નવી દિલ્હીઃ ભારતીય સેનાની શૌર્યગાથા રજૂ કરતા શાનદાર ઇતિહાસમાં સોનેરી અક્ષરે આલેખાયેલા કારગિલ વિજયની સોમવારે દેશભરમાં ગર્વભેર ઉજવણી કરાઇ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી માંડીને આમ આદમીએ દેશની રક્ષા કાજે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદ જવાનોને અંજલિ અર્પી હતી. કાશ્મીર પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ કોવિંદે વીર જવાનોને વંદન કરીને પુષ્પાંજલિ અર્પી હતી. બાદમાં તેમણે બારામુલા ખાતે જવાનો સાથે સમય વીતાવ્યો હતો.
પાકિસ્તાની સેનાના જવાનોએ મે ૧૯૯૯માં કાશ્મીરના કારગિલ જિલ્લામાંથી ઘૂસણખોરી કરીને ભારતીય ભૂમિ પર અડીંગો જમાવ્યો હતો.
આ ઘૂસણખોરીની જાણ થતાં જ ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ હાથ ધર્યું અને પાક. જવાનોને જડબાતોડ જવાબ આપી તેમના કબજામાંથી માતૃભૂમિને મુક્ત કરાવી હતી. આ દિવસ હતો ૨૬ જુલાઇ ૧૯૯૯. આ શાનદાર વિજયની સ્મૃતિમાં દર વર્ષે ૨૬ જુલાઇએ કારગિલ વિજય દિવસ ઉજવાય છે.
વિશ્વમાં સૌથી ઊંચી રણભૂમિ પર ખેલાયેલા જંગનું બહુમાન ધરાવતા કારગિલ યુદ્ધમાં ભારતના ૫૦૦થી વધુ જાંબાઝ જવાનો શહીદ થયા હતા, અને ૧૩૦૦થી વધુ જવાનોને ઇજા થઇ હતી.
સામા પક્ષે પાકિસ્તાનને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી હતી. ભારતીય સેનાના અનપેક્ષિત પ્રચંડ આક્રમણથી પાકિસ્તાન એટલી હદે ગભરાયું હતું કે તેના શાસકોએ યુદ્ધ અટકાવવા માટે મધ્યસ્થી કરવા અમેરિકા સમક્ષ ખોળો પાથરવો પડ્યો હતો.
ભારતે પાક. ભૂમિ કબ્જે કરવાની જરૂર હતીઃ મલિક
કારગિલ યુદ્ધના સમયે ભારતીય સૈન્યના વડા રહેલા પૂર્વ આર્મી જનરલ વી.પી. મલિકે ૨૨ વર્ષ પહેલાં લડાયેલાં યુદ્ધને યાદ કરીને કેટલીક મહત્વપૂર્ણ વાત કરી હતી. જનરલ મલિકે કહ્યું કે એ સમયે આર્મીને પાકિસ્તાનની કેટલીક જમીન પર કબજો કરવાની મંજૂરી મળવી જોઈતી હતી.
તેમનું કહેવું હતું કે કારગિલ યુદ્ધમાં ભારતીય સૈન્યનું ઓપરેશન વિજય રાજકીય, સૈન્ય અને કૂટનીતિક કાર્યવાહીમાં મિશ્ર સ્વરૂપ હતું. આપણે મુશ્કેલ પરિસ્થિતિને મોટી સૈન્ય અને કૂટનીતિક જીતમાં બદલી શક્યા. પાકિસ્તાન પોતાના ઈરાદામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું હતું. પાકિસ્તાને કારગીલ યુદ્ધમાં હારથી રાજનીતિક અને સૈન્ય મોરચે મોટી કિંમત ચૂકવવી પડી હતી.
જનરલ મલિકે જણાવ્યું કે યુદ્ધના સમયે ભારતીય ઈન્ટેલીજન્સની સ્થિતિ સારી નહોતી અને સર્વેલન્સની સિસ્ટમ પણ યોગ્ય નહતી, પરંતુ યુદ્ધભૂમિમાં એક પછી એક પછી મળેલાં વિજય અને સફળ રાજનીતિક - સૈન્ય રણનીતિના દમ પર ભારત ફક્ત યુદ્ધ જીત્યું એટલું જ નહીં, પણ દુનિયામાં એક જવાબદાર દેશ તરીકે ભારતે પોતાની છબી મજબૂત કરી. એક એવા દેશ તરીકે ભારતે પોતાનું સ્થાન દૃઢ કર્યું જે લોકતંત્ર ધરાવે છે અને પોતાની સરહદોની સુરક્ષા કરી શકે છે.
૨૨મા કારગિલ વિજય દિવસના અવસર નિમિત્તે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સંરક્ષણ રાજ્યપ્રધાન અજય ભટ્ટે દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ આર્મી, નેવી અને એરફોર્સ એમ ત્રણેય સેનાના પ્રમુખ એરચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, નેવીના વાઈસ ચીફ એડમિરલ જી. અશોકકુમાર અને આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણેએ પણ શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના શહીદોને યાદ કર્યા અને ટ્વીટ કરીને કહ્યું કે, અમે શહીદોના બલિદાનને યાદ કરીએ છીએ, તેમની બહાદૂરીને યાદ કરીએ છીએ. આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે એ તમામને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ, જેમણે દેશની સુરક્ષા કરતાં પોતાના પ્રાણની આહૂતિ આપી છે. તેમની બહાદુરી આપણને પ્રતિદિન પ્રેરણા આપે છે.