિ અને વિકાસના નવા યુગનો પ્રારંભ થયો છે. બીજી તરફ પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે તેમને અને તેમના પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓને નજરકેદમાં કરાયાં હતાં. નેશનલ કોન્ફરન્સે પણ તેનું મુખ્યાલય નવા-એ-સુબાહને સીલ કરાયું હોવાનો દાવો કર્યો હતો.
ભુવનેશ્વરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે 5 ઓગસ્ટ, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લમ 370 નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ પ્રસંગે હું દેશના લોકો વતી વડાપ્રધાનનો આભાર માનું છું. આ ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને વિકાસના નવા યુગનો પ્રારંભ થયો છે.
આ પ્રસંગની ઉજવણી કરવા માટે ભાજપે શ્રીનગરમાં એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. પાર્ટીના પ્રવક્તા ઠાકુર અભિજીત સરોટિયાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ એવા નેતાઓની આંખો ખોલવા માટે યોજવામાં આવ્યો હતો, જેઓ ક્લમ 370ના નામે લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નેતાઓ જૂઠાણાંનો પ્રચાર કરી રહ્યા છે.
કેન્દ્રના નિર્ણય પછી આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતાં ભાજપના નેતા અશોક કૌલે જણાવ્યું હતું કે કાશ્મીર બદલાઈ ગયું છે, પથ્થરબાજી અને અલગતાવાદ ખતમ થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજાયા છે. પ્રવાસીઓના વિક્રમી સંખ્યામાં આવી રહ્યાં છે. પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ, ગુરખા અને વાલ્મિકી સમાજના સભ્યો પણ જમ્મુ અને સાંબા જિલ્લામાં ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. હાલમાં સુપ્રીમ કોર્ટમાં 370મી ક્લમની નાબૂદીના સરકારના નિર્ણય વિરુદ્ધ નેશનલ કોન્ફરન્સ સહિત કેટલાંક પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી તેને અયોગ્ય ઠેરવવા માગ કરી છે.
જમ્મુ-કાશ્મીર ગુમાવેલું ગૌરવ પ્રાપ્ત કરશેઃ લેફ. ગવર્નર
જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે સૌથી મોટું પરિવર્તન એ છે કે હવે જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો પોતાની મરજી મુજબ જીવન જીવી રહ્યા છે. અગાઉ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ અને અલગાવવાદને કારણે વર્ષમાં આશરે 150 દિવસ સ્કૂલો, કોલેજો અને બિઝનેસ બંધ રહેતા હતાં, જેનો હવે અંત આવ્યો છે. શેરી હિંસાનો અંત આવ્યો છે. કાશ્મીરના યુવાનોના સપનાઓને હવે પાંખો મળી છે અને આવનારા દિવસોમાં રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન કોઈથી પણ ઓછું નહીં હોય. જમ્મુ અને કાશ્મીર ટૂંક સમયમાં તેનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવશે જેના માટે તે વિશ્વભરમાં જાણીતું હતું.
વિપક્ષના ધરણાં-દેખાવ
શ્રીનગરમાં ભાજપે જાહેરસભા યોજીને કલમ 370ની નાબૂદીની ચોથી વર્ષગાંઠની ઉજવણી 370 કરી હતી, જ્યારે આ નિર્ણયનો વિરોધ કરતા કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને પીડીપીએ વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. કોંગ્રેસ તેને કાળો દિવસ ગણાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીર કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો પુનઃ સ્થાપિત કરવાની, જમીનના અધિકારોનું રક્ષણ કરવાની અને સ્થાનિકોને નોકરીઓમાં 100 ટકા અનામતની માંગણી કરી હતી. પીડીપીના કાર્યકરોએ જમ્મુના ગાંધીનગર ખાતે પાર્ટીના મુખ્યાલયમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ રસ્તા પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter