કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇકઃ ૫૦૦ અને ૧૦૦૦ની કરન્સી રદ

નરેન્દ્ર મોદીએ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ કરી

Thursday 10th November 2016 05:13 EST
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે દેશના અર્થતંત્ર પર ભ્રષ્ટાચાર, કાળા નાણા અને બનાવટી ચલણી નોટોની નકારાત્મક અસરો નાબૂદ કરવા ૮ નવેમ્બરની મધરાતથી તત્કાળ અમલી બને તે રીતે રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ના દરની નોટો ચલણમાંથી રદ કરી છે. મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ વિશેષ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં ભ્રષ્ટાચારીઓ પાસેથી ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું બહાર લવાયું છે. ઇમાનદાર ભારતીયો માને છે કે ભ્રષ્ટાચાર, કાળા નાણાં, બેનામી સંપત્તિ, બનાવટી ચલણી નોટો અને આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ હોવી જોઈએ. સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં ઘણા પગલાં ઉઠાવ્યા છે.
ઉલ્લેખનીય છે તાજેતરમાં વડોદરા ખાતે જાહેર સભાને સંબોધતાં તેમણે બેહિસાબી આર્થિક વ્યવહારો સામે આકરી કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે કાળા નાણાં પર હજી સર્જિકલ સ્ટ્રાઇક બાકી છે.
વડા પ્રધાને મંગળવારે બપોરે સેનાના ત્રણે પાંખના વડા સાથે બેઠક કર્યા બાદ કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક યોજી હતી. બાદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે, અમે કાળા ધન અને કરચોરો માટેના દરવાજા બંધ કરી દીધાં છે. મોદીએ જણાવ્યું હતું કે ૮ નવેમ્બર, ૨૦૧૬ની મધરાત્રીથી રૂપિયા ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો લીગલ ટેન્ડર રહેશે નહીં. ભ્રષ્ટાચાર, કાળા ધન અને બનાવટી નોટોના કારોબારમાં લિપ્ત દેશવિરોધીઓ અને અસામાજિક તત્ત્વો પાસેની આ ચલણી નોટો હવે માત્ર કાગળના ટુકડા જ બની જશે. મહેનત અને ઇમાનદારીથી કમાતા નાગરિકોના હિતોની સંપૂર્ણ રક્ષા કરાશે. રૂપિયા ૧, ૨, ૫, ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ની ચલણી નોટો અને સિક્કા પર કોઇ પ્રતિબંધ લદાયો નથી.
તેમણે કહ્યું હતું કે લોકોએ પરેશાન થવાની જરૂર નથી. ૧૧ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બેન્કો અને પોસ્ટ ઓફિસોમાં જમા કરાવી શકાશે. જૂની નોટોના બદલે સરકાર ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ લાવી રહી છે, જે ૧૧ નવેમ્બરથી મળવાનું શરૂ થઇ જશે. બેન્કો અને એટીએમમાં નવી ચલણી નોટોનું રિપ્લેસમેન્ટ સરળતાથી થઇ શકે તે માટે ક્યાંક એક દિવસ તો ક્યાંક બે એટીએમ બંધ રહેશે. જરૂરી વહીવટી કામગીરી માટે ૧૦મીએ બેન્કો પણ બંધ રહેશે. જોકે, ચેક, બેન્ક ડ્રાફ્ટ કે અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ચૂકવણી પૂર્વવત ચાલુ રહેશે. મોદીએ નિર્ણય પાછળનું કારણ આપતા કહ્યું હતું કે પડોશી દેશ મોટી સંખ્યામાં નકલી નોટ ભારતમાં પધરાવી રહ્યો છે.

બીજાના નાણાં નહીં બદલતા

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ જણાવ્યું છે કે કેટલાક લોકો તમારા ભોળપણનો ફાયદો ઉઠાવીને તમને તેમની ૫૦૦ અને ૧૦૦૦ના દરની જૂની નોટ બેન્કમાં જઇને બદલાવી આપવા કહે તેવું બની શકે છે. જોકે તમે તેવું કરશો નહીં, કેમ કે તમારા દ્વારા જમા થનારી નોટો પર નજર રખાશે. તેનું વીડિયો રેકોર્ડિંગ પણ થશે. તેની તમામ વિગતો પણ રખાશે. તેથી આવા લોકોથી દૂર રહો. આ સાથે આરબીઆઇએ જાહેરાત કરી હતી કે લોકોને તકલીફ ન પડે તે માટે બેન્કોને વધુ કાઉન્ટર ખોલવા અને વધુ સમય સુધી કામ કરવા આદેશ કરાયો છે.

મોદીએ ફરી ચોંકાવ્યા

આટલા મોટા નિર્ણયની કોઈને ગંધ પણ ન આવી. મોદી આખો દિવસ સેના પ્રમુખો સાથે મંત્રણા કરતા રહ્યા. આ પછી સમાચાર આવ્યા કે તેઓ રાષ્ટ્રપતિને મળવા જશે. રાત્રે ફ્લેશ થયો કે વડા પ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરશે. બધા મીડિયામાં ચર્ચા શરૂ થઈ કે કદાચ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીની જાહેરાત થઈ શકે છે.
જોકે મોદીએ કરન્સી પાછી ખેંચવાની જાહેરાત કરીને બધાના ચોંકાવી દીધા. આ અગાઉ મોદીએ પાકિસ્તાન જઈને, પ્રધાનમંડળ વિસ્તરણમાં સ્મૃતિ ઇરાનીનું કદ કાપીને અને ગુજરાતમાં અચાનક વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવીને લોકોને ચોંકાવ્યા હતા.

શ્રેણીબદ્ધ મિટિંગો અને આખરે નિર્ણયનો અમલ

૫૦૦ અને ૧૦૦૦ની નોટોને બંધ કરવાની પ્રક્રિયા અચાનક જ શરૂ નથી થઈ. ગુરુવારે ત્રીજી નવેમ્બરે આ પ્રક્રિયા શરૂ થઈ હતી. માત્ર છ દિવસમાં તેને અંજામ સુધી પહોંચાડાઇ. સૌપહેલા ગુરુવારે બપોરે એક વાગ્યે નાણાં પ્રધાન અરુણ જેટલીએ દિલ્હીમાં તમામ રાજ્યોના આરબીઆઇ મેનેજરો સાથે મિટિંગ કરી. મિટિંગમાં કોઈ કોઈ અધિકારી દ્વારા પ્રેઝેન્ટેશન રજૂ થયું નહોતું, પણ મોટા સ્ક્રીન પર પીપીટી એટલે કે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સ્વયં નાણાં પ્રધાને આપ્યું હતું. બપોરે ૨.૩૦થી ૨.૫૦ વાગે નાણાં પ્રધાન સાથેની બેઠક દરમિયાન આરબીઆઇના તમામ મેનેજરો પાસેથી ૨૦ મિનિટમાં સૂચનો મંગાયા હતા. ઘણાએ વાંધો વ્યક્ત કર્યો, કહ્યું કે લોકો હેરાન થશે. તે બાદ એક સામૂહિક નિર્ણય કરીને આગામી ગુરુવાર સુધી ૧૦૦ રૂપિયાની કરન્સી બેન્કોને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો ઇનકાર કરી દેવાયો હતો. તે ઉપરાંત તમામ આરબીઆઇ મેનેજરોને કડક નિર્દેશ આપવામાં આવ્યા કે આ વાત જાહેર કરવામાં ન આવે.

ભારતીય અર્થતંત્રમાં કામચલાઉ કરન્સી ક્રાઇસિસ

દેશમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટને ચલણમાંથી રદ કરવાના નિર્ણયથી અર્થતંત્રમાં કરન્સી ક્રાઇસિસ ઉત્પન્ન થઇ છે. રિઝર્વ બેંકના ડેટા બેઝ મુજબ ભારતીય અર્થતંત્રમાં રૂ. ૧૭.૫૪ લાખ કરોડના મૂલ્યની ચલણી નોટ અસ્તિત્વમાં છે. જેમાં મૂલ્યની રીતે રૂ. ૫૦૦ની નોટનું પ્રમાણ ૪૫ ટકા અને રૂ. ૧૦૦૦ની નોટનું પ્રમાણ ૩૯ ટકા જેટલું છે. જ્યારે નોટની સંખ્યાની રીતે જોઇએ તો અર્થતંત્રમાં ૧૦ અને ૧૦૦ રૂપિયાની નોટનું પ્રમાણ ૫૩ ટકા જેટલું છે. જેનો સીધો અર્થ એ થાય કે, હવે દેશના અર્થતંત્રમાં રહેલી રૂ. ૧૦૦૦ના મૂલ્યની રૂ. ૬,૩૨,૬૦૦ કરોડની નોટનું કોઇ મૂલ્ય રહ્યું નથી.
રિઝર્વ બેંકના આંકડા ૨૦૧૫-૧૬માં કોર્મિશયલ બેંકોમાં લગભગ રૂ. ૬.૫ લાખ કરોડની નકલી નોટ પકડાઇ હતી. જેમાંથી રૂ. ૪ લાખ કરોડની નોટ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના મૂલ્યની હતી. તો બાકીની રૂ. બે લાખ કરોડની નોટ રૂ. ૧૦૦ના મૂલ્યની હતી.

તો પછી રૂ. ૨૦૦૦ની ચલણી નોટ શા માટે?ઃ કોંગ્રેસ

કોંગ્રેસે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની હાલની નોટો રદ કરીને તેનાં સ્થાને રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ની નવી નોટો ચલણમાં લાવવાનાં સરકારનાં નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે ખાસ કરીને રૂ. ૨૦૦૦ની નવી નોટો બહાર પાડવાના નિર્ણય સામે પ્રશ્ન કર્યો છે. રૂ. ૨૦૦૦ની મોટી નોટો ચલણમાં લાવવાથી ઉલટાનું બ્લેક મનીનું સર્જન વધશે અને લોકોને કાળા નાણાંનું સર્જન કરવા પ્રોત્સાહન મળશે. વધુ મોટી નોટોનો સંગ્રહ કરીને લોકો બ્લેક મનીનું સરળતાથી સર્જન કરતા થશે. આમ રૂ. ૨૦૦૦ની નોટ ચલણમાં આવવાથી કાળા નાણાંનું પ્રમાણ ઘટવાને બદલે વધશે.

૧૯૭૮ અને ૨૦૧૬: યોગાનુયોગ ગુજરાતીઓ

ચલણી નોટો રદ કરવાના નિર્ણયમાં ગુજરાતીઓનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. આઝાદી પછી પહેલી વખત ચલણનું અવમૂલ્યન કર્યું ત્યારે ગુજરાતી મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા. તેમણે બ્લેક મનીને કાબૂમાં લેવા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સરકાર જોકે જનતા મોરચાની હતી. એ વખતે છ વર્ષથી સંસદમાં મોટી ચલણી નોટો નાબૂદ કરવાની ડિમાન્ડ થઈ રહી હતી. એ માટે સરકારે સીધા કરવેરા તપાસ સમિતિ (વાંચ્છુ સમિતિ) પણ રચી હતી. આ સમિતિએ ૧૯૭૦-૭૧માં સરકારને ગુપ્ત અહેવાલ આપી નોટો રદ કરવાની ભલામણ કરી હતી.
મોરારજી સરકારમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં અને તેનો અમલ કરવામાં નાણાં પ્રધાન એચ. એમ. પટેલનો મોટો ફાળો હતો. આ વખત નોટનાબૂદીનો નિર્ણય વડા પ્રધાને જાહેર કર્યો છે, જ્યારે એ વખતે નાણાં પ્રધાન પટેલે જ જાહેરાત કરી હતી. આ વખતે નિર્ણયમાં જે રીતે ગુજરાતી વડા પ્રધાન છે, તેમ બીજા ગુજરાતી પટેલનો પણ મહત્ત્વનો રોલ છે. આ પટેલ એટલે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) ગવર્નર ઉર્જિત પટેલ. વડા પ્રધાને સંબોધન પૂર્ણ કર્યા પછી તુરંત ગવર્નર પટેલે આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપી હતી. ગુજરાત બ્લેક મની સર્જતા રાજ્યોમાં આગળ પડતું સ્થાન ધરાવે છે, કેમ કે ગુજરાતમાં ઉદ્યોગ-ધંધા અને બ્લેક મની પર મહદઅંશે ચાલતો જમીન-મકાનનો બિઝનેસ ખૂબ ફૂલ્યોફાલ્યો છે.

સોના-ચાંદીમાં તીવ્ર ઉછાળો

બ્લેક મની ઉપરની સર્જિકલ સ્ટ્રાઇકથી સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ છે. પેપર કરન્સી ઉપર વિશ્વાસ ઘટતા લોકો ‘સેફ હેવન’ ગણાતા સોના-ચાંદીની ખરીદી તરફ વળશે તે નક્કી હતું. જ્વેલર્સ માર્કેટના અગ્રણીઓના જણાવ્યા મુજબ બ્લેક મની ઉપરની સર્જિકલ સ્ટ્રાઇકના અહેવાલના પગલે લોકો પાન કાર્ડ નંબર આપીને સોના-ચાંદીની ખરીદી કરવાની તૈયારી દર્શાવી રહ્યાં છે. માર્કેટમાં અણધારી માગ નીકળતા સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિની પ્રબળ શક્યતા છે. નોટ ઉપર પ્રતિબંધના અહેવાલ બાદ મોડી સાંજે જ જ્વેલર્સ માર્કેટમાં ખાનગીમાં સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૦થી ૬૦૦ અને ચાંદીમાં કિલોદીઠ રૂ. ૧,૦૦૦ જેટલો ઊંચો ભાવ બોલાતો હતો. ઘણા જ્વેલર્સે ઊંચા ભાવે ઘરેણા વેચીને ઘડામણ ચાર્જ પેટે ઊંચી રકમ વસૂલી હતી.
મંગળવારે સોનાનો સત્તાવાર ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૩૦,૮૫૦ અને ચાંદી કિલો દીઠ રૂ. ૪૩,૩૦૦ થયો હતો. જોકે બુધવારે ૧૦ ગ્રામ સોનાનો (બિનસત્તાવાર) ભાવ એક તબક્કે વધીને રૂ. ૪૩,૦૦૦ની સપાટીએ સ્પર્શ્યો હતો.

વડા પ્રધાન મોદીએ રજૂ કર્યા પાંચ મુદ્દા...

• આવનારી પેઢીઓ માટે આ નિર્ણયઃ વડા પ્રધાને જણાવ્યું હતું કે, આ આવનારી પેઢીઓ માટેનો નિર્ણય છે. લોકો આ સમયે પડનારી થોડીક મુશ્કેલીઓને અવગણજો, જેથી આવનારી પેઢીઓ ગૌરવથી જીવી શકે. દેશની સંપત્તિ ગરીબીના લાભ માટે વપરાય તે જરૂરી છે. કાયદાનું પાલન કરનાર નાગરિકોને તેમના અધિકાર મળે તે જરૂરી છે.
• પ્રામાણિકતાનો મહોત્સવઃ દિવાળીના ઉત્સવો બાદ આવો, આપણો દેશ ઇમાનદારીના ઉત્સવમાં જોડાઈ રહ્યો છે. નાગરિકો તેમાં સહકાર આપે. આવો, આપણે બધા સાથે મળીને પ્રામાણિકતાનો મહોત્સવ ઉજવીએ
• આતંકને મળતું ભંડોળ બંધ થશેઃ મોદીએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક પગલાંથી ગરીબો અને નિમ્ન મધ્યમ વર્ગ માટે નવી તકોનું નિર્માણ થશે. રિઅલ એસ્ટેટની કિંમતો, ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચી શકશે. જાસૂસી, શસ્ત્રોની દાણચોરી અને આતંકવાદીઓને મળતા ભંડોળ પર રોક લાગશે.
• આ ક્ષણના ભાગીદાર બનોઃ દેશના ઇતિહાસમાં એવી ક્ષણો આવે છે જેનો દરેક નાગરિક હિસ્સો બને છે. દરેક નાગરિકે દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.
• પરિવર્તનનો સમય આવી ગયો છેઃ કાળું નાણું અને ભ્રષ્ટાચાર આપણ જીવનનો હિસ્સો બની ગયો હોય તે આપણા દરેક માટે ચિંતાનો વિષય છે. હવે પરિવર્તનનો સમય આવી ગયો છે.

મોદીએ આ પ્રોજેક્ટ લાવનાર એન્જિનિયરને નવ મિનિટ ફાળવી હતી, પણ સાંભળ્યા પૂરા બે કલાક

વડા પ્રધાન મોદીએ જૂની ચલણી નોટો રદ કરવાનો નિર્ણયના મૂળમાં કોણ છે? એક અહેવાલ અનુસાર, વડા પ્રધાને અર્થક્રાંતિ નામની સંસ્થાની દરખાસ્તોને ધ્યાનમાં લઈને આ દિશામાં પગલાં લેવાનું વિચાર્યું હોવાનું મનાય છે. આ સંસ્થાના એક સભ્ય અનિલ બોકિલ બાહોશ એન્જિનિયર છે. મોટી નોટો ચલણમાંથી રદ કરવાનો વિચાર આ બોકિલના ફળદ્રુપ ભેજાની ઉપજ હોવાનું માનવામાં આવે છે. તેમણે આ યોજના સંદર્ભે વડા પ્રધાન મોદીને મળવા માટે સમય માગ્યો હતો. મોદીએ તેમને સાંભળવા માટે ફક્ત ૯ મિનિટનો સમય ફાળવ્યો હતો. જોકે પછી મોદીને અનિલ બોકિલની દરખાસ્તોમાં રસ પડતો ગયો એટલે આ મુલાકાત ૨ કલાક લાંબી ચાલી હતી.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ જ દરખાસ્તો લઈને બોકિલની ટીમ દોઢેક વર્ષ પહેલાં રાહુલ ગાંધીને મળવા ગઈ હતી. તે સમયે રાહુલે તેમને સાંભળવા માત્ર ૧૫ સેકન્ડ સમય આપ્યો હતો. આમ મોદીનાં આ નિર્ણય પાછળ એક એન્જિનિયરનું ભેજું કામ કરી ગયું હોવાનું ચર્ચાય છે.

સોશિયલ મીડિયાની વાંકી નજરે...

• હું ગ્રાહકને રૂ. ૫૦૦ અદા કરવાનું વચન પાછું લઉ છુંઃ ગાંધીજી
• જેની જેટલી હેસિયત હોય એટલા મોટા નિર્ણય તે લે છે, કોંગ્રેસે ચાર આના બંધ કર્યા હતા.
• મોદી પ્લે ઈટ ટ્રમ્પ કાર્ડ, પુરી ઈન્ડિયા હિલેરી હૈ...
• મેં સિગ્નલ તોડ્યું અને પોલીસને ૧૦૦૦ રૂપિયા આપ્યા તો તેણે કહ્યું ૧૦૦ આપી દો ભાઈ.
• પત્નીપીડિત સંઘની પત્નીઓને અપીલઃ જેટલા પૈસા છુપાવ્યા હોય તે બતાવી દો... અડધા-અડધા વહેંચી લઈશું.
• એક વાત યાદ રાખજો - ક્યારેય કોઈને નાના સમજોઃ ૧૦૦ની નોટ
• આ તો ચિટિંગ છે - મોદીએ કહ્યું હતું કે કાળુ નાણું બહારથી લાવીશુ, પણ આ તો અંદરથી કાઢી રહ્યા છે.
• વીજળી વિભાગને અપીલ આજે રાતે વીજ કાપ ન કરતા, આજે નોટો ગણાઈ રહી છે.
• જે પત્રકારો વિચારતા હતા કે મોદીના દેશને સંબોધન પછી સરહદે રિપોર્ટિંગ માટે જવું પડશે તેઓ કાલે બેંકની લાઈનમાં દેખાશે.
• ત્યારે 9/11માં અમેરિકા હચમચ્યું, હવે 9/11માં ભારત હચમચ્યું.
• આજે ઉંઘ સારી આવશે, ગરીબ હોવાની આનાથી વધુ ખુશી પહેલા ક્યારેય નથી મળી...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter