ફિફ્ટી-ફિફ્ટીઃ કાળું નાણું કાયદેસર કરો

૫૦ ટકા પેનલ્ટી ચૂકવીને કાળું નાણું કાયદેસર કરવા સરકારની ઓફર

Wednesday 30th November 2016 05:12 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કર્યા પછી હવે ભારતીય અર્થતંત્રને ઉધઇની જેમ કોરી રહેલા કાળાં નાણાંના દૂષણને ડામવા કમર કસી છે. સરકારે નોટબંધીની જાહેરાત બાદ બેન્કોમાં જમા થયેલી જંગી બેહિસાબી રકમ પર મસમોટો ટેક્સ વસૂલવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી અહેવાલો હતા કે સરકાર બેહિસાબી આવક પર ૨૦૦ ટકા સુધીનો તોતિંગ ટેક્સ વસૂલ કરશે. જોકે આ બધી વાતો અટકળો જ પુરવાર થઈ છે અને હવે ખુદ સરકારે ૫૦ ટકા ટેક્સ લઈને બ્લેક મનીને વ્હાઈટ કરી આપવાની યોજના જાહેર કરી છે.
૯ નવેમ્બરથી અમલી બનેલી નોટબંધી બાદ બેન્કોમાં જમા કરાવાયેલાં કાળા નાણાં પર ટેક્સની વસુલાત માટે ઈનકમ ટેક્સ લો સંશોધન બિલ-૨૦૧૬ સોમવારે નાણાં પ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં રજૂ કર્યું હતું. આવકવેરા કાયદામાં સુધારા કરતા આ ખરડામાં નોટબંધી બાદ બેન્કનાં ખાતાઓમાં જમા કરાવાયેલી, પરંતુ જાહેર નહીં કરેલી આવક પર ૫૦ ટકા ટેક્સ, પેનલ્ટી અને સરચાર્જની વસુલાતનો પ્રસ્તાવ મૂકાયો છે.
જો આ સ્કીમની મુદત પૂરી થયા બાદ જાહેર નહીં કરેલું બેહિસાબી નાણું આવકવેરા વિભાગની તપાસમાં ઝડપાશે તો તેના પર ૮૫ ટકા ટેક્સ અને પેનલ્ટીની વસુલાત કરાશે.
વડા પ્રધાને ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ કરવાની જાહેરાત કર્યાનાં ત્રણ સપ્તાહ બાદ નાણાં પ્રધાને આવકવેરા સુધારા ખરડો લોકસભામાં રજૂ કર્યો છે. નાણાં પ્રધાને આ બિલ ‘મની બિલ’ તરીકે રજૂ કર્યું હોવાથી તેને માત્ર લોકસભાની જ મંજૂરી જરૂરી છે. આમ સંસદના શિયાળા સત્રમાં જ તે પસાર થઇ જશે. ઉલ્લેખનીય છે કે શાસક પક્ષને રાજ્યસભામાં પૂર્ણ બહુમતી નથી.
ખરડામાં કરાયેલી જોગવાઈ અનુસાર અઘોષિત આવક જાહેર કરનારે તે રકમના ૨૫ ટકા ફરજિયાત વડા પ્રધાન દ્વારા જાહેર કરાયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ડિપોઝિટ સ્કીમમાં જમા કરાવવા પડશે. વ્યાજરહિત આ સ્કીમમાં ચાર વર્ષનો લોક-ઇન પિરિયડ રહેશે. એટલે વ્યક્તિને ચાર વર્ષ સુધી આ રકમ પરત મળશે નહીં.
જે લોકો નોટબંધી બાદ જાહેર થયેલી આ વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ અંતર્ગત કાળાં નાણાંની જાહેરાત નહીં કરે અને બાદમાં તેમની અઘોષિત આવક ઝડપાશે તો તેમના માટે સરકારે આકરાં પગલાંની જોગવાઈ ખરડામાં કરી છે. આ પ્રકારની અઘોષિત આવક પર ફ્લેટ ૬૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે. તે ઉપરાંત ટેક્સના ૨૫ ટકા સરચાર્જની વસુલાત કરાશે. આમ કુલ ૭૫ ટકા ટેક્સ પેટે ચૂકવી દેવી પડશે. તે ઉપરાંત એસેસિંગ ઓફિસર આ ૭૫ ટકાના ટેક્સ પર ૧૦ ટકા પેનલ્ટી પણ વસૂલી શકે છે. આમ, બેહિસાબી નાણાંમાંથી ૮૫ ટકા રકમ સરકારી તિજોરીમાં પહોંચી જશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ડિપોઝીટ સ્કીમ ૨૦૧૬

નોટબંધીને કારણે છેલ્લા ૨૦ દિવસથી સમગ્ર દેશમાં ભારે પરેશાની ભોગવી રહેલા લોકોની લાગણીને વાચા આપતા વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે રજૂ કરાયેલા બિલમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ડિપોઝીટ સ્કીમ ૨૦૧૬ની દરખાસ્ત છે. જેમાં ૧૦મી નવેમ્બરથી ૩૦મી ડિસેમ્બર સુધીમાં બેન્કોમાં એકત્ર થયેલી રકમ પર ૩૦ ટકા ટેક્સ અને ૧૦ ટકા પેનલ્ટી લાગુ થશે. આ ઉપરાંત ૩૩ ટકા સરચાર્જ સાથે આ રકમ ૫૦ ટકા સુધી પહોંચી જશે.
રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ડિપોઝીટ સ્કીમ અંતર્ગત મળતાં નાણાં માટે જે કોઈ રકમ આવશે તેનો સ્રોત પૂછાશે નહીં. તેને વેલ્થ ટેક્સ, નાગરિકી કાયદાઓ અને બ્લેક મની એક્ટમાંથી બાદ રખાશે. આ યોજના અંતર્ગત જે નાણાં ભંડોળ મળશે તેનો ઉપયોગ સિંચાઈ, હાઉસિંગ, ટોઇલેટ, બુનિયાદી સેવાઓ, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય તેમજ રોજગારી નિર્માણ માટે થશે.
જે લોકો બેહિસાબી નાણાંને છુપાવશે અને બાદમાં આવકવેરા આ નાણાં પકડાશે તો આવકવેરા કાયદાની જોગવાઈમાં કરાયેલા સુધારા પ્રમાણે ફ્લેટ ૬૦ ટકા ટેક્સ અને તેની પરના ૨૫ ટકા સરચાર્જ એટલે કે ૮૫ ટકા સુધી વસૂલાત કરાશે. ‘અમે જોયું છે કે કેટલાક લોકો નવી ચલણી નોટોનો ઉપયોગ કરીને કાળાં નાણાંને ફરીથી કાળાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે’ તેમ અઢિયાએ કહ્યું હતું. પ્રતિબંધિત ૫૦૦ અને ૧૦૦૦ની નોટમાં જેણે પણ બેહિસાબી રકમ જમા કરાવી છે તેમાંથી ૫૦ ટકા રકમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ૨૦૧૬માં જમા કરાશે. જમા રકમમાંથી ૨૫ ટકા જ ઉપાડી શકાશે જ્યારે બાકીના ૨૫ ટકા ચાર વર્ષ સુધી વ્યાજ વિનાના લોક-ઇન પિરિયડમાં રહેશે.

આવકના સ્રોત અંગે સવાલ નહીં

રેવન્યુ સેક્રેટરી અઢિયાએ જણાવ્યું હતું કે, કાળું નાણું સંગ્રહ કરનારામાં ભય માટે આકરી જોગવાઈ જરૂરી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં આવકના સ્રોત અંગે કોઈ સવાલ નહીં કરાય. તેમાં વેલ્થ ટેક્સ, સિવિલ લો અને અન્ય ટેક્સેશન કાયદામાંથી પણ મુક્તિ આપશે. જોકે ‘ફેમા’, પીએમએલએ, નાર્કોટિક્સ અને બ્લેક મની એક્ટમાંથી કોઈ છૂટછાટ અપાશે નહીં. ૧૦મી નવેમ્બરથી જમા ડિપોઝિટોને આ યોજના અંતર્ગત આવરી લેવાશે. આઈટી સુધાર ખરડો પસાર થઈ ગયા બાદ અમે છેલ્લી તારીખ જાહેર કરીશું. મોટા ભાગે તે ૩૦ ડિસેમ્બર રહેવાની સંભાવના છે.
ઓછી આવક દર્શાવવા પર ૫૦ ટકા ટેક્સ અને આવકની ખોટી માહિતી આપવા પર ૨૦૦ ટકા ટેક્સની જોગવાઈઓ ચાલુ જ રહેશે. ઓછી આવક દર્શાવવી અથવા તો આવકની ખોટી માહિતી આપવી અને આવકવેરા રિટર્નમાં દર્શાવેલી રકમ અને એસેસ્ડ આવક વચ્ચે અંતર છે.

રૂ. ૬૫ હજાર કરોડ જાહેર

સરકારની આ યોજનાને ઇન્કમ ડિકલેરેશન સ્કીમ (આઇડીએસ)નો બીજો તબક્કો ગણાય છે. કાળું નાણું બહાર લાવવા આઇડીએસ જાહેર કરાઇ હતી. પહેલી જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધી આ યોજના હતી. યોજનામાં બેહિસાબી આવકની માહિતી જાહેર કરનારને ૪૫ ટકા વેરા અને દંડ સાથે કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ મળી છે. યોજના અંતર્ગત ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૬૪,૨૭૫ લોકોએ ૬૫,૨૫૦ કરોડ રૂપિયાના કાળા નાણાંની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter